વડાપ્રધાન મોદીને આવકારવા ઉમટ્યો જનસૈલાબ

- કમલ રાવ Tuesday 24th April 2018 13:05 EDT
 
 

ભારતના વડાપ્રધાન અને દેશ વિદેશમાં રહેતા કરોડો ભારતીયોના હ્રદય પર રાજ કરનાર લોકલાડીલા નેતા નરેન્દ્રભાઇ મોદીને બ્રિટનમાં આવકારવા જાણે કે જનસૈલાબ ઉમટ્યો હતો. આશરે ૫,૫૦૦ કે વધુ બ્રિટીશ ભારતીયો રંગબેરંગી વસ્ત્રો, સાડીઅો, પારંપરિક ભારતીય વસ્ત્રોમાં સજ્જ થઇ અવનવા સુત્રોચ્ચારો અને ઢોલત્રાંસાના ગડગડાટ સાથે સેન્ટ્રલ લંડનના પાર્લામેન્ટ સ્વકેર અને ક્વીન એલીઝાબેથ સેન્ટર સામે એકત્ર થઇને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. આનંદની વાત એ હતી કે મોદીજીના સ્વાગત માટે ઉમટી પડેલા લોકોમાં કાશ્મિરથી કન્યાકુમારી અને આસામથી ગુજરાત સુધીના અબાલવૃધ્ધ સૌ કોઇ જોડાયા હતા. કોઇ પણ નાત - જાત કે પ્રાંત-ભાષાના ભેદભાવ વગર સૌ હોંશભેર મોદીજીને આકારવા જોડાયા હતા. સૌ કોઇને આશા હતી કે વડાપ્રધાન મોદી તેમને અલપઝલપ દર્શન આપશે, પરંતુ તે કમનસીબે શક્ય બન્યું ન હતું.

'યે પ્રિત જહાં કી રીત સદા' જેવા દેશભક્તિ ગીતો, વંદે માતરમ્, ભારત માતા કી જય, હર હર મોદી - ઘરઘર મોદી, ભારત કા નેતા કેસા હૌ - નરેન્દ્ર મોદી જેસા હો, વી લવ મોદી, વિશ્વ જગે હિન્દુ જગે' જેવા ગગનભેદી નારાઅોના જયકાર સાથે ઉમટી પડેલા ભારતીયોએ સાબીત કરી દીધું હતું કે તેઅો પોતાના નેતા પરત્વે કેવો ઉત્સાહ, જોમ અને લાગણી ધરાવે છે. મોદીજીની અગાઉની મુલાકાત વખતે કરાયેલા પ્રતિક દેખાવોને લક્ષમાં લઇને આ વખતે ફ્રેન્ડ્સ અોફ ઇન્ડિયન સોસાયટી ઇન્ટરનેશનલ અને અન્ય ભારતીય સંગઠનોએ પહેલેથીજ તકેદારી રાખીને પૂરા જોશ અને ઉમંગભેર મોદીજીના સ્વાગતની તૈયારીઅો આદરી દીધી હતી. વ્યવસ્થા જળવાઇ રહે તે આશયે ઇવેન્ટ્્સ બ્રાઇટ દ્વારા સૌનાનામની નોંધણી કરાઇ હતી. સૌના આશ્ચર્ય સાથે બપોર થતા પહેલા તો પાર્લામેન્ટ સ્કવેરમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા.

સ્ટ્રેધામના આશ્રમ ખાતે રહેતા ૮૯ વર્ષના કમળાબેન પટેલ પોતાના સાથે રમાબેન પટેલ (૮૪ વર્ષ), વીમળાબેન પટેલ (૮૪ વર્ષ) અને જશોદાબેન પટેલને લઇને આવ્યા હતા. તો યાશ્ના રબારી નામની યુવતી પોતાના બે વર્ષના પુત્ર રૂષીલને પ્રામમાં બેસાડીને સપરિવાર મોદીજીનું સ્વાગત કરવા આવી હતી. મોટાભાગના લોકો સવારે ૧૦ પહેલા ઘરેથી નીકળશે અને સાંજના ૬ પછી ઘરે પહોંચશે તેવી સ્થિતીને પારખીને FISIના અગ્રણીઅોએ સૌ માટે ફૂડ પેકેટની તૈયારી કરી હતી. મોદીને આવકારવા ઉમટી પડેલા ભારતીયોએ પણ મહેમાનગતી માણવાની કોઇ તક જતી કરી નહોતી. ગુજરાત સમાચારના પ્રતિનિધિઅો સહિત અન્ય મિડીયા કર્મીઅો અને સાથી ભારતીયોને સાથે લાવેલ પેક લંચ, સુકો નાસ્તો, ચોકલેટ્સ વહેંચ્યા હતા.

