વંશીય મતદારો સાથે લેબર પાર્ટીનું સંવનન

રુપાંજના દત્તા Tuesday 24th February 2015 07:55 EST
 

લંડનઃ આગામી ચૂંટણીના સંદર્ભે બ્રિટનના વિપક્ષ લેબર પાર્ટીએ વંશીય મતદારો અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. લંડનની રિવરસાઈડ પાર્ક પ્લાઝામાં ૧૮ ફેબ્રુઆરીએ આયોજિત ભવ્ય One Nation in One Night Diversity Dinner પાર્ટીમાં પક્ષના નેતા એડ મિલિબેન્ડ, એશિયન મૂળના કિથ વાઝ, સીમા મલ્હોત્રા, વિરેન્દ્ર શર્મા, શબાના મહમૂદ, સાદિક ખાન, રુશનારા અલી સહિતના સાંસદો, ઉમરાવો અને સંભવિત સંસદીય ઉમેદવારો (PPC), મુખ્યત્વે BAME કોમ્યુનિટી સાથે સંકળાયેલા બિઝનેસ અને કોમ્યુનિટી નેતાઓ, પ્રોફેશનલ્સ ઉપસ્થિત હતા. આ સાંજે વિશેષ મહેમાનોમાં સ્પેનના પૂર્વ વડા પ્રધાન જોશ ઝાપાટેરો ઉપસ્થિત હતા.

લેબર પાર્ટીએ જાણીતા બ્રિટિશ ભારતીય બિઝનેસમેન અને એન્ટ્રેપ્રીન્યોર લોર્ડ ગુલામ નૂન MBEને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ - ૨૦૧૫ની નવાજેશ કરાયા બદલ ગૌરવ અનુભવ્યું હતું. તેઓ નૂન ફાઉન્ડેશનના ચેરમેન અને યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડનના ચાન્સેલર પણ છે.

ડ્રિન્ક્સ અને કેનાપી સાથે નેટવર્કિંગ સેશન સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો. બેઠક પર જ ડાઈવર્સિટી ડિનરની વ્યવસ્થામાં દરએક ટેબલ કોઈ ચોક્કસ મતક્ષેત્રને સમર્પિત હતું. ભારતીય લોકસંગીત અને પોપ મ્યુઝિકના મિશ્રણ સાથે પાર્શ્વસંગીતને વૈવિધ્યનો ઓપ અપાયો હતો. બ્રિટિશ ભારતીય અભિનેત્રી નીના વાડિયાએ સમારંભના ઉદઘોષિકાની કામગીરી પાર પાડી હતી.

૨૫ કરતા વધુ વર્ષથી લેબર પાર્ટીના એશિયન મૂળના સૌથી જાણીતા સાંસદ કિથ વાઝે સંબોધનમાં જણાવ્યું હતું કે, ‘અમે ચૂંટણીમાં ૪૫ BAME ઉમેદવાર ઉભા રાખીશું. યુકેમાં ૨૫ ટકાથી વધુ મતદાર BAME કોમ્યુનિટીના હોય તેવાં ૯૯થી વધુ મતક્ષેત્ર છે. લંડનની વસ્તીમાં આશરે ૩.૩ મિલિયન લોકો BAME કોમ્યુનિટીના છે. લંડનની શાળાઓમાં ૩૦૦થી વધુ ભાષા બોલાય છે. વૈવિધ્યતા તરફ આપણા નેતા એડ મિલિબેન્ડની પ્રતિબદ્ધતા અણીશુદ્ધ છે. ઈવેટ કૂપર, ચુકા ઉમન્ના, સાદિક ખાન, ગ્લોરિયા ડીપીએરો, મેરી ક્રીધ અને અન્ય BAME સાંસદોની હાજરી દર્શાવે છે કે વંશીય લઘુમતીઓએ કેટલી પ્રગતિ સાધી છે. આગામી વર્ષ બ્રિટનમાં વંશીય પ્રતિનિધિત્વનું મહત્ત્વપૂર્ણ બેન્ચમાર્ક બની રહેશે.’

લેબર પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવાર એડ મિલિબેન્ડે તેઓ ઈમિગ્રન્ટના પુત્ર હોવાનું જાહેર કરતા કહ્યું હતું કે, ‘આપણી વિવિધતા જ આપણી તાકાત છે. આપણા દેશની દરેક વ્યક્તિ સંપત્તિની સર્જક છે. ઈમિગ્રેશનના લીધે જ આપણે વધુ મજબૂત, વધુ સમૃદ્ધ અને વધુ ન્યાયી રાષ્ટ્ર બન્યા છીએ. આજના બ્રિટનમાં વેતનમાં વધારો થતો નથી અને કિંમતો ઊંચે જઈ રહી છે ત્યારે ઘણાં લોકો માટે વાસ્તવિકતા કઠોર બની છે. આ સ્થિતિ ઉલટાવવા અને અર્થતંત્રના નિર્માણમાં લોકહિસ્સાને મજબૂત બનાવવાની યોજના અમારી પાસે છે.’

YouGovના સર્વેમાં લેબર પાર્ટીને ૩૪ ટકા મત મળ્યાં છે, જ્યારે ૩૩ ટકા સાથે કન્ઝર્વેટિવ તદ્દન નજીક છે. Ukipને ૧૫ ટકા, ગ્રીન્સને ૦૭ ટકા અને લિબ ડેમ્સને ૦૬ ટકા મળ્યાં છે. આગામી સામાન્ય ચૂંટણીમાં ભારતીય ડાયસ્પોરા મુખ્ય પરિવર્તક પરિબળ બની રહેવાની ધારણા છે. આશરે ૪૦ લાખ મતદારો- ઈંગ્લેન્ડ અને વેલ્સના કુલ મતદારોમાં ૧૦માંથી એક મતદાર વિદેશમાં જન્મ્યાં હોવાનું જણાયું છે, જેમાં મોટો હિસ્સો ભારતીયોનો છે. અંદાજે ૬૧૫,૦૦૦ ભારતીયો આગામી ચૂંટણીમાં મત આપશે.

આઈરિશ રિપબ્લિક સાથે કોમનવેલ્થ માઈગ્રન્ટ કોમ્યુનિટીઝ (ખાસ કરીને, ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, નાઈજિરિયા અને સાઉથ આફ્રિકા) મતદારો આ ચૂંટણીમાં સૌથી વધુ રહેવાની ધારણા છે. માઈગ્રન્ટ મતદાર લંડનમાં સૌથી વધુ કેન્દ્રિત છે, ગ્રેટર લંડનમાં ૨૦માંથી ૧૯ બેઠક પર માઈગ્રન્ટ મતહિસ્સો ઊંચો છે. સમગ્ર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આશરે ૨૫ બેઠકો પર માઈગ્રન્ટ્સ ૩૩ ટકાથી વધુ તેમ જ ૫૦થી વધુ બેઠકો પર ઓછામાં ઓછાં ૨૫ ટકા હિસ્સો ધરાવે છે. ઓછામાં ઓછી ૭૦ બેઠકો પર માઈગ્રન્ટ મતદારો નિર્ણાયક પરિબળ બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter