લંડનઃ લોકડાઉન પછી થાળે પડી રહેલા સ્મોલ બિઝનેસીસ માટે લંડનના મેયર સાદિક ખાનના નવા ૧ મિલિયન પાઉન્ડના બેક ટુ બિઝનેસ ફંડમાંથી ભંડોળ મેળવવા અરજી લેવાનું શરુ કરાયું છે. મેયર પોતાના ‘બેક ટુ બિઝનેસ ફંડ’ થકી લોકો દ્વારા ખર્ચાયેલા નાણાને ભંડોળ સ્વરુપે આપશે જેના માટે ૧૦ ઓગસ્ટ સોમવારથી અરજી કરી શકાશે.
પોતાના કામકાજનું ઓનલાઈન વિસ્તરણ કરવા સાથે સલામત અને સામાજિક અંતર સાથેનો વેપાર શક્ય બનાવવા રોકાણ કરનારા બિઝનેસીસને આ ફંડ નાણાકીય સહાય પૂરી પાડશે. તેનો ઉપયોગ નવા પર્સપેક્સ સ્ક્રીન્સ, કોન્ટેક્ટલેસ પેમેન્ટ ટેકનોલોજીસ અથવા નવા સાધનો જેવી વસ્તુઓ માટે કરી શકાશે. લાયકાત ધરાવતી કંપનીઓ દ્વારા એકત્ર કરાયેલા ફંડમાં મેયર દ્વારા ૫,૦૦૦ પાઉન્ડ સુધીનું યોગદાન આપવામાં આવશે. ‘બેક ટુ બિઝનેસ ફંડ’ થકી ફીઝિકલ ટ્રેડિંગ પર આધાર રાખતા અને કોવિડ-૧૯ના નિયંત્રણો ( રીટેઈલ, હોસ્પિટાલિટી, લેઈઝર, ટુરિઝમ, ટ્રાવેલ, ક્રીએટિવ અને આર્ટ્સ, મનોરંજન અને રીક્રીએશન, હેલ્થ અને ફિટનેસ જેવાં સેક્ટર્સ)થી ખરાબ રીતે અસર પામેલા ૨૦૦ જેટલા નાના બિઝનેસીસને લાભ મળશે.
બિઝનેસીસ ક્રાઉડફંડિંગ કેમ્પેઈન શરુ કરે અને તેમના લક્ષ્યના ૨૫ ટકા હાંસલ કરવા સાથે તેઓ મેયરના મેચ-ફંડિંગને પાત્ર બનશે. ભંડોળ મેળવવા માટે બિઝનેસીસે તેમના ૧૦૦ ટકા લક્ષ્યને હાંસલ કરવાનું રહેશે. આ કપરા સમયમાં’થી બહાર આવવા મેયર સાદિક ખાનના સફળ ‘Pay It Forward London’ ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ દ્વારા ભંડોળ અપાશે જે, નાના અને સ્વતંત્ર બિઝનેસીસને મદદ કરવાનો ઉદ્દેશ ધરાવે છે. કોવિડ-૧૯ મહામારી ટોચ પર હતી ત્યારે એપ્રિલ મહિનામાં લોન્ચ કરાયેલું ‘Pay It Forward London’ પ્લેટફોર્મ સામાન્ય અથવા સામાન્ય જેવી કામગીરીમાં પાછા ફરવાની અપેક્ષાએ બિઝનેસીસ પાસેથી માલસામાન અથવા સેવા ખરીદવા કેપિટલના લોકોને તક પૂરી પાડે છે. ‘Pay It Forward London’ દ્વારા ૫,૦૦૦ લંડનવાસીઓની મદદથી થીએટર્સ, પબ્સ, કાફેઝ, મ્યુઝિક વેન્યુઝ, શોપ્સ અને ફિટનેસ સ્ટુડિયોઝ સહિત આશરે ૨૦૦ બિઝનેસીસને કુલ ૩૦૦,૦૦૦ પાઉન્ડથી વધુના ભંડોળ સાથે સપોર્ટ કરવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન નાના અને માઈક્રો બિઝનેસીસ સમક્ષ રોકડ પ્રવાહની સમસ્યા હતી તેમાં લાભ થયો છે અને વેપાર ચાલુ રાખવા તથા સ્ટાફને જાળવી રાખવામાં મદદ મળશે.
ડેપ્યુટી મેયર ફોર બિઝનેસરાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે,‘લંડનના નાના બિઝનેસીસે આ પડકારજનક સમયની સાથે વહેતા રહેવામાં ગણનાપાત્ર સ્થિતિસ્થાપકતા અને ચતુરાઈ દર્શાવી છે. નવા પગલાં લેવામાં અને બિઝનેસના હિસ્સાને ઓનલાઈન મૂકવાનો ખર્ચ ખરેખર ઊંચો હોઈ શકે છે. આથી, મેયર દ્વારા ૧ મિલિયન પાઉન્ડનું ભંડોળ લોકડાઉન અને સમસ્યાથી સૌથી ખરાબ અસરગ્રસ્ત બિઝનેસીસને મદદ મળશે. હું લંડનના તમામ નાના બિઝનેસીસને મેયરના બેક ટુ બિઝનેસ ફંડનો લાભ લેવા અનુરોધ કરું છું.’
મેયરના બેક ટુ બિઝનેસ ફંડનો લાભ લેવાની અરજી માટે https://payitforward.london.gov.uk/fund ની મુલાકાત લઈ શકો છો.