વિવિધ ભારતીય સંગઠનો અને એમાં પણ મહિલા સંગઠનો પૂરી તૈયારી સાથે પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં સજ્જ થઇને આવ્યા હતા અને નૃત્યો કર્યા હતા.

ઇન્ડિયન લેડીઝ યુકે, નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ, નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ, સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી, ઉત્તરાખંડ વેલ્ફેર એસોસિએશન્સ, ઇન્ડો યુરોપિયન કાશ્મિર ફોરમ, યુકે દેવભૂમિ ટ્રસ્ટ – વેસ્ટ મિડલેન્ડ્સ, ઢોલ બીટ્સ યુકે, બિહારી કનેક્ટ યુકે, હિન્દુ ફોરમ અોફ બ્રિટન, BAPS સાઉથ લંડન, અનુપમ મિશન, બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન, અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપી, ઇન્ડિયન લેડીઝ ઇન યુકે, પીનાક્સ ગૃપ અોફ હેરો, બેટી બચાવો-બેટી પઢાઅો ગૃપ,  ઇન્સપાયરીંગ ઇન્ડીયન વીમેન, મિત્ર મંડળ, કન્નડા કોમ્યુનીટી, યોગી પરિવાર ક્રોયડન, આશ્રમ સ્ટ્રેધામ, વીમેન ટુ વીમેન ઇન્ટરનેશનલ ગૃપ, યંગ ઇન્ડિયન વેજીટેરિયન સોસાયટીના અગ્રણીઅો અને સદસ્યો સહિત મોટી સંખ્યામાં લોકો બુધવારે કામનો દિવસ હોવા છતાં ઉપસ્થિત રહ્યા હતા.

મોદીજીને આવકારવા માટે ઉત્સાહ એટલો તિવ્ર હતો કે ભારતીયો દ્વારા કરાતા સુત્રોચ્ચારો સામે ભારત વિરોધી દેખાવકારોના સુત્રોચ્ચારો દબાઇ જતા હતા. અમુક ભારત વિરોધી દેખાવકારોએ ભારતીયોને લલકારવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઇ ઉગ્રતા બતાવ્યા વગર જ ભારતીય જુથોએ સુત્રોચ્ચારો કરવાનું ચાલુ રાખ્યું હતું જેને કારણે ભારત વિરોધીઅો નાસીપાસ થઇ ગયા હતા. ભારતીયો આટલી મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી કોઇ શક્યતા નહિં દેખનાર ભારત વિરોધીઅો છેલ્લે હતાશ થઇ ગયા હતા અને તેમણે ભારતના રાષ્ટ્ર ધ્વજને ફાડી નાંખ્યો હતો અને મહિલા પત્રકાર લવિના ટંડનને ધક્કે ચઢાવ્યા હતા. ભારત વિરોધીઅો સામે પગલા લેવા માટે ફીસી દ્વારા કરાયેલી અોનલાઇન પીટીશનને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો છે અને આ અહેવાલ લખાય છે ત્યારે મંગળવારે સાંજના ૫-૪૫ કલાકે ૧૩૨૭૫ લોકો પીટીશનમાં સહી કરી ચૂક્યા છે. આપ પણ જો સહી કરવા માંગતા હો તો https://bit.ly/2HP7vYz વેબસાઇટ લિંક પર જઇ પીટીશન પર સહી કરી શકો છો. ફીસી દ્વારા સર્વે ભારતીયોને અપીલ કરાઇ છે કે પોતાના વિસ્તારના એમપીને પત્ર લખીને આ અંગે રજૂઆત કરે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter