લંડનઃ ભારતીય હાઈ કમિશને ૨૬ જાન્યુઆરીએ ભારતના ૬૯મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન લંડનના મેફેરની ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ ખાતે કર્યું હતું. સાંજના આ સમારંભમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંગીત સાથે ભવ્ય ઉજવણીનો માહોલ રચાયો હતો. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વાય.કે. સિન્હાએ ભારતીય ડાયસ્પોરા ઉપરાંત, સાંસદો, લોર્ડ્સ અને કાઉન્સિલરોની ઉપસ્થિતિ સાથેની સભાને સંબોધી હતી.
હાઈ કમિશનર સિન્હાએ યુકે-ભારતના સંયુક્ત પ્રયાસો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વર્ષ તેમજ વડા પ્રધાન મોદીના વિઝન વિશે વાત કરી હતી. ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસમાં એશિયા અને પાસિફિક વિસ્તારો માટેના મિનિસ્ટર ઓફ સ્ટેટ માર્ક ફિલ્ડ સમારંભના મુખ્ય અતિથિ હતા. તેમણે યુકે અને ભારત વચ્ચે મજબૂત થઈ રહેલા સંબંધો વિશે જણાવવા ઉપરાંત, ભારતની તેમની ત્રણ પૂર્વ મુલાકાતો તેમજ કોલકાતા અને હૈદરાબાદની મુલાકાત સાથે ભાવિ પ્રવાસની પણ ચર્ચા કરી હતી.
આ સમારંભમાં યુનિવર્સિટી ઓફ એક્સ્ટર અને ભારતીય હાઈ કમિશન અને નહેરુ સેન્ટરના સહકાર સાથે ઓપન યુનિવર્સિટી દ્વારા ઈમેજીસની ડિજિટલ ટાઈમલાઈન લોન્ચ કરવામાં આવી હતી. આ ઈમેજીસ ગત ૨૦૦ વર્ષની તસવીરોની સાથે બ્રિટનમાં ભારતીયોની કથા કહેતી હતી. ભારતીય હાઈ કમિશનર અને ચીફ ગેસ્ટના હસ્તે તેનું સત્તાવાર લોન્ચિંગ કરાયું હતું.
પ્રજાસત્તાક દિનની સવારે ભારતીય હાઈ કમિશનમાં ધ્વજ લહેરાવવાના કાર્યક્રમમાં સ્ટાફ અને મહેમાનોએ હાજરી આપી હતી.