માત્ર ત્રણ વર્ષની વયે 23 ટકા બ્રિટિશ બાળકો સ્થૂળતાનો શિકાર

Friday 15th May 2015 08:28 EDT
 
 

લંડનઃ યુકે મેદસ્વીતા ટાઈમ બોમ્બનો સામનો કરી રહ્યું છે તેવી ચેતવણીઓ મધ્યે વિશ્વ આરોગ્ય સંસ્થાના એનાલીસિસ રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૩ ટકા બ્રિટિશ બાળકો ત્રણ વર્ષની વય સુધીમાં સ્થૂળ અથવા ઓવરવેઈટ બની જાય છે. આ સમગ્ર યુરોપમાં બીજા ક્રમનો આંક છે. ૨૭ ટકા આઈરિશ બાળકો આટલી વયે મેદસ્વી બને છે. બીજી તરફ, બહુમતી બ્રિટિશ પુખ્ત લોકો ૧૫ વર્ષમાં વધુપડતું વજન ધરાવતાં થઈ જશે. મેદસ્વીતાની ભરતીને અટકાવવા પગલાં લેવાં નિષ્ણાતોએ સરકારને સલાહ આપી છે. અત્યારે તો સરકારે આહારમાં ખાંડ અને ચરબીનું પ્રમાણ ઘટાડવાની જવાબદારી ફૂડ અને ડ્રિન્ક્સ ઉત્પાદકોના માથે નાખી છે.

નેશનલ ઓબેસિટી ફોરમે જણાવ્યું છે કે બાળપણમાં મેદસ્વીતા કે સ્થૂળતાની સમસ્યાનું પ્રમાણ ખાસ ચિંતાજનક છે કારણકે મોટા ભાગના સ્થૂળ બાળકો પુખ્ત વયે પણ સ્થૂળ રહે છે. જેટલી યુવાન વયે કોઈ સ્થૂળ બને તો સ્થૂળતા સાથે સંકળાયેલા હૃદયરોગ, ડાયાબીટીસ અને અન્ય રોગોના વહેલા શિકાર બને છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુરોપના ૨૮ દેશમાં ઓવરવેઈટ બાળકોનો અભ્યાસ કર્યો હતો. યુકે સહિત કેટલાંક દેશમાં ચોક્કસ ત્રણ વર્ષની વય પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું, જ્યારે અન્ય દેશોમાં પાંચ વર્ષથી નીચેના બાળકોનો અભ્યાસ કરાયો હતો. બ્રિટિશ બાળકોની સરખામણીએ ૨૭ ટકા આઈરિશ બાળકો અતિ સ્થૂળ હતાં. યુરોપિયન કોંગ્રેસ ઓન ઓબેસિટી સમક્ષ જણાવાયું હતું કે આલ્બેનિયા, બલ્ગેરિયા અને સ્પેનમાં પણ બાળ સ્થૂળતાની મોટી સમસ્યા છે. જોકે, કઝાખસ્તાન જેવાં દેશોમાં આ પ્રમાણ એક ટકાથી પણ નીચું હતું.

યુએસની એમોરી યુનિવર્સિટીના સંશોધક રેબેકા જોન્સે જણાવ્યું હતું કે બ્રિટનમાં સ્તનપાનનું ઓછું પ્રમાણ સમસ્યાનું એક પરિબળ હોઈ શકે છે. જોકે, સ્તનપાન કરતા બાળકો મોટી વયે પાતળાં સા માટે રહે છે તેનું કારણ જાણી શકાયું નથી. સગર્ભાઓ અને નાના બાળકોમાં તંદુરસ્ત આહારની જાગૃતિ આવે તે આવશ્યક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter