લોર્ડ બિલિમોરિઆને UEAદ્વારા માનદ ડોક્ટરેટ પદવી એનાયત

Monday 08th August 2016 09:08 EDT
 
 

લંડનઃ યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એન્ગ્લિઆ (UEA) દ્વારા ૨૦ જુલાઈએ બે ઝોરોસ્ટ્રિયન પારસી લોર્ડ કરન બિલિમોરિઆ CBE, DL અને બહરામ બેખરાદિનાને ઓનરરી ડોક્ટરેટ ઓફ સિવિલ લો પદવી એનાયત કરાઈ હતી. UEAના ગ્રેજ્યુએશન સમારંભ સપ્તાહમાં બિઝનેસ, સાહિત્ય, વિજ્ઞાન અને ચેરિટી ક્ષેત્રના અગ્ર વ્યક્તિત્વોએ સ્નાતક વિદ્યાર્થીઓને સલાહ આપવા સાથે પોતાની સાફલ્યગાથામાં સહભાગી બનાવ્યા હતા. UEAમાં ૧૮-૨૨ જુલાઈ દરમિયાન ૪,૦૦૦થી વધુ સ્નાતકો માટે પદવીદાન સમારંભો યોજાયા હતા.

કોબ્રા બિયરના સ્થાપક, કોબ્રા બિયર પાર્ટનરશિપ લિમિટેડ અને મોલ્સન કૂર્સ કોબ્રા ઈન્ડિયાના ચેરમેન લોર્ડ કરન બિલિમોરિઆ ૨૦૦૬માં હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન મેળવનારા સૌપ્રથમ ઝોરોસ્ટ્રિયન પારસી હતા. તેમને ઓનરરી ડોક્ટરેટ ઓફ સિવિલ લો સહિત ૧૦ માનદ ડોક્ટરેટ પદવી અપાઈ છે. ગત ઓક્ટોબરમાં UEAખાતે ધ એન્ટરપ્રાઈઝ સેન્ટરનું અનાવરણ કરનારા લોર્ડ બિલિમોરિઆએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે,‘ UEA શા માટે યુકેની ટોપ યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવે છે, તે હું જાણું છું. ઓનરરી ડોક્ટરેટ મેળવવી તે બહુમાન અને વિશિષ્ટ અધિકાર છે અને હું તેથી ધન્યતા અનુભવું છું.’

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણમાં નામના ધરાવતા બહરામ બેખરાદિના ૨૦૦૨માં હાયર એજ્યુકેશન પોલિસી ઈન્સ્ટિટ્યુટના પ્રથમ ડિરેક્ટર બન્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ કહ્યું હતું કે,‘યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એન્ગ્લિઆ દ્વારા મને ઓનરરી ડીગ્રી સ્વીકારવા અંગે પૃચ્છા કરાઈ તેનો મને ઘણો આનંદ છે. હું લાંબા સમયથી આ યુનિવર્સિટીનો પ્રશંસક છું. રિસર્ચમાં ભારે સફળ રહેવા સાથે UEA દ્વારા અંડરગ્રેજ્યુએટ શિક્ષણને પણ મહત્ત્વ અપાય છે.’

યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એન્ગ્લિઆના વાઈસ ચાન્સેલર પ્રોફેસર ડેવિડ રિચાર્ડસને જણાવ્યું હતું કે,‘સમાજને નોંધપાત્ર અને અમૂલ્ય ફાળો પ્રદાન કરનારાને સન્માનિત કરવામાં અમને ભારે ગૌરવ હાંસલ થાય છે. અમારા ગ્રેજ્યુએશન સમારંભોમાં તેમના શીખામણના શબ્દો

સાંભળવા મળે તે મોટી આનંદની વાત છે.’ યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એન્ગ્લિઆ દ્વારા દર વર્ષે આર્ટ્સ, સાયન્સ અને સિવિલ સોસાયટી જેવાં ક્ષેત્રોમાં છાપ છોડનારાનું સન્માન કરવા માનદ પદવી અપાય છે, પરંતુ યુકેમાં એક સાથે બે ઝોરોસ્ટ્રિયન પારસીને આવું સન્માન મળ્યાની આ પ્રથમ ઘટના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter