લંડનઃ યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન અને યુકેની ભારતીય સંસ્થાઓના ઉપક્રમે યુકેસ્થિત ભારતીયો માટે શનિવાર 30 ઓગસ્ટના દિવસે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરવામાં આવનાર છે. ઊજવણીનો આ કાર્યક્રમ નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ LN. HAYES UB3 1AR ખાતે સવારના 10.30 કલાકથી સાંજના 4.00 કલાક દરમિયાન યોજાશે.
આ કાર્યક્રમ ભારતીય ડાયસ્પોરા, એનઆરઆઈ (NRIs) અને ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા માટે ખુલ્લો રખાયો છે. સવારના 11.00 કલાકે ધ્વજારોહણ સમારોહ પછી ભારતીય રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવશે. આ ઊજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના સમાવેશ ઉપરાંત, ભારતના વિવિધ પ્રદેશોમાંથી ભારતીય વ્યંજનોના વૈવિધ્ય સાથે ફ્રી ફૂડ સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે.
ભારતીય હાઈ કમિશન અને આયોજક સંસ્થાઓએ ભારતીય સમુદાયને પરિવાર અને મિત્રમંડળ સહિત આ ઊજવણીમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે અને આ કાર્યક્રમ વિશે કોમ્યુનિટીઓમાં બહોળો પ્રચાર કરવા પણ વિનંતી કરી છે.