રંગીલા રાજકોટથી રાષ્ટ્રપ્રેમના પગલે રાજકારણમાં વિજયભાઇની વિજયયાત્રાના મંડાણની ઝલક

જ્યોત્સના શાહ Tuesday 19th October 2021 15:28 EDT
 
 

૨૦૧૬માં ગુજરાતના મહાઅમાત્યનો તાજ શિરે ધારણ કરી પાંચ વર્ષ સુધી એ હોદ્દો શોભાવનાર પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી હાલ લંડનની ટૂંકી મુલાકાતે આવ્યા છે. એમના આગમનના સમાચારથી "અતિથિ દેવો ભવ"ના આગ્રહી અમારા હોંશીલા તંત્રી/પ્રકાશક શ્રી સી.બી.પટેલે એમના સત્કારના ચક્રો ગતિમાન કરી દીધાં. બમ્પર દિવાળી વિશેષાંકની તડામાર તૈયારીઓ વચ્ચે ય પોતાનો પત્રકારત્વનો ધર્મ અને સંસ્કાર વારસો પ્રથમ ક્રમે રાખી પોતે તો કામે લાગ્યા અન્યોને પણ લગાડી દીધાં. શનિવાર ૨૩ ઓક્ટોબરના રોજ હેઝના નવનાત ભવનમાં નવનાત વણિક એસોસિએશન યુ.કે, "ગુજરાત સમાચાર" અને "એન.સી.જી.ઓ"ના સંયુક્ત ઉપક્રમે માનનીય શ્રી વિજયભાઇ રૂપાણીના સન્માન સમારંભનું આયોજન કરાયું છે.
 પૂર્વ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ અને એમનાં ધર્મ પત્ની અંજલિ બહેન પાંચ વર્ષના વ્યસ્ત જીવનમાં, કોવીદ-૧૯નો લોકડાઉન હળવો થતા જ સમય કાઢી એમની વ્હાલસોયી દિકરી રાધીકા, જમાઇ નિમિત મિશ્રા અને દોહિત્ર શૌર્યને મળવા લંડન આવી પહોંચ્યા છે. એમના આ અંગત સમયમાંથી અત્રેના ગુજરાતી સમાજને મળવાની તક પણ સહર્ષ વધાવી લીધી. એમની સાથે થયેલ રસપ્રદ વાતો અને એમનું પ્રેરક વ્યક્તિત્વ વાચકોને જરૂર જાણવું ગમશે.
એકવડો બાંધો. ચહેરા પર સદાય સ્થિતપ્રજ્ઞતા. વાણીમાં ગંભીરતા. કર્તવ્યનિષ્ઠ સ્વભાવ. હોદ્દો ઊંચો હોય કે ન હોય નમ્રતા એમનું ઘરેણું. ખાનદાની અને આકર્ષક વ્યક્તિત્વ. છાંટો ય અહંકારનો નહિ! જૈન ધર્મના સિધ્ધાંતો જીવનમાં પચાવ્યા છે એવા શ્રી વિજયભાઇને મળવાનો આ અવસર યુ.કે.ના ગુજરાતીઓને મળ્યો છે. બધા એમને કદાચ રૂબરૂ ન મળી શકે પરંતુ એમનો શાબ્દિક પરિચય કેળવીએ.
ભારતીય કેલેન્ડરમાં ઓગષ્ટ એટલે ક્રાંતિનો મહિનો. એ મહિનાની બીજી તારીખે ૧૯૫૬માં શ્રી રમણીકલાલ અને માયાબેન રૂપાણીના આ સુપુત્રનો જન્મ થયો હતો. સાત ભાઇ-બહેનોમાં વિજયભાઇનો સાતમો નંબર. રંગુન, મ્યાનમાર- બર્મા એમની જન્મભૂમિ. બર્માની રાજકીય અસ્થિરતાને કારણે એમના પિતાશ્રી ૧૯૬૦માં રંગુનથી સ્થળાંતર કરી રાજકોટ પરત આવ્યા.
