લંડનઃ સીનિયર ફાર્માસિસ્ટ બીપીનભાઈ દેસાઈ તેમના ૮૫ વર્ષના પિતા ધીરજલાલ દેસાઈને મોર્ફિનના જીવલેણ ડોઝનું ઈન્જેક્શન આપી હત્યા કરવાના આરોપમાં ૧૦ નવેમ્બરે ગિલ્ડફર્ડ મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. તેમને સોમવાર,૧૪ નવેમ્બરે ક્રાઉન કોર્ટના જજ સમક્ષ હાજર કરાયા હતા. ગત વર્ષે ૨૭ ઓગસ્ટે ૧.૩ મિલિયન પાઉન્ડના ફેમિલી મકાનમાં ધીરજલાલ દેસાઈનું મૃત્યુ થયા પછી તપાસના પગલે ૫૮ વર્ષીય બીપીનભાઈની ધરપકડ કરાઈ હતી.
કંપની ડિરેક્ટર બીપીન દેસાઈ અગાઉ ફાર્નહામમાં વોગન જેમ્સ કેમિસ્ટની માલિકી ધરાવતા હતા અને તેમની સામે આત્મહત્યાની ઉશ્કેરણી કે મદદ તથા મોર્ફિન અને ઈન્સ્યુલિનની ચોરી કરવાનો પણ આરોપ લગાવાયો છે. પિતાના મૃત્યુના બે દિવસ પછી ફાર્માસિસ્ટ દેસાઈની ધરપકડ કરાઈ હતી, પરંતુ તેમની સામે આરોપ લગાવવાનો નિર્ણય ૯ નવેમ્બરે લેવાયો હતો.
ઘરમાં મૃતદેહ મળ્યાના એક મહિના પછી પોસ્ટમોર્ટમમાં નોતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું ન હતું. આ પછી મોતને શંકાસ્પદ ગણી તપાસ આરંભાઈ હતી. માહિતીના આધારે ધરપકડ કરાયા પછી દેસાઈને ઓક્ટોબર ૨૦૧૫ સુધી અને તે પછી પણ ઘણી વખત જામીન મંજૂર કરાયા હતા. છેક ૨૦૦૯થી ડોકેનફિલ્ડ ગામમાં રહેતા ફાર્માસિસ્ટ દેસાઈ કોમ્યુનિટી વોર્ડન અને પેરિશ કાઉન્સિલના પૂર્વ સભ્ય પણ હતા. દેસાઈ કોર્ટમાં હાજર થયા ત્યારે તેમના પત્ની દિપ્તીબહેન અને બે પુત્ર નિખિલ (૨૧) અને સમીર (૨૦) પણ હાજર હતા. બચાવપક્ષના વકીલ કિશોરી કોટેચા-પાઉએ કોર્ટ સમક્ષ કોઈ રજૂઆત કરી ન હતી.