લેબર પાર્ટીમાં બર્નહામ અને ઉમન્ના વચ્ચે નેતાગીરીની સ્પર્ધા

Tuesday 12th May 2015 14:43 EDT
 
 

લંડનઃ ચૂંટણીમાં ઘોર પરાજયના પગલે લેબર પાર્ટીના નેતાપદેથી એડ મિલિબેન્ડના રાજીનામા પછી પૂર્વ હેલ્થ સેક્રેટરી એન્ડી બર્નહામ અને શેડો બિઝનેસ સેક્રેટરી ચુકા ઉમન્ના વચ્ચે સ્પર્ધા રહેવાની વકી છે. અન્ય સંભવિત ઉમેદવારોમાં શેડો હોમ સેક્રેટરી ઈવેટ કૂપર, પક્ષના પ્રવક્તા લિઝ કેન્ડાલ તેમજ બાર્નસ્લી સેન્ટ્રલના સાંસદ ડાન જાર્વિસનો પણ સમાવેશ થાય છે. જોકે, પત્નીના મૃત્યુ પછી પરિવારને સમય આપવાના કારણસર જાર્વિસે નેતાગીરીની સ્પર્ધામાં ઝૂકાવવાનો ઈનકાર કર્યો છે. તાજેતરના વર્ષોમાં મૌન રહેલા બ્લેરવાદીઓ મતદારોને પસંદ આવે તેવા ઓછાં ડાબેરી નેતાને આગળ કરી શકે છે. તેમણે વર્ષો પહેલા એડના ભાઈ ડેવિડ મિલિબેન્ડની તરફેણ કરી હતી.

ઓગસ્ટના પ્રારંભે નવા નેતાની વરણી થઈ શકે છે ત્યારે પક્ષ આરામમાં રહેવા માગતો હશે તો તેની પસંદગી બર્નહામ હોઈ શકે છે. પૂર્વ નેતા મિલિબેન્ડની સરખામણીએ બર્નહામ પ્રજા સાથે સારો સંપર્ક જાળવી શકે છે. જોકે, ગત લેબર સરકાર સાથે તેમના સંબંધની સાંકળ પ્રશ્નો ઉભા કરી શકે છે. મિડ સ્ટાફ્સ હોસ્પિટલ કૌભાંડ પછી તેમની ભૂમિકાના મુદ્દે પ્રશ્નોનો સામનો કરવો પડે તેમ છે.

બીજી તરફ, પાર્ટી નવી સીમા અને દિશા કંડારવા ઈચ્છતી હોય તો ગણતરીના અશ્વેત સાંસદોમાંના એક અને પૂર્વ ધારાશાસ્ત્રી ઉમન્ના તેની પસંદગી બની શકે છે. ઉમન્ના માત્ર ૨૦૧૦માં જ ચૂંટાયા હોવાથી ગોર્ડન બ્રાઉન લેબર સરકારની નિષ્ફળતા અંગે પ્રજાના મનમાં તેમની ખોટી છાપ નથી. જોકે, લંડનસ્થિત મેટ્રોપાલીટન ભદ્ર વર્ગ સાથે તેમના સંબંધો ઉત્તરના શ્રમિક મતદારોના વિરોધની છાપ ઉપસાવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter