લાપતા બ્રિટિશ મહિલાને શોધવા પરિવારનો અનુરોધ

Tuesday 26th May 2015 05:09 EDT
 
 

લંડનઃ મેક્સિકોના પ્યુરેટા વાલાર્ટાના લાસ ગ્લોરિયાસ બીચના કાંઠેથી બે ઓફ બાન્ડેરાસમાં લાપતા બ્રિટિશ મહિલા વર્ષા મૈસુરિયાને શોધી કાઢવા તેમના પરિવારે અનુરોધ કર્યો છે. સ્કાયડાઈવિંગ ઘટનામાં વિમાનને અકસ્માત થતાં વર્ષા વિમાનના નીચલાં ભાગ સાથે ફસાઈ ગયાં હતાં. આ પછી, પેરાશૂટના કારણે વિમાન દૂર દરિયામાં ફંગોળાયું હતું અને તે ૧૦૦૦ મીટરની ઊંડાઈએ ડૂબ્યું હોવાનું મનાય છે.

વર્ષાને પાછી લાવવા તેમનો પરિવાર જહેમત ઉઠાવી રહ્યો છે. વર્ષા ફોરેન કોમનવેલ્થ ઓફિસમાં સિવિલ સર્વન્ટ તરીકે કામગીરી બજાવતાં હતાં, તેનો સંપર્ક પણ તેમના પરિવારે કર્યો છે. મૈસુરિયા પરિવારે એક નિવેદનમાં ગુજરાત સમાચાર-એશિયન વોઈસને જણાવ્યું હતું કે, ‘અમારા બહેન વર્ષા મૈસુરિયા વેકેશન માણવા મેક્સિકો ગયાં હતાં અને સ્કાયડાઈવિંગ દુર્ઘટનાનો ભોગ બન્યાં હતાં. વર્ષા તેમના પરિવારમાં પરત ફરી શકે તે માટે અમે મીડિયા ચેનલ્સ દ્વારા જાગૃતિ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’ વેકેશન દરમિયાન, વર્ષા સ્કાય ડાઈવિંગ ટ્રીપમાં સામેલ થયાં હતાં અને દુર્ઘટનાવશ વિમાન દરિયામાં તૂટી પડ્યું હતું. પાઈલોટ અને ગ્રૂપના અન્ય બે સભ્ય જીવતા મળી આવ્યા છે, પરંતુ વર્ષા અને અન્ય સભ્ય યુએસ નાગરિક રોબિન નિકોલ બેલાચે હજુ લાપતા છે. સ્થાનિક શોધ અને બચાવ ટીમોએ તપાસ ચાલુ રાખી છે. તેમણે પરિવારને જણાવ્યું છે કે વિમાન પાણીની અંદર ૧૦૦૦ મીટરની ઊંડાઈએ મળી આવ્યું છે અને ઓપરેશન્સમાં ડીપ સી ડાઈવિંગ સાધનોની જરૂર પડશે.

પરિવારે ઉમેર્યું હતું કે, ‘કોઈ પણ સંજોગોમાં તમામ શોધપ્રયાસ ચાલુ રહે તે માટે અમે ગંભીર છીએ, જેથી અમારી બહેન પરિવારમાં ફરી જોડાઈ શકે. ફોરેન કોમનવેલ્થ ઓફિસ તેમજ વિદેશમાં લાપતા વ્યક્તિઓના પરિવારોની મદદ કરતી ચેરિટી સંસ્થા લ્યુસી બ્લેકમેન ટ્રસ્ટ અમને સહાય કરી રહ્યા છે. અમારી પ્રાથમિકતા શોધ અને બચાવની સાથે સ્થાનિક સત્તાવાળા, એફસીઓ અને લ્યુસી બ્લેકમેન ટ્રસ્ટની મદદ ચાલુ રહે તેની ચોકસાઈની છે. રોબિનના પરિવાર મારફત યુએસ કોન્સ્યુલેટ પણ તમામ શક્ય જાગૃતિ કેળવવાના પ્રયાસોમાં સામેલ છે.’

તેમના એક ભાઈએ જણાવ્યા અનુસાર ‘વર્ષા અમારા પરિવારમાં એક માત્ર દીકરી, સૌથી મોટું સંતાન અને એક જ બહેન છે. તેમને પ્રવાસનો ઘણો શોખ હતો. આ દુર્ઘટનાથી અમને આઘાત લાગ્યો છે. અમે કોઈ પણ સંજોગોમાં તેમને પાછાં મેળવવા ઈચ્છીએ છીએ. આ ઘટનાની જાણ કરાતા અમે તેને માની શક્યા જ ન હતા. તમારા પરિવાર સાથે આમ થાય તે તમે કલ્પી જ શકતા નથી. વર્ષા હજુ લાપતા હોવાની હકીકત જ પીડાકારી છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter