મેં કશું જ ખોટું કર્યું નથીઃ સરાઓ

Tuesday 12th May 2015 14:14 EDT
 

લંડનઃ ગેરકાયદે ટ્રેડિંગ પ્રયુક્તિઓથી મે ૨૦૧૦માં વૈશ્વિક બજારોમાં કટોકટી સર્જનારા અને હાઉન્ડ ઓફ હંસલો તરીકે જાણીતા થયેલા ૩૬ વર્ષીય નાવિન્દર સરાઓની દલીલ છે કે મારા કાર્યમાં શ્રેષ્ઠ રહેવા સિવાય મેં કશું જ ખોટું કર્યું નથી. કોમોડિટી ફ્રોડ સહિત માર્કેટના ધોવાણના યુએસ આરોપોના પગલે સરાઓની ૨૨ એપ્રિલે ધરપકડ થતા તે બે સપ્તાહથી કસ્ટડીમાં છે. £૫.૦૫ મિલિયનની જામીન સિક્યુરિટી ઘટાડવા તેની વિનંતી વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ્સના ડિસ્ટ્રિક્ટ જજ એલિઝાબેથ રોસ્કોએ ફગાવી છે. સરાઓ સિક્યુરિટી આપી શક્યો નથી.

તેના વકીલ જેમ્સ લેવિસે દલીલ કરી હતી કે યુએસ સત્તાવાળાએ ૨૭ એપ્રિલે તેની વૈશ્વિક સંપત્તિ ફ્રીઝ કરી દીધી હોવાથી જામીન શરતો પૂર્ણ કરી શકાય તેવી નથી. જજના આદેશ સામે હાઈ કોર્ટમાં અપીલ કરાશે તેમ વકીલે જણાવ્યું હતું. યુએસના શિકાગોમાં તેની સંપૂર્ણ પ્રત્યાર્પણ સુનાવણી સપ્ટેમ્બરમાં શરૂ થવાની છે. સરાઓ સામે ૨૨ આરોપ છે અને તેને કુલ ૩૮૦ વર્ષની સજા થઈ શકે તેમ છે.

સરાઓના વકીલે એમ પણ જણાવ્યું હતું કે તે સમગ્ર જીવન દરમિયાન હંસલોમાં તેના પેરન્ટ્સ સાથે જ રહ્યો છે. જામીનની શરતો નિશ્ચિત થઈ ત્યારે તેની લીગલ ટીમે તેના ટ્રેડિંગ એકાઉન્ટમાં લોન અને કેશમાં અંદાજિત £૫ મિલિયન હોવાનું જણાવ્યું હતું. તેના પિતા અને બે ભાઈએ £૫૦,૦૦૦ની જામીન રકમ ચુકવવા જણાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter