લંડનઃ ભારતના ૧૯મી સદીના વિદ્વાન અને મહાન સમાજસુધારક રાજા રામ મોહન રાયને શ્રદ્ધાંજલિ અર્પવા બ્રિસ્ટોલમાં આવેલી સમાધિ પર બ્રિટન, ભારત તથા અન્ય સ્થળોએથી લોકો રવિવાર ૨૪ સપ્ટેમ્બરે એકત્ર થયા હતા. રાજા રામ મોહન રાય ૧૮૩૩માં ઈંગ્લેન્ડની મુલાકાતે આવ્યા હતા ત્યારે મેનિન્જાઈટિસના કારણે ૨૭ સપ્ટેમ્બરે તેમનું બ્રિસ્ટોલ ખાતે ૬૧ વર્ષની વયે નિધન થયું હતું. તેઓ સતીપ્રથા, બાળવિવાહ, મૂર્તિપૂજા અને અંધવિશ્વાસ સહિત કુરિવાજોના પ્રખર વિરોધી તેમજ વિધવાવિવાહના સમર્થક હતા.
બ્રિસ્ટોલના લોર્ડ મેયર કાઉન્સિલર લેસ્લી એલેકઝાન્ડરે બ્રિસ્ટોલના તત્કાલીન ઈંગ્લિશ શિક્ષણશાસ્ત્રી લેન્ટ કાર્પેન્ટર અને તેમની પુત્રી મેરી કાર્પેન્ટર સાથેના સંબંધોને યાદ કર્યા હતા. કાઉન્સિલરે જણાવ્યું હતું કે આ શહેર રાય સાથેના સંબંધોને વાગોળે છે, જેમની પ્રતિમા સિટી હોલ ખાતે સ્થાપિત કરવામાં આવી છે. બ્રિસ્ટોલ બ્રેડલી સ્ટોકના ડેપ્યુટી મેયર કાઉન્સિલર ટોમ આદિત્યે કાર્યક્રમમાં ભારતીય હાઈ કમિશનના મિનિસ્ટર એ.એસ. રાજન સહિત ઉપસ્થિત અગ્રણીઓનો આભાર માન્યો હતો. બ્રહ્મો સમાજના સભ્યોએ રાય દ્વારા રચિત પ્રાર્થના અને ગીતો ગાયા હતા.
સમારંભ પછી રામમોહન રાયના ભારતમાં અને ઈંગ્લેન્ડમાં રોકાણના ગાળામાં જીવન અને કાર્યોના વિવિધ પાસાઓ ઉજાગર કરવામાં આવ્યા હતા. લંડન બ્રહ્મો સમાજના નેતા ડો. સુમિત ચાંડાએ જિજ્ઞાસુ વિદ્યાર્થીથી માંડી સમાજ સુધારકની ભૂમિકા સુધી રાયની વિકાસયાત્રા વિશે જણાવ્યું હતું. બ્રિસ્ટોલમાં રાયના વારસાને જાળવી રાખનારા ઈતિહાસકાર કાર્લા કોન્ટ્રાક્ટરે રાયના બ્રિસ્ટોલ સાથેના સંબંધો અને તેમના અંતિમ દિવસો વિશે વાત કરી હતી. રાજા રામ મોહન રાયનું નિધન થયું ત્યારે ઈંગ્લેન્ડમાં દાહસંસ્કારની છૂટ ન હોવાથી તેમને દફન કરવામાં કરવામાં આવ્યા હતા. તેમની સ્મૃતિમાં દ્વારકાનાથ ટાગોર દ્વારા આર્નોસ વેલ ક્રીમેટોરિયમ ખાતે ૧૮૪૨-૪૪ના ગાળામાં સમાધિનું નિર્માણ કરવામાં આવ્યું હતું.