નાની ઉમરથી જ આર.આર.એસ.માં જોડાયા જેથી શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના પાઠ રગેરગમાં વહેતા થયા. એમણે ધર્મસિંહજી આર્ટસ કોલેજમાંથી બી.એ. કર્યું અને એલ.એલ.બી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કર્યું. વિદ્યાર્થી કાળ દરમિયાન અખિલ ભારતીય પરિષદમાં સક્રિય બન્યા.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાયા અને દેશ માટે કંઇક કરી છૂટવાની ભાવના જાગી.
ભારતીય જનતા પાર્ટી સ્થપાઇ ત્યારથી એ સાથે સક્રિયપણે સંકળાયા અને પોતાનું અનુદાન નોંધાવતા રહ્યા. ક્રમશ: એમની રાજકીય કારકિર્દીનો આંક ઊંચો જતો ગયો.
૧૯૭૬માં ભારતના તત્કાળ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે ઇમરજન્સી દરમિયાન એક વર્ષ જેલવાસ ભૂજ અને ભાવનગરમાં ભોગવ્યો હતો.
૧૯૭૮ થી ૧૯૮૦ સુધી આર.આર.એસ.ના પ્રચારકની ભૂમિકા ભજવી હતી. ૧૯૮૭માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા અને ડ્રેનેજ કમિટીના ચેરમેન બન્યા.
ત્યારબાદ ૧૯૮૮થી ૧૯૯૬ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીનું ચેરમેન પદ શોભાવ્યું. ૧૯૯૬-૯૭માં રાજકોટના મેયર બન્યા. એ વખતે લેસ્ટર- રાજકોટને ટ્વીન સીટી બનાવવાના ભાગરૂપે લેસ્ટર-લંડનની મુલાકાત એમણે લીધી હતી.

એ મુલાકાત યાદ કરતા જણાવ્યું કે, “ એ વેળા હું "ગુજરાત સમાચાર" કાર્યાલયમાં આવ્યો હતો અને પટેલ સાહેબને મળ્યો હતો. એમનો મિલનસાર સ્વભાવ અને સૌના સન્માનની ભાવના હૈયે સ્પર્શી જાય એવી.”
૧૯૯૮માં ભા.જ.પ.ના ગુજરાત યુનિટના જનરલ સેક્રેટરીની ભૂમિકા નિભાવી અને શ્રી કેશુભાઇ પટેલની સરકારમાં મેનીફેસ્ટો કમિટીના ચેરમેન તરીકે સેવા આપી હતી. ૨૦૦૬માં ગુજરાત ટૂરીઝમના ચેરમેન બન્યા. ૨૦૦૬ થી ૨૦૧૨ રાજ્યસભાનું સભ્ય પદ શોભાવ્યું. ભા.જ.પ.ના ગુજરાત યુનિટના જનરલ સેક્રેટરી તરીકે ચાર ટર્મ સેવા સાદર કરી. ૨૦૧૩માં નરેન્દ્ર મોદીજીના સરકારમાં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનનો હોદ્દો શોભાવ્યો.
ઓગષ્ટ ૨૦૧૪માં વજુભાઇ વાળાએ ગુજરાત ધારાસભામાંથી રાજીનામું આપ્યું ત્યારે પેટા ચૂંટણી યોજાઇ. જેમાં ઉમેદવારી નોંધાવી વિજયભાઇનો ભારે બહુમતિથી વિજય થયો.
આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એમની પ્રથમ કેબીનેટ વિસ્તરણ વખતે નવેમ્બર ૨૦૧૪માં મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ, વોટર સપ્લાય, લેબર અને એમ્પલોયમેન્ટ મિનિસ્ટર તરીકે એમની વરણી થઇ. ૭ ઓગષ્ટ ૨૦૧૬માં આનંદીબેનના અનુગામી તરીકે મુખ્યપ્રધાનનો તાજ એમના શીરે મૂકાયો. સંજોગવશાત્ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ રાજીનામુ ધરી દઇ મુખ્યપ્રધાન પદનો ત્યાગ કર્યો.
રાજીનામુ આપ્યા બાદ રાજભવનની બહાર નીકળ્યા ત્યારે પત્રકારો એમને ઘેરી વળ્યા. એકાએક રાજીનામુ આપવાનું કારણ?
એમણે સહજતાથી જણાવ્યું કે, “ અમારા પક્ષની આ સ્વાભાવિક પ્રક્રિયા છે. પક્ષના કાર્યકરોને જુદા જુદા સમયે જુદી જુદી જવાબદારી સંભાળવાની હોય છે. અમે એને પોસ્ટ નથી કહેતા, જવાબદારી કહીએ છીએ. હવે પક્ષ મને જે જવાબદારી સોંપશે એને હું શિરોમાન્ય કરીશ.”
“મારા રાજીનામાથી પક્ષને નવી નેતાગીરીની તક મળશે. અને અમે ગુજરાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નવી ઊંચાઇ તરફ લઇ જઇશું"
મુખ્ય પ્રધાનપદ દરમિયાનની સિધ્ધિઓ : *સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણીની સુવિધા માટે ૧૭,૦૦૦ કરોડ રૂપિયાની "સૌની યોજના" પૂર્ણ કરી. * ખેડૂતોને દિવસ દરમિયાન પાણી મળી રહે એ માટે નવી "કિસાન સૂર્યોદય યોજના" કરી. * ખારા પાણીને મીઠું બનાવવાની કામ શરૂ કરાવી દીધું. * ખેડૂતોને ૦% વ્યાજે ધીરાણ આપવાની યોજના શરૂ કરી. * ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની સિંચાઇ પાણી યોજના કરી. * પાંચ વર્ષની સરકાર માલિકીનું બોર્ડ " સી.એમ. ડેશ બોર્ડ" બનાવી. * લેન્ડ ગ્રેવીંગનો કાયદો કડક બનાવ્યો. * “લવ જેહાદ" વિરૂધ્ધ કડક કાયદો બનાવ્યો. (મુસ્લિમ યુવકો હિન્દુ કન્યાઓને ભગાડી બળજબરી લગ્ન કરાવતા એ સામે).
બાળપણથી જ આર.એસ.એસ.ના સિધ્ધાંતોને વરી એને વફાદાર રહ્યા છે. એમની વિચારસરણી, સંસ્કાર અને સ્વભાવ પારદર્શક રહ્યા છે. એમના વ્યક્તિત્વનું મજબૂત પાસું ધર્મના સંસ્કાર અને ઉદારતા રહ્યા છે. પડકાર ઝીલવામાં તત્પર અને અસરકારકતાને ધારદાર રાખવામાં હંમેશા માને છે. સ્વેચ્છાએ સ્વાશ્રયથી સામાજિક કાર્યકર બનીએ તો એ ફળદાયી જ નીવડે એવું દ્રઢપણે તેઓ માને છે.
આજના રાજકારણમાં કેવા પ્રકારની અપેક્ષા હોય છે? પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું કે, “ આજના સમયમાં પોલીટીક્સ પર્ફોમન્સ અને ડીલીવર કરશો તો જ ટકી શકાશે. એમાં ગિમીકસ કે સુપરસ્ટીસીયસથી નહિ ચાલે.
અંગત જીવન : એમના પિતાએ સ્થાપેલ કંપની "રસિકલાલ એન્ડ સન્સ"ના ભાગીદાર છે અને સ્ટોકબ્રોકર તરીકે કામ કર્યું હતું. ૧૯૮૦માં અંજલિબેન સાથે અમદાવાદમાં લગ્નગ્રંથીથી જોડાયા બાદ રાજકોટમાં નિવાસ શરુ કર્યો અને સ્થાનિક રાજકારણમાં સક્રિય બન્યા. એમના રીસેપ્શનમાં નરેન્દ્રભાઇ મોદીએ હાજરી આપી હતી. એમને ત્રણ સંતાનો છે. દિકરો ઋષભ અને દિકરી રાધિકા. નાનો દિકરા પુજીતનું અકસ્માતમાં દુ:ખદ અવસાન થયા બાદ એના નામની ચેરિટી "પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ" શરૂ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter