મિલાપફેસ્ટ દ્વારા યુકેમાં પ્રથમ નેશનલ ઈન્ડિયન આર્ટ્સ એવોર્ડ્સ

Monday 02nd November 2015 07:22 EST
 
 

લંડનઃ ભારતીય કળાક્ષેત્રમાં કાર્યરત કળા વ્યાવસાયિકોની નિષ્ઠાને સન્માનવા તેમ જ યુવા કળાકારોની મહેનત અને ધગશને ઉજવવા યુકેના ઈન્ડિયન આર્ટ્સ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ‘મિલાપફેસ્ટ’ દ્વારા નેશનલ ઈન્ડિયન આર્ટ્સ એવોર્ડની સ્થાપના કરવામાં આવી છે. ગુરુવાર, આઠ ઓક્ટોબરે લંડનના નેહરુ સેન્ટરમાં એવોર્ડ સમારંભનું આયોજન થયું હતું. એવોર્ડ્સને આર્ટ્સ કાઉન્સિલ ઈંગ્લેન્ડનો ટેકો પ્રાપ્ત થયો હતો.

સમારંભમાં ઉપસ્થિત ભારતીય હાઈ કમિશનર રંજન મથાઈએ ત્રણ મુખ્ય એવોર્ડ આપ્યા હતા. એક્ઝીક્યુટિવ ડિરેક્ટર ડો. એમ. એન. નંદકુમારને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, રેસિડન્ટ કર્ણાટકી સંગીતશિક્ષિકા શિવશક્તિ સિવાનેસનને ટીચર ઓફ ધ યર-મ્યુઝિક (સંગીત આચાર્ય રત્ન), તેમ જ પુષ્પકલા ગોપાલને ટીચર ઓફ ધ યર-ડાન્સ (નૃત્ય આચાર્ય રત્ન) એનાયત કરવામાં આવ્યા હતા. નોંધપાત્ર સંગીતકારો તરીકે તરંગ’ના જસદીપસિંહ દેગૂન અને ‘સામ્યો’ના સંજુરાન કીર્તિકુમારને અનુક્રમે નેશનલ એન્સેમ્બલ ફોર ઈન્ડિયન મ્યુઝિક અને નેશનલ યુથ ઓરકેસ્ટ્રા ફોર ઈન્ડિયન મ્યુઝિક એવોર્ડ એનાયત કરાયા હતા. મિલાપફેસ્ટ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા બનેલા યર્લિની થાનાબાલાસિંઘમ અને પર્બતી ચૌધરીને યુવા રત્ન એવોર્ડ્સ અનુક્રમે યંગ મ્યુઝિશિયન ઓફ ધ યર અને યંગ ડાન્સર ઓફ ધ યર એનાયત કરવામાં આવ્યાં હતાં.

મિલાપફેસ્ટના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર પ્રશાંત નાયકે કહ્યું હતું કે,‘આ એવોર્ડ્સની સ્થાપના નિસ્વાર્થ કાર્ય યુવા પેઢીને કેવી રીતે સશક્ત અને સમૃદ્ધ બનાવી શકે, તેમ જ સમુદાયો અને લોકો વચ્ચે સેતુનિર્માણમાં મદદરૂપ બને તેની સારી સમજ પેદા કરશે.’ આર્ટ્સ કાઉન્સિલ ઈંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ એક્ઝીક્યુટિવ એલ્થીઆ ઈફનશીલે કળા અને સંસ્કૃતિની ભૂમિકાની સરાહના કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter