યંગ ઇન્ડિયન વેજીટેરિયન સોસાયટી દ્વારા ક્રિસમસ લંચનું આયોજન કરાયું

Wednesday 10th February 2016 10:25 EST
 

યંગ ઇન્ડિયન વેજીટેરિયન સોસાયટી દ્વારા ૩૫મા ક્રિસમસ લંચનું સુંદર આયોજન તાજેતરમાં ક્રોયડનની લેનફ્રેન્ક એકેડેમી ખાતે કરાયું હતું. આ પ્રસંગે ક્રોયડનના મેયર પેટ્રીસીયા હે-જસ્ટીસ, ક્રોયડન કાઉન્સિલના નેતા ટોની ન્યુહામ સહિત સ્થાનિક ચર્ચ અને સંગઠનોના પ્રતિનિધીઅો મળી ૧૨૦ મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને સૌએ ગુજરાતી બહેનો દ્વારા બનાવાયેલા શુધ્ધ શાકાહારી ભોજનનો આનંદ લીધો હતો. છેલ્લા ૩૫ વર્ષથી યંગ ઇન્ડિયન વેજીટેરિયન સોસાયટી દ્વારા ક્રોયડનમાં વસતા સ્થાનિક સમુદાયના લોકો સાથે ભાતૃભાવ, પ્રેમ અને સૌહાર્દ વધે તે આશયે ક્રિસમસ લંચનું આયોજન કરવામાં આવે છે.

ક્રોયડનના મેયર પેટ્રીસીયા હે-જસ્ટીસે મનનીય વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે 'વિવિધ સમુદાયના સદસ્યો સાથે ઐક્ય સાધતા આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિવિધ સમુદાયના સૌ મહેમાનો સાથે ભોજન કરતાં હું ખૂબજ આનંદ અનુભવું છું. ક્રોયડન લંડનનો સૌથી મોટો બરો છે અને ૩૩૦,૦૦૦ લોકો ક્રોયડન બરોમાં વસવાટ કરે છે. હું આ પ્રસંગે સુંદર કાર્યક્રમનું આયોજન કરનાર નીતિનભાઇ મહેતા અને તેમના સહયોગીઅોનો આભાર વ્યક્ત કરવા સાથે આવા સરસ કાર્યક્રમનું છેલ્લા ૩૫ વર્ષોથી આયોજન કરવા બદલ હ્રદયપૂર્વક ધન્યવાદ આપું છું. અત્રે હું આપને સહર્ષ જણાવવા માંગુ છું કે ક્રોયડનમાં છેલ્લા ૧૪૦ વર્ષથી વેજીટેરિયન સોસાયટી સેવા આપે છે અને સાચા અર્થમાં કહું તો શાકાહારી ભોજન આરોગ્ય માટે પણ ખૂબજ મહત્વનું છે.'

ક્રોયડન કાઉન્સિલના નેતા ટોની ન્યુહામે જણાવ્યું હતું કે 'હું ખુદ પોતે શાકાહારી છું અને તેનો મને ખૂબજ અનંદ છે. શકાહારી હોવાના નાતે હું હંમેશા યંગ ઇન્ડિયન વેજીટેિરયન સોસાયટીના ક્રિસમસ લંચ કાર્યક્રમની રાહ જોતો હોઉ છું. ક્રોયડન ઘણી બધી ચેલેન્જનો સામનો કરી રહ્યું છે. પણ સાથે સાથે આપણી પાસે તકો પણ વિપુલ પ્રમાણમાં છે. હું યંગ ઇન્ડિયન વેજીટેરિયન સોસાયટીને મિત્રતા અને ભાઇચારો કેળવતા આવા કાર્યક્રમના આયોજન બદલ ધન્યવાદ પાઠવું છું.'

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલે જણાવ્યું હતું કે 'બ્રિટન ખૂબ જ સુંદર દેશ છે અને આ દેશે અમને વસાહતીઅોેને અમારી ધારણા કરતાં વધારે આપ્યું છે. હું જન્મે ભારતીય નાગરીક છું પરંતુ મેં સ્વેચ્છાએ આ દેશનું નાગરિકત્વ સ્વીકાર્યું છે. અમારી વસાહતીઅોની - સૌની સફળતા પાછળ આ દેશના સ્થાનિક નાગરીકોના સહકાર અને સદભાવનો મહામુલો ફાળો છે. નીતિનભાઇ મહેતા આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરે છે તે ખરેખર ખૂબ જ આનંદની વાત છે.'

અત્રે ઉલ્લેખનીય છ કે યંગ ઇન્ડિયન વેજીટેરિયન સોસાયટીના સ્થાપક શ્રી નીતિનભાઇ મહેતા દ્વારા સ્થાનિક સમુદાયના ઇંગ્લીશ મિત્રો સાથે મિત્રતા અને સદ્ભાવ વધે તે આશયે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને સ્થાનિક વિસ્તારના ચર્ચીસ, સંગઠનો, અધિકારીઅો, સમાજ સેવી સંસ્થાઅો અને રાજકારણીઅોને તેમાં નિમંત્રણ આપવામાં આવે છે. ૧૯ વર્ષની વયે યુકે આવેલા અને ફેક્ટરીમાં કામદાર, પોસ્ટમેન અને ડીલીવરી ડ્રાઇવર તરીકે સેવાઅો આપ્યા બાદ ૧૯૮૦માં ગ્રેજ્યુએટ થયેલા નીતિનભાઇ મહેતા MBE એ ક્રોયડનમાં સૌ પ્રથમ ગુજરાતી શાળાની શરૂઆત કરી હતી અને ૨૦ વર્ષ સુધી તેનું સંચાલન કર્યું હતું. નીતિનભાઇ પશુઅોની રક્ષા અને સંવર્ધન માટે પણ સક્રિય છે અને કેન્યા, પોર્ટુગલ અને મોરેશીયસમાં વેજીટેરિયન સોસાયટીની સ્થાપના માટે તેમણે મહત્વનો ફાળો આપ્યો છે.

આ પ્રસંગે સૌ મહેમાનોને થેપલા, ભજીયા, બટાટાનું શાક, સેલડ, ચા-કોફી અને વીગાન કેકે પિરસવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter