યુકેનું ૧૮મી સદીનું સૌથી જુનું આઈસ હાઉસ!

Wednesday 02nd January 2019 02:54 EST
 
 

લંડનઃ તસવીરમાં દેખાતી ઈમારત કોઈ ઈંટભઠ્ઠી નહિ પરંતુ, યુકેનું સૌથી જૂનું ફ્રીઝર અથવા આઈસ હાઉસ છે તે જાણીને જરા પણ આશ્ચર્ય પામશો નહિ. લંડન પર ભીષણ બોમ્બમારો થયો ત્યારે આ ભૂગર્ભ સ્થળ ઉપરની ઈમારતનો નાશ થયો હતો અને હવે તે સ્થળ ફરી શોધી કઢાયું છે. લંબગોળ કે ઈંડા આકારની લાલ ઈંટની આ ચેમ્બર ૧૭૮૦ના દસકામાં બંધાઈ હતી અને તે ૭.૫ મીટરનું કદ ધરાવે છે. રિજેન્ટ્સ ક્રેસન્ટના પુનર્વિકાસ દરમિયાન આ ચેમ્બર મળી આવી હતી.

જ્યારે રેફ્રિજરેશનનો જમાનો ન હતો તે સમયે જ્યોર્જિયન ભદ્રલોક અથવા ઉચ્ચ વર્ણના લોકોના મહેમાનોને ઠંડા ઠંડા કૂલ આઈસક્રીમ પીરસાય તે મોટી અને પ્રભાવશાળી બાબત ગણાતી હતી. જોકે, ૧૮મી સદીના લંડનમાં જળમાર્ગોમાંથી મેળવાતા બરફનો રંગ બ્રાઉન હોવાંની સાથે જ કચરાયુક્ત રહેતો હતો. નઆ સંજોગોને ધ્યાનમાં લઈને ૧૮૨૦ના ઓછાં ઠંડા શિયાળામાં વિલિયમ લેફ્ટવિચ નામના ગણતરીબાજ વેપારીએ તો જાણે જુગાર જ ખેલી નાખ્યો. લેફ્ટવિચે નોર્વેના સરોવરોમાંથી ૩૦૦ ટન શુદ્ધ અને શ્વેત બરફની આયાત કરી હતી અને લંડનના સેન્ટરમાં બનાવાયેલી અંડરગ્રાઉન્ડ ચેમ્બરમાંથી ઉચ્ચ વર્ણના લોકોને ચોખ્ખો બરફ વેચવાનું સાહસ કર્યું હતું. જમીનના લેવલે મૂકાયેલા વિન્ચ મશીનની મદદથી ખાસ કાણામાંથી બરફ બહાર કાઢવામાં આવતો હતો. વર્કર નીચે આવ-જા કરી શકે તે માટે અંડરગ્રાઉન્ડ કોરિડોરની પણ વ્યવસ્થા કરાઈ હતી. આ આઈસ હાઉસે લેફ્ટવિચને ધનવાન બનાવી દીધો હતો.

મ્યુઝિયમ ઓફ લંડન આર્કિયોલોજીના ડેવિડ સોરાપુરેએ જણાવ્યું હતું કે,‘ તે સમયે તદ્દન ઠંડી કરેલી ફેશનેબલ વાનગીઓ આપવા માટે કેટલી હદે જઈ શકાય તેનું આ સર્વોત્તમ- અસાધારણ ઉદાહરણ છે.’ હિસ્ટોરિક ઈંગ્લેન્ડ દ્વારા આઈસ હાઉસને નોંધપાત્ર સ્મારકની કક્ષાએ મૂકાયું છે અને વર્ષના ચોક્કસ સમયોએ ખાસ કોરિડોર દ્વારા લોકો તેને નિહાળી શકે તેવી વ્યવસ્થા કરાય તેવી આશા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter