રાજકીય મેનિફેસ્ટોમાં NHS અને આરોગ્ય ખર્ચનું મહત્ત્વ

રુપાંજના દત્તા Saturday 28th February 2015 06:12 EST
 
 

આગામી ચૂંટણીમાં વંશીય અને અન્ય મતદારોને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાઓમાં આરોગ્યનો પણ સમાવેશ થાય છે, કારણ કે ઈંગ્લેન્ડમાં નેશનલ હેલ્થ સર્વિસ (NHS) સામેના વિશાળ પડકારો અને આરોગ્ય પાછળનો ખર્ચ પક્ષો વચ્ચે રાજકીય યુદ્ધનો મુદ્દો બની રહ્યો છે. ગત ઓક્ટોબરના એક રિપોર્ટ અનુસાર ૨૦૨૦ સુધીમાં ઈંગ્લેન્ડની હેલ્થ સર્વિસ સામે વાર્ષિક £૩૦ બિલિયનની અછત ઉભી થશે. NHS પાસે અપૂરતાં ભંડોળના કારણે લોકો માટે દવાખાનાઓ બંધ થવાં, ડોક્ટરને મળવા લાંબી મુસાફરી, બેનિફિટ્સ કે નાણાકીય સહાયમાં કાપથી બીમારીઓમાં વધારો સહિતના પ્રશ્નો સર્જાય છે.

બીબીસી દ્વારા પ્રસિદ્ધ માર્ગદર્શિકા અનુસાર પાંચ મુખ્ય રાજકીય પક્ષો દ્વારા NHS માટે આગામી પાંચ વર્ષમાં ખર્ચાની યોજના આ મુજબ છેઃ

કન્ઝર્વેટિવ પાર્ટીઃ ટોરી પાર્ટીએ ફૂગાવાને સુસંગત NHS બજેટને મદદ કરવાનું વચન આપ્યું છે.

• ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ૨૦૧૪ ઓટમ સ્ટેટમેન્ટમાં વર્ષ ૨૦૧૫-૧૬થી શરૂ કરી સમગ્ર યુકેમાં અગ્ર આરોગ્ય સેવાઓ પાછળ દર વર્ષે વધારાના £૨ બિલિયન ફાળવવા જાહેરાત કરી હતી. જોકે, આ રકમમાં NHS બજેટને ફાળવાયેલાં છતાં નહિ વપરાયેલાં £૭૦૦ મિલિયનનો પણ સમાવેશ થતો હોવાથી તેની ભારે ટીકા થઈ છે.

• આ વધારાના £૨ બિલિયન સમગ્ર યુકે માટે છે અને તેમાં બાર્નેટ ફોર્મ્યુલા હેઠળ ચોક્કસ દેશોને અપાનારા £૩૦૦ મિલિયનનો પણ સમાવેશ થાય છે.

• ટોરી પાર્ટીએ આગામી વર્ષથી વધારાના £૨ બિલિયન આગામી સંસદના ચાર વર્ષમાં દર વર્ષે ખર્ચવા જણાવ્યું છે, પરંતુ ૨૦૧૫-૧૬ પછી આ નાણાં ક્યાંથી આવશે તેની સ્પષ્ટતા કરી નથી.

• પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે વર્ષે વધારાના £૨ બિલિયનમાંથી ચાર વર્ષ સુધી £૩૦૦ મિલિયનનો ખર્ચ જીપી સર્જરીઝના આધુનિકીકરણ માટે કરાશે અને આ રકમ લિબોર રેટ કૌભાંડ પછી બેન્કોને કરાયેલાં દંડમાંથી મેળવાશે.

લેબર પાર્ટીઃ લેબર પાર્ટી કહે છે કે NHS માટે તેના વધારાના ભંડોળમાંથી વધુ ૨૦,૦૦૦ નર્સ, ૩,૦૦૦ મીડવાઈફ, ૫,૦૦૦ કેર વર્કર્સ અને ૮,૦૦૦ જીપી પાછળનો ખર્ચ ઉપાડાશે. આ માટે સામાન્ય લોકો પર ટેક્સ નહિ લાદવાની જાહેરાત પણ કરેલી છે.

• લેબર પાર્ટીએ આગામી પાર્લામેન્ટના અંત સુધી NHS માટે વર્ષે વધુ £૨.૫ બિલિયન ખર્ચવા ખાતરી આપી છે. આ નાણા મેન્શન ટેક્સ, ટેક્સ એવોઈડન્સ પગલાં અને તમાકુ કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સના સંયોજનથી ઉભા કરાશે.

• નવી પાર્લામેન્ટના પ્રથમ વર્ષમાં વધુ £૨.૫ બિલિયન નહિ મળે તે સ્પષ્ટ થતાં પાર્ટીની ભારે ટીકા થઈ છે. પરિણામે તેને ખુલાસો કરવો પડ્યો છે કે નવી રેવન્યુ ઉભી કરવામાં સમય જશે.

• સૂચિત ટેક્સ એવોઈડન્સ અંકુશોમાં ‘યુરોબોન્ડ્સ’ છીંડા બંધ કરી હેજ ફંડોને લાખો શેરોમાં ટેક્સ ટાળતાં અટકાવાશે. £૨ મિલિયનથી વધુ કિંમતના પ્રોપર્ટીઓ પર તબક્કાવાર મેન્શન ટેક્સ લાગુ કરાશે. જોકે, ઊંચી આવક ન હોવાં છતાં ખર્ચાળ પ્રોપર્ટીમાં રહેતાં લોકોને રક્ષણ અપાશે. મેન્શન ટેક્સમાંથી £૧.૨ બિલિયન મળવાની પાર્ટીને આશા છે.

• લેબર નેતા એડ મિલિબેન્ડે NHSને સુધારવાની જાહેરાત ૨૦૧૪ની પાર્ટી કોન્ફરન્સમાં કરી હતી.

• પાર્ટીએ આરોગ્ય અને સામાજિક સંભાળને સાથે લાવવા પણ જણાવ્યું છે. જોકે, આ ક્યારે, કેવી રીતે થશે કે તે માટે કેટલો ખર્ચ થશે તેની વિગતો આપી નથી.

ધ લિબરલ ડેમોક્રેટ્સઃ લિબ ડેમ્સ આર્થિક વૃદ્ધિની આવકમાંથી તેમની NHSયોજનાઓ પાર પાડવા માગે છે. NHSસંચાલકોની ૨૦૨૦ સુધીમાં વધારાના £૮ બિલિયનની જરૂરિયાતો પૂરી કરવા તેમણે ખાતરી આપી છે. લિબ ડેમ્સે ટોરી યોજના ઉપરાંત ૨૦૧૫-૧૬થી વર્ષે વધુ £૧ બિલિયનની કાતરી આપી છે, જે રકમ ટેક્સ રાહતો ઘટાડવા અને ઊંચી કમાણી કરનારા માટે શેર ડિવિડન્ડ પર ટેક્સ દર વધારવા સહિતના પગલાંમાંથી મેળવાશે. આમાંથી અડધા બિલિયનની પકમ માનસિક આરોગ્ય સેવાઓ પાછળ ખર્ચાશે.

યુકેઆઈપીઃ UKIPના નેતા નાઈજેલ ફરાજે આરોગ્ય પાછળનો ખર્ચ રિંગ-ફેન્સ ન રાખવાનું સૂચવ્યું છે. એકમાત્ર તેમના પક્ષે જ NHSને વધારાની રકમ ફાળવવાની બાંયધરી આપી નથી. ફરાજે તો આના બદલે NHSની પ્રાથમિકતામાં ફેરફાર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી વીમા આધારિત સિસ્ટમ માટે આગ્રહ રાખ્યો છે. યુકેઆઈપીની ચોક્કસ નીતિમાં તમામ માઈગ્રન્ટ્સ અને મુલાકાતીને યુકેમાં પ્રવેશ માટે NHSના બહાલી સાથેના મેડિકલ ઈન્સ્યુરન્સનો સમાવેશ થાય છે, જેનાથી વર્ષે £૨ બિલિયનની અંદાજે બચત થશે. આ બચતમાંથી £૨૦૦ મિલિયન હોસ્પિટલ કાર પાર્કિંગ ચાર્જ રદ કરવા વપરાશે.

ગ્રીન પાર્ટીઃ આ પક્ષ આરોગ્ય પાછળનો ખર્ચ યુરોપિયન યુનિયનમાં કરાતાં સરેરાશ ખર્ચ જેટલો રાખવા માગે છે. તેઓ સામાન્ય આવક અને અન્ય કરવેરાના હિસ્સા તરીકે NHSટેક્સ લાદવા ઈચ્છે છે, જે આરોગ્યસેવા માટે સીધું ભંડોળ વધારશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter