મુસ્લિમ કોમ્યુનિટીએ કટ્ટરવાદ સામે લડવાની જવાબદારી લેવી જોઈએઃ ડેવિડ કેમરનની સ્પષ્ટ વાત

Tuesday 23rd June 2015 05:14 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઉદ્દામવાદ મુસ્લિમ કોમ્યુનિટી અને પરિવારોએ કટ્ટરવાદીકરણ સામેની લડાઈમાં તેમની ભૂમિકા વધારવી જોઈએ અને તેમના સંતાનો સીરિયા પહોંચી જાય ત્યારે સત્તાવાળાને દોષિત ઠરાવવા ન જોઈએ. યુવાનોમાં ખતરનાક રીતે આકર્ષક બનેલી હિંસક વિચારધારા સામે લડવા પોલીસ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓની મર્યાદા સ્વીકારી તેમને દોષિત ગણવાના અંગૂલિનિર્દેશનો અંત લાવવા પણ તેમણે જણાવ્યું હતું. યુવાનોને ISIS તરફ ખેંચતી વિચારધારાનો વિરોધ કરવા તેમણે પરિવારોને અનુરોધ કર્યો હતો. તેમણે ઈસ્લામિક સ્ટેટની જેહાદી આઈડિયોલોજી મજબૂત બનાવવામાં કથિત અહિંસક કટ્ટરવાદીઓ જવાબદાર હોવાનું પણ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેટલાંક મુસ્લિમો પાશ્ચાત્ય મૂલ્યો સામેના તિરસ્કારને સામાન્ય બનાવી દેવાના દોષી છે. ઘણાં બ્રિટિશ મુસ્લિમો મૌન રહીને કટ્ટરવાદને દરગુજર કરે છે. આ બાબતે કેટલાંક મુસ્લિમ જૂથો અને ત્રાસવાદવિરોધી નિષ્ણાતોએ કેમરનને ટેકો આપ્યો હતો. જોકે, કેટલાક જૂથોએ ઈસ્લામોફોબિયાનો અંત લાવવા વડા પ્રધાનને કહ્યું હતું. પૂર્વ કેબિનેટ મિનિસ્ટર બેરોનેસ સઈદા વારસીએ સ્પષ્ટ કર્યું હતું કે બ્રિટિશ મુસ્લિમો પણ કટ્ટરવાદી ઈસ્લામિક જૂથ ISISની ઘૃણા કરે છે.

બ્રેડફર્ડની ત્રણ દાઉદ સિસ્ટર્સ તેમના નવ સંતાનો સાથે સીરિયા પહોંચી, ડ્યૂસબરીનો ૧૭ વર્ષનો તાલ્હા અસ્માલ ઈરાકમાં સૌથી નાની વયનો બ્રિટિશ સ્યુસાઈડ બોમ્બર બન્યો તેમજ હાઈ વાયકોમ્બની મુસ્લિમ વ્યક્તિ સોમાલિયાની અગનવર્ષામાં મોતને ભેટ્યાના સપ્તાહમાં જ વડા પ્રધાને ચેતવણી આપી છે. દાઉદ સિસ્ટર્સ અગાઉ સલામતી ચકાસણી કરાયા પછી પણ વિના અવરોધે સીરિયા પહોંચી શકી તે બદલ મુસ્લિમ કોમ્યુનિટીના અગ્રણીઓએ સત્તાવાળાની ભારે ટીકા કરી છે. અગાઉ, લંડનની શાળાની ત્રણ વિદ્યાર્થિની રજાઓ દરમિયાન સીરિયા પહોંચવાની ઘટનામાં પણ સ્કોટલેન્ડ યાર્ડ ટીકાનો ભોગ બન્યું હતું.

કેમરને સ્લોવેકિયામાં સુરક્ષા કોન્ફરન્સ સમક્ષ જણાવ્યું હતું કે ઉદ્દામવાદીકરણ અન્યની ખામી હોવાની દલીલો સાંભળી તેઓ થાક્યા છે. ‘દોષારોપણની રમત ખોટી અને ખતરનાક છે. એજન્સીઓ અથવા સત્તાવાળા સામે આંગણી ચીંધવામાં આપણે એ હકીકત નજરઅંદાજ કરીએ છીએ કે ઉદ્દામવાદનો આરંભ વ્યક્તિ સાથે થાય છે અને તેને જડમૂળથી અટકાવવાના પ્રયાસમાં આપણે ઘણાં માર્ગોને નજરઅંદાજ કરીએ છીએ. આપણે લક્ષણો નહિ, કારણોની સારવાર કરવાની છે. લોકોને સીરિયા જતા અટકાવવા ઈન્ટેલિજન્સ એજન્સીઓ અને પોલીસ તમામ કરી છૂટશે પરંતુ એ ભૂલવું ન જોઈએ કે લોકોના આવા નિર્ણય માટે તેઓ જવાબદાર નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter