મુંબઈ યુકે વિઝા કેન્દ્રની સેવા ઘટાડાતા હજારો લોકોને હાલાકી

Wednesday 07th January 2015 05:26 EST
 

આ નિર્ણય વિઝા માટે અરજી કરનારા હજારો લોકોને ભારે અગવડ થવા સાથે તેમની વિઝા અરજીઓ પર ઓછાં અસરકારક અને ચોક્કસ નિર્ણયો તરફ દોરી જશે. ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ કિથ વાઝે પાર્લામેન્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘આ વર્ષમાં ઉજવણી કરવા ઘણું બધું છે ત્યારે મુંબઈ અને આસપાસના પ્રદેશોના લાખો લોકોને અવિચારી અને પછાત નિર્ણયોથી નકારાત્મક અસરો થશે.’

‘ગયા વર્ષે મુંબઈની યુકે વિઝા ઓફિસના કર્મચારીઓની સંખ્યા ૭૦થી ઘટાડી ૨૦ કરી કામગીરીમાં કાપ મૂકવાનો નિર્ણય ૨૦૧૫માં અમલી બનશે. મુંબઈ શહેર વિશ્વના સૌથી વ્યસ્ત વિઝા કેન્દ્રોમાં સ્થાન ધરાવે છે. ઓલ્ડ ટ્રેફોર્ડ પણ પેક થઈ જાય તેટલી વિઝા અરજીઓ અહીં દર વર્ષે આવે છે. યુકે દ્વારા ખર્ચ ઘટાડવાના પગલાંરુપે લેવાયેલાં આ નિર્ણયથી યુનાઈટેડ કિંગ્ડમમાં વસતા ભારતીય મૂળના હજારો લોકોના ભારતસ્થિત પરિવારો અને મિત્રોને સ્નેહીજનોને મળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે તે અંગેની ચિંતા વાજબી છે.’

‘સરકારનો આ નિર્ણય ટુંકી દૃષ્ટિનો છે અને તેને ઉલટાવવો જોઈએ તે સરકારને સમજાવવામાં કરી શકાય તે તમામ આપણે કરવું જ જોઈએ. આ મુદ્દે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા લોન્ચ કરાયેલી ઈ-પિટિશન પર સહી કરવા તેમ જ આ મુદ્દે પાર્લામેન્ટમાં મેં રજૂ કરેલી અર્લી ડે મોશન (No. 626) પર હસ્તાક્ષર કરવાની વિનંતી કરતો પત્ર તમારા સ્થાનિક સાંસદોને લખવા હું લોકોને અનુરોધ કરું છું.’

મુંબઈ વિઝા સર્વિસમાં કાપના પરિણામે ત્યાં દર વર્ષે વિઝા અરજી કરતા હજોરો લોકોને ભારે હાલાકી નડશે. યુકેમાં ભારતીય મૂળના ૧.૪ મિલિયન લોકો માટે આ બાબત જરા પણ સ્વીકાર્ય નથી.

ઈ-પિટિશન સુધી પહોંચવા માટે http://epetitions.direct.gov.uk/petitions/73054 ની ઓનલાઈન મુલાકાત લેવા વિનંતી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter