લેબર શેડો કેબિનેટના ડઝન સભ્યો દ્વારા પહોંચ વિના ખર્ચાના ક્લેઈમ

Monday 23rd February 2015 08:06 EST
 
 
લંડનઃ લેબર પાર્ટીની શેડો કેબિનેટના એડ બોલ્સ અને વર્નોન કોકર સહિતના ડઝન સાંસદોએ બે દાયકા સુધી એક પણ પહોંચ રજૂ કર્યા વિના કુલ ૩૭,૮૮૧ પાઉન્ડની રકમો ખર્ચ તરીકે ક્લેઈમ કરેલ છે. જોકે, એડ બોલ્સે રીસિપ્ટ વિના કોઈ રકમ મેળવી હોવાનું નકાર્યું છે. નોંધનીય બાબત એ છે કે આમાં કોઈ એશિયન સાંસદનો સમાવેશ થયો નથી. મોટા ભાગના લેબર સાંસદોએ કોમ્ન્સના તત્કાલીન નિયમો અનુસાર જ ક્લેઈમ્સ કરાયાનો બચાવ કર્યો છે.શેડો ડિફેન્સ સેક્રેટરી વર્નોન કોકરે તેમના બીજા ઘર માટે ખર્ચાની પહોંચ આપ્યા વિના દર મહિને મોટી રકમોનો ક્લેઈમ કર્યો છે. તેમણે ૨૦૦૪માં નોટિંગહામશાયરના કોટગ્રેવના ઘરની સફાઈ માટે માસિક £૨૨૫, સર્વિસીસ માટે £૨૩૦ તેમ જ સમારકામ માટે £૨૩૦ના ક્લેઈમ્સ કર્યા હતા. આ પછી ૨૦૦૫માં તેમણે સાઉથ લંડનમાં કેન્સિંગ્ટનની પ્રોપર્ટી માટે માસિક £૧૯૦ તથા સર્વિસીસ અને મેઈન્ટેનન્સ માટે માસિક £૨૩૦ના ક્લેઈમ્સ કર્યા હતા. ગેડલિંગના લેબર સાંસદે ચાર વર્ષમાં £૩,૪૨૫ સફાઈ માટે, £૬,૩૨૦ સર્વિસીસ અને મેઈન્ટેનન્સ માટે તથા £૫,૨૦૫ સમારકામ માટે ક્લેઈમ કર્યા હતા, જે માટે કોઈ રીસિપ્ટ રજૂ કરી ન હતી.શેડો ચાન્સેલર એડ બોલ્સે સફાઈખર્ચ તરીકે £૧,૬૧૦ ક્લેઈમ કર્યા હતા. એડ બોલ્સના પત્ની ઈવેટ કૂપરે સફાઈખર્ચ અને ગાર્ડનિંગ માટે £૨,૬૪૦ ક્લેઈમ કર્યાં હતાં.શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એન્વિરોન્મેન્ટ, ફૂડ એન્ડ રુરલ એફેર્સ મારિઆ ઈગલે ૨૦૦૪થી ૨૦૦૮ના ગાળામાં સફાઈખર્ચ તરીકે £૧,૯૦૦ ક્લેઈમ કર્યાં હતાં. આ જ રીતે, લેબર પાર્ટીના ઉભરતા સિતારા, વેકફિલ્ડના સાંસદ અને શેડો સેક્રેટરી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મેરી ક્રીઘે ૨૦૦૫થી ૨૦૦૮ના ગાળામાં સફાઈખર્ચ તરીકે £૨,૫૧૨ અને રીપેરિંગ માટે £૩૭૦ ક્લેઈમ કર્યાં હતાં.લેબર પાર્ટીના ચીફ વ્હીપ મિસ રોઝી વિન્ટરટને સફાઈખર્ચ તરીકે £૫,૨૮૦ સર્વિસીસ અને મેઈન્ટેનન્સ માટે £૩૦૦ અને રીપેરિંગ માટે £૨,૩૦૨ ક્લેઈમ કર્યાં હતાં. આ ઉપરાંત, લેબર સાંસદે ફેબ્રુઆરી ૨૦૦૭માં તેમના બેડરૂમ, બાથરૂમ, લિવિંગરૂમ, કિચન, નિસરણી વગેરેના નવીનીકરણ માટે કુલ £૪,૬૯૦ ક્લેઈમ કર્યાં હતાં. શેડો લીડર ઓફ હાઉસ એન્જેલા ઈગલે ૨૦૦૫થી ૨૦૦૭ સુધી સફાઈખર્ચ તરીકે £૧૬૫ અને રીપેરિંગ અને ઈન્સ્યુરન્સ માટે £૨૦૮ના હિસાબે ક્લેઈમ્સ કર્યાં હતાં. ટ્રેઝરીના શેડો ચીફ સેક્રેટરી ક્રિસ લેસ્લીએ ૨૦૦૫માં તેમની શિપ્લી બેઠક ગુમાવ્યા પહેલા સફાઈખર્ચ તરીકે £૧,૯૨૨ ક્લેઈમ કર્યા હતા. તેઓ ૨૦૧૦માં નોટિંગહામ ઈસ્ટના સાંસદ તરીકે પુનઃ ચૂંટાયા હતા.આ ઉપરાંત, પોર્ટફોલિયો વિનાના શેડો મિનિસ્ટર જોન ટ્રિકેટે £૨,૦૧૦, લેબર પાર્ટીના પોલિસી કો-ઓર્ડિનેટર જોન ક્રુદ્દાસ, શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એનર્જી એન્ડ ક્લાઈમેટ કેરોલિન ફ્લીન્ટ, શેડો ફોરેન સેક્રેટરી ડગ્લાસ એલેકઝાન્ડરે પણ રીસિપ્ટ વિના હજારો પાઉન્ડનો ખર્ચ ક્લેઈમ કર્યો હતો.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter