લંડનઃ લૂટનના નિષ્ફળ સુસાઈડ બોમ્બર ૨૨ વર્ષીય મુબશીર જમીલ સામે ઓલ્ડ બેલી કોર્ટમાં કેસની ટ્રાયલ ચાલી રહી છે. જમીલે એમેઝોન વેરહાઉસમાં કામ કરીને ૨ હજાર પાઉન્ડની બચત અને ISમાં જોડાવા માટે પોતાના ફોનમાં એન્ક્રીપ્ટેડ મેસેજિંગ એપનો ઉપયોગ કરતો હોવાનું મનાય છે. તેણે ISના એક સૂત્રને કહ્યું હતું કે તે જે દિવસે સુસાઈડ વેસ્ટ પહેરે તે જ દિવસે તેનું બટન દબાવવા માગે છે.
અદાલત સમક્ષ રજૂઆત કરાઈ હતી કે જમીલે તેના પર શંકા ન જાય તે માટે તેની દાઢી કઢાવવાની સાથે વાળ પણ કપાવી નાંખ્યા હતા અને બેક ગાર્ડનમાં ફૂટબોલ રમતો હતો.
કોમ્પ્યુટર પર ગેમ રમવાનો ખૂબ શોખીન જમીલ આઈએસ પ્રોપેગેન્ડા પર સર્ફિંગ કર્યા પછી શહાદત વહોરવા માટે કેવી રીતે તૈયાર થઈ ગયો હતો તેની વિગતો પણ કોર્ટમાં રજૂ કરાઈ હતી. પાકિસ્તાનમાં જન્મીને બે વર્ષની ઉંમરે યુકે આવેલા જમીલે ત્રાસવાદના આરોપોને નકારી કાઢ્યા હતા. આ કેસની ટ્રાયલ હજુ ચાલી રહી છે.


