મેયર ચૂંટણીમાં હિન્દુ મત જીતવા આતુર સાદિક ખાને લેબર નેતાઓની કરેલી ટીકા

Monday 01st June 2015 12:00 EDT
 
 

લંડનઃ બધાં એશિયનોને એક જ વર્ગમાં મૂકવાથી લેબર પાર્ટીએ મત ગુમાવવા પડ્યા હોવાની આકરી ટીકા સાદિક ખાને કરી છે. લંડનના મેયર બનવા ઉત્સુક લેબર નેતા અને ટૂટિંગના સાંસદ સાદિક ખાને લંડનની હિન્દુ કોમ્યુનિટીના ૪૫૦,૦૦૦ સભ્યોને જીતવાની કોશિશનો આરંભ કર્યો છે. તેમણે વિવિધ એશિયન ધાર્મિક અને વંશીય જૂથો વચ્ચેના તફાવત સમજ્યા વિના તમામને એક લાકડીએ હાંકવાની પાર્ટીના નેતાઓની ભારે ટીકા કરી હતી. લેબર પાર્ટીએ વિશાળ હિન્દુ મત ધરાવતી હેરો ઈસ્ટ અને ક્રોયડન સેન્ટ્રલ બેઠકો ગુમાવી છે. હિન્દુઓએ લેબર પાર્ટીની સરખામણીએ ટોરી પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું હોવાનું એક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. તેમણે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરતી સરકાર ઈમિગ્રેશન નીતિની પણ ટીકા કરી હતી. 

ખાને જણાવ્યું હતું કે,‘ યુરોપના કદ કરતા ચાર ગણા વિશાળ ઉપખંડમાંથી આવેલી ભિન્ન સંસ્કૃતિ અને માન્યતાઓ ધરાવતી બધી જ કોમ્યુનિટીઝને એક લાકડીએ હાંકવાનું હાસ્યાસ્પદ છે. ખુલ્લા, ઉદાર, બહુસાંસ્કૃતિક બ્રિટનમાં કોમ્યુનિટીઓ પોતાની આગવી ઓળખો જાળવી શકે તેમાં આપણે મદદ કરવી જોઈએ. તેમણે લંડનના સૌથી વધુ બિઝનેસતરફી મેયર બની રહેવાનું વચન આપવા સાથે નાના બિઝનેસમાલિકોની પણ તરફેણ કરી હતી. ઉલ્લેખનીય છે કે અન્ય કોઈ જૂથ કરતા પોતાની પેઢી ચલાવવામાં હિન્દુઓની સંખ્યા વધુ છે.

મુસ્લિમ પશ્ચાદભૂ ધરાવતા ખાને ઈસ્લામિક ત્રાસવાદના સામના માટે સિટી હોલ અંકુશ હેઠળના મેટ્રોપોલીટન પોલીસના ઉપયોગની પણ વાત કરી હતી. ‘એશિયન વોઈસ’ અખબારના એક લેખમાં તેમણે જણાવ્યું છે કે,‘આપણા શહેરનો મુસ્લિમ મેયર ત્રાસવાદ અને કટ્ટરવાદ સામે લડવા આગળ આવે તેનાથી બાકીના વિશ્વને કેવો સંદેશો પહોંચશે તેની કલ્પના પણ કરી જૂઓ.’ લંડનમાં લેબર પાર્ટી માટે ચૂંટણી પ્રચાર અભિયાન ચલાવનારા ટૂટિંગના સાંસદે યહુદી કોમ્યુનિટીનો વિશ્વાસ સંપાદન કરવા પ્રયાસ કર્યો હતો. જોકે, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ટેસા જોવેલ પણ મેયરપદની સ્પર્ધામાં લેબર પાર્ટીના નોમિનેશન માટે મેદાનમાં છે.

મનોજ લાડવા સાદિક ખાનની ટીમમાં

સાદિક ખાને લંડનના મેયરની ચૂંટણી માટેની ટીમમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચાર માટે કામ કરી ચૂકેલા કોમ્યુનિકેશન્સ નિષ્ણાત મનોજ લાડવાને પોતાના  સિનિયર એડવાઇઝર તરીકે સામેલ કર્યા છે. 

વ્યવસાયે ધારાશાસ્ત્રી લાડવાએ ૨૦૧૪ની ભારતીય ચૂંટણીમાં ભાજપના ઊચ્ચ નેતાગીરી સાથે પ્રચાર અભિયાનના રિસર્ચ, એનાલિસિસ અને મેસેજિંગ ટીમના વડા તરીકે કાર્ય કર્યું હતું. LACના ગ્રેજ્યુએટ મનોજ લાડવા MLS ચેઇજ ગ્રૂપના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટીવ છે. તેમણે એમાં ૨૦૧૦માં ઈન્ડિયા ઈન્ક.ની સ્થાપના પણ કરી હતી. તેઓ લેબર કોમ્યુનિટી એન્ગેજમેન્ટ ફોરમના ચેરમેન છે અને લેબર પાર્ટીમાં સક્રિય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter