લંડનઃ કોરોના વાઈરસના સંક્રમણના નવા ચેતવણીજનક આંકડા મુજબ લંડનની મોટાભાગની બરોમાં એટલે કે ૩૨માંથી ૧૭ બરોમાં અગાઉના અઠવાડિયાની માફક છેલ્લાં સાત દિવસમાં ઉંચો સંક્રમણ દર નોંધાયો હતો.
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના આંકડા મુજબ હેરોમાં ૩૧ જુલાઈએ પૂરા થયેલા સાત દિવસમાં કેસોની સંખ્યા વધીને દર લાખે ૮ એટલે કે બમણી થઈ હતી. બાર્નેટ અને રેડબ્રીજમાં પણ સંક્રમણનો દર વધીને અનુક્રમે ૫.૬થી ૮.૭ અને ૫.૩થી ૭.૬ ટકા થયો હતો. વાલ્ધમ ફોરેસ્ટમાં અગાઉ જેટલો જ એટલે કે ૩.૩ ટકા જ્યારે હિલિંગ્ડનનો દર ૪.૯ ટકાથી ઘટીને ૩.૯ ટકા થયો હતો.
બાર્કિંગ અને ડેગનહામમાં કેસોની સંખ્યામાં ત્રણગણા કરતાં પણ વધુ વધારો નોંધાયો હતો. આ દર ૩.૭થી ૧૪.૬ ટકા થયો હતો. લંડનમાં હેકનીમાં સંકર્મણનો દર સૌથી વધુ એટલે કે દર એક લાખની વસતિએ ૨૦.૧ કેસનો થયો છે. જોકે, આ આંકડા દેશના કોવિડ – ૧૯ના હોટસ્પોટ જેવા બ્લેકબર્ન વીથ ડાર્વેનથી ઘણાં પાછળ છે. ત્યાં સંક્રમણનો દર ૧૦૦,૦૦૦એ ૭૭.૯ હતો.
કેસોની સંખ્યા વધતી રહેશે તો સરકાર કદાચ કન્ટેન્ટમેન્ટ ફ્રેમવર્ક અમલી બનાવશે જેનાથી જરૂર જણાય તો વિસ્તારો વચ્ચે લોકોની અવરજવર નિયંત્રિત કરી શકાશે.
લોકોને બહાર નીકળવાને બદલે ઘરે જ રહેવા અથાવા ચોક્કસ વિસ્તારોમાં પ્રવેશવા અથવા તે છોડવા પર નિયંત્રણ લાગૂ કરવામાં આવે તેવું બની શકે.