લંડનઃ મિસ રેડબ્રીજ, મિસ એસેક્સ ચેરિટી અને મિસ એસેક્સ પોપ્યુલારિટીના બ્યુટી ક્રાઉન જીતી ચૂકેલી કૃષ્ણા સોલંકી હવે વધુ એક સિમાચિહન હાંસલ કરવા તરફ આગેકદમ માંડી રહી છે. કૃષ્ણા સોલંકીએ મિસ ઈંગ્લેન્ડ ગ્રાન્ડ ફાઈનલ-૨૦૧૫માં સ્થાન મેળવ્યું છે અને વધુ ગૌરવપૂર્ણ બાબત તો એ છે કે બાવન ફાઇનલિસ્ટમાં તે એકમાત્ર એશિયન છે. કોવેન્ટ્રીના રિકોમાં ૧૩ અને ૧૪ ઓગસ્ટના રોજ મિસ ઈંગ્લેન્ડની ગ્રાન્ડ ફાઈનલ યોજાશે. આ વર્ષે કોન્ટેસ્ટમાં સમગ્ર દેશમાંથી ૧૭-૨૫ વર્ષની ૨૦ હજારથી વધુ યુવતીઓએ ઝૂકાવ્યું હતું.
ગુજરાતી પરિવારમાંથી આવતી કૃષ્ણા સૌરાષ્ટ્રની મૂળ વતની છે અને તેના ગ્રાન્ડપેરન્ટ્સ અને પેરન્ટ્સ ટાન્ઝાનિયાના ટાંગાથી યુકે આવ્યા હતા. ગેન્ટ્સ હિલની કૃષ્ણાએ આત્મવિશ્વાસ વધારવા માટે ગયા વર્ષથી સૌંદર્યસ્પર્ધાઓમાં ભાગ લેવાનો આરંભ કર્યો હતો.
કૃષ્ણાએ વધુમાં જણાવ્યું હતું, ‘મેં શરૂઆત કરી ત્યારે પૂરતો આત્મવિશ્વાસ નહોતો અને હું ગભરાતી હતી. મારા પેરન્ટ્સ પણ એટલા ઉત્સુક ન હતા, પરંતુ હું તેમને બતાવી દેવા માગતી હતી કે આ વાત બિકિની પહેરેલી છોકરીઓની નથી, તમે ચેરિટી માટે ઘણું કામ કરી શકો છો. આ પછી તેઓ મને સમર્થન આપતા થયા હતા.’
પોર્ટ્સમથ યુનિવર્સિટીની મેથ્સની ૨૧ વર્ષીય સ્ટુડન્ટ કૃષ્ણા માત્ર શારીરિક રીતે જ સુંદર છે એવું નથી, તેનું મન પણ સુંદર છે. તે મિસ વર્લ્ડ ચેરિટી, બ્યુટી વિથ પર્પઝ માટે નાણા એકત્ર કરે છે. આ ચેરિટી વિશ્વના વિકલાંગ બાળકોને મદદ કરે છે.
કૃષ્ણા કહે છે, ‘મિસ ઈંગ્લેન્ડ સ્પર્ધામાં ભાગ લેવાનો મારાં મુખ્ય હેતુઓમાં એક શરીરની ત્વચાનો ઘેરો રંગ કદરુપો કહેવાય અને ગોરો રંગ સુંદર કહેવાય તેમ જ ગોરા રંગ ધરાવનારના લગ્નની શક્યતા વધારે હોય તેવી જડ થઇ ગયેલી પરંપરાગત એશિયન માન્યતાઓને પડકારવાનો અને તેના વિશે જાગૃતિ લાવવાનો છે. આપણા એશિયન સમાજમાં આ ભેદભાવ એક પ્રકારે વણાઈ ગયો છે. હું પણ ઘેરા રંગની ત્વચાવાળી છોકરી હોવાથી વિવિધ પારિવારિક-સાંસ્કૃતિક પ્રસંગોએ તેનો ભોગ બનેલી છું.’
કૃષ્ણા કહે છે, ‘મારો બીજો હેતુ કચડાયેલાં બાળકોને મદદ કરતી ‘બ્યુટી વિથ પર્પઝ’ ચેરિટી તેમ જ આફ્રિકામાં બાળકોમાં આશા જન્માવતા મેમુસી ફાઉન્ડેશન માટે આ સ્પર્ધા દ્વારા દાન મેળવવાનો છે. સ્પર્ધામાં મને વોટ આપવા માટે વ્યક્તિએ 'MISS ENGLAND51' મેસેજ ટાઇપ કરીને 63333 નંબર ઉપર મોકલવાનો છે. દરેક વ્યક્તિ કોઈ એક નંબર પરથી ૨૪ કલાકમાં વધુમાં વધુ ૩૦ વોટ આપી શકે છે.’
કૃષ્ણાએ સમર્થન માગતા ઉમેર્યું હતું કે આ વોટિંગ લાઈન્સ શુક્રવાર, ૧૪ ઓગસ્ટના રાત્રે આઠ વાગ્યે બંધ થશે.