લંડનઃ લોર્ડ જેનર સામે બાળ યૌનશોષણની ટ્રાયલને ડિરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશન (DPP) એલિસન સૌન્ડર્સ દ્વારા અટકાવી દેવાઈ છે. લેબર પાર્ટીના લોર્ડ જેનર ગંભીર ડીમેન્શિયાથી પીડાય છે ત્યારે તેઓ કાનૂની પ્રક્રિયા અનુસરી શકશે નહિ તેવો નિર્ણય સૌન્ડર્સે લીધો હતો.
બાળ યૌનશોષણ ટ્રાયલ સાથે સંકળાયેલા મુખ્ય કાઉન્સેલે ૧૯૬૦થી ત્રણ દાયકાના ગાળામાં કથિત નવ પીડિતો સંદર્ભે લોર્ડ જેનર સામે ૧૬ સેક્સ ગુનાસર ચાર્જ લગાવવા ભલામણ કરી હતી. ચાર્જ લગાવાશે તેવી લેસ્ટરશાયર પોલીસની માન્યતા છતાં સૌન્ડર્સે છેલ્લી ઘડીએ પલટી મારી હતી. પ્રોસીક્યૂટ કરવા માટે પૂરતા પુરાવા હોવા છતાં લોર્ડ જેનરના સ્મૃતિભ્રંશની તીવ્રતાના કારણે આ કેસમાં આગળ વધવું જાહેર હિતમાં નહિ ગણાય તેવો નિર્ણય DPP એ લીધો હતો. લોર્ડ જેનરે અગાઉ ખોટું કર્યાનું નકાર્યું હતું.