લંડનઃ ડાઉનિંગ સ્ટ્રીટમાં સાડા ચાર વર્ષથી ચાલી રહેલી ‘કેટફાઈટ’નો હવે અંત આવી જશે કારણ કે યુકે ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસની ઓફિસનો માનીતો બિલાડો લોર્ડ પાલ્મરસ્ટન, ધ ચીફ માઉઝર ઓગસ્ટ મહિનાના અંતે નિવૃત્ત થઈ રહ્યો છે. લોર્ડ પાલ્મરસ્ટન હવે ગામડે રહેવા જશે જ્યાં, તેણે લોકડાઉનનો સમય પણ વીતાવ્યો હતો. સલામતીના ધોરણોના કારણોસર ફોરેન ઓફિસના અધિકારીઓએ તે કયા સ્થળે નિવૃત્તિનો આનંદ માણશે તે જાહેર કર્યું નથી. જોકે, તે હેમ્પશાયર જઈ શકે તેમ મનાય છે. હવે તેના સ્થાને બીજી કોઈ બિલાડી કે બિલાડો આવશે કે કેમ તે પણ સ્પષ્ટ કરાયું નથી.
આમ તો, તેની મુખ્ય કામગીરી ઓફિસોમાં ઉંદરોની વસ્તીને ઘટાડવાની હતી પરંતુ, ફોરેન ઓફિસની મુલાકાતે આવતા વિદેશી મહાનુભાવો સાથે તેની સારી મિત્રતા કેળવાઈ હતી. ડાઉનિંગ સ્ટ્રીટમાં ફરજ બજાવતા પત્રકારો અને ફોટોગ્રાફરોમાં પણ તે ભારે લોકપ્રિય છે. જોકે, વડા પ્રધાનના નિવાસની આસપાસ વર્ષોથી આંટાફેરા કરતા માનીતા બિલાડા લેરી સાથે તેના સંબંધો સારા રહ્યા ન હતા. તેમની વચ્ચે રોજિંદુ યુદ્ધ સામાન્ય બાબત હતું, જે હવે જોવાં મળશે નહિ. જોકે, લેરીએ પણ તેના ટ્વીટર પર લખ્યું છે કે મને તેની ખોટ સાલશે.
વડા પ્રધાનના નિવાસ ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા લેરીને ૨૦૧૧માં ‘ચીફ માઉઝર ટુ ધ કેબિનેટ’ તરીકે લાવવામાં આવ્યો હતો. જોકે, તેને ઉંદરો પકડવાના બદલે ઉંઘવાનું વધુ પસંદ હતું. પાલ્મરસ્ટન અગાઉ ફોરેન ઓફિસમાં ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્નની બિલાડી ફ્રેયાનું વર્ચસ્વ હતું.
ફોરેન ઓફિસનો બિલાડો તેના બોસ અને ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસના પરમેનન્ટ અંડર સેક્રેટરી સર સિમોન મેક્ડોનાલ્ડ કરતાં પણ વધુ લોકપ્રિય હતો. સર મેક્ડોનાલ્ડના કોફીમગ પર લખેલું છેઃ ‘મારો બિલાડો મારા કરતાં વધુ ફોલોઅર્સ ધરાવે છે!’
પાલ્મરસ્ટનનો સર સિમોનને પત્ર
પાલ્મરસ્ટનના નામે સર સિમોન મેક્ડોનાલ્ડને ટ્વીટર પર એક પત્ર લખાયો છે જેમાં જણાવાયું છે કે, તે હવે લાઈમલાઈટથી દૂર રહેવા તેમજ પરિવાર સાથે વધુ આરામપ્રદ, શાંત અને હળવાશપૂર્ણ સમય ગાળવા માગે છે. જોકે, તેણે જાહેર જીવનનો સંપૂર્ણ ત્યાગ કર્યો નથી. તેણે નિવૃત્તિ પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે તે હંમેશાં યુકે અને નવી ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ માટે દૂત બની રહેશે.
પાલ્મરસ્ટનના નિવૃત્તિના પત્રમાં ફોરેન ઓફિસની માસ્ટર ક્લાસ લઢણ જોવા મળે છે. પત્રમાં લખાયું છે કે ‘મારા ૧૦૫,૦૦૦ ટ્વીટર ફોલોઅર્સ દર્શાવે છે કે ચાર પગાળાં અને રુંછાદારને પણ યુકેના વૈશ્વિક પ્રયાસોમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની રહે છે. મેં આપણા કાર્યને વિસ્તાર્યું છે, આપણા સંબંધો બાંધ્યા છે અને આપણા સ્ટાફની વૈવિધ્યતાને માણી છે.’
ચીફ માઉઝર લોર્ડ પાલ્મરસ્ટને વધુમાં લખ્યું છે કે, ‘સમગ્ર વિશ્વમાં પ્રસરેલા કોરોના વાઈરસે મારા સહિત ઘણાને ઘરમાં રહી કામ કરવાની ફરજ પાડી છે. હું દૂર રહીને કિંગ ચાર્લ્સ સ્ટ્રીટમાંથી ઉંદરોને પકડી શકતો નથી પરંતુ, ઉંદરોની પ્રજાતિઓ સાથે સંવાદના મારા રાજદ્વારી પ્રયાસો ઘણા વધ્યા છે. મને ઓફિસની વ્યસ્તતા, એમ્બેસેડરના પદચાપ સાંભળવાની તેમજ કૂદીને સંતાઈ જવાની ખોટ સાલે છે. ઉંઘવાનો ડોળ કરતા રહીને વિદેશી મહાનુભાવોની વાતચીત સાંભળતા રહેવાની મારી ખાસિયત રહી છે’
‘ફોરેન ઓફિસને ખોટ સાલશે’ઃ સર સિમોન
સર મેક્ડોનાલ્ડે પત્રના ઉત્તરમાં લખ્યું છે કે, ‘ફોરેન ઓફિસના સ્ટાફને તેની ખોટ સાલશે. ચીફ માઉઝરે કોરોના મહામારી દરમિયાન કન્ટ્રીસાઈડમાં ઘેર રહી કામકાજ કરવાની ફરજ પણ બજાવી હતી. તેને હવે તે સ્થળ એટલું ગમી ગયું છે કે તેણે ત્યાં જ વસવાનો નિર્ણય લઈ લીધો છે. તેને લાંબા અને આનંદદાયી જીવનની શુભકામના.’
એપ્રિલ ૨૦૧૬માં લંડનના બેટરસી ડોગ્સ એન્ડ કેટ શેલ્ટરહોમમાંથી લવાયેલા આ બિલાડાનું નામ પૂર્વ ફોરેન સેક્રેટરી અને બે વખતના બ્રિટિશ વડા પ્રધાન લોર્ડ પાલ્મરસ્ટન પરથી અપાયું હતું. ડાઉનિંગ સ્ટ્રીટના બિલાડા લેરીની સત્તામાં ભાગબટાઈ થતા તેને ફોરેન ઓફિસના કેટલાક વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો.
ગયા વર્ષે ઉનાળામાં તેણે ફોરેન ઓફિસના એક અધિકારીના ઘેર રજાઓ ગાળી હતી. તેની મોજમજાની જિંદગી તેને બગાડી રહી છે તેમ જણાતા તેના પર ‘પાલ્મરસ્ટન પ્રોટોકોલ્સ’ તરીકે ઓળખાયેલા નિયમો લાદી દેવાયા હતા. તે નિશ્ચિત વિસ્તારોની બહાર જઈ શકતો ન હતો.