વિદેશમાં વસતો એક એક ભારતીય વ્યક્તિ ભારતનો એમ્બેસડર છે: વિજય ચૌથાઇવાલે

- કમલ રાવ Tuesday 06th January 2015 09:27 EST
 
પ્રસ્તુત તસવીરમાં ડાબેથી ડો. આનંદ આર્ય, અમીત તિવારી, વિજયભાઇ, સીબી પટેલ અને લાલુભાઇ પારેખ.
 

અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપી અને ફોરેન અફેર્સ સેલના નવનિયુક્ત ઇનચાર્જ શ્રી વિજય ચૌથાઇવાલેએ તાજેતરમાં 'ગુજરાત સમાચાર' કાર્યાલયની મુલાકાત લીધી હતી. શ્રી વિજયભાઇએ આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે 'બ્રિટન હોય કે અમેરિકા કે પછી અન્ય કોઇ દેશ. વિદેશમાં વસતો એક એક ભારતીય વ્યક્તિ ભારતનો એમ્બેસડર છે અને તે ભારતના વડાપ્રધાન મોદીજી અને સરકારના એજન્ડાનું પ્રતિનિધત્વ કરી શકે છે. તેઅો ભારતના આર્થિક બદલાવના મીઠા ફળ મેળવી શકશે'

મૂળ મહારાષ્ટ્રના નાગપુરના વતની અને યુવાવયથી જ આરએસએસ સાથે સક્રિય એવા શ્રી વિજયભાઇએ માઇક્રોબાયોલોજી (મોલેક્યુલર અને સેલ બાયોલોજી)માં પીએચડી મેળવ્યા બાદ ચાર વર્ષ અમેરિકાના બાથસેડા સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ અોફ હેલ્થમાં ચાર વર્ષ સેવા આપી હતી. તે પછી તેઅો ટોરેન્ટ ફાર્માસ્યુટીકલ, અમદાવાદમાં જોડાયા હતા અને લાગલગાટ ૧૮ વર્ષ સુધી દવાઅોના સંશોધનો માટેના વિભાગના વડા તરીકે સેવા આપી હતી. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની ત્રણ ટર્મના કાર્યકાળ દરમિયાન તેમના એક એક કાર્ય પર નજર રાખનાર શ્રી વિજયભાઇને ભરતીય જનતા પક્ષ તરફથી શ્રી મોદીની ચૂંટણી પ્રચાર ઝુંબેશમાં જોડાવા માટે વિનંતી થતા શ્રી વિજયભાઇ નોકરીમાંથી રજા મૂકીને પ્રચારમાં જોડાયા હતા.

પક્ષપ્રમુખ શ્રી અમિત શાહે સાતેક સપ્તાહ પહેલા અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપી અને ફોરેન અફેર્સ સેલના ઇનચાર્જ તરીકે શ્રી વિજયભાઇની નિમણુંક કરી હતી. વિજયભાઇએ લંડન આવતા પહેલા અમેરિકામાં અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપીના કન્વેન્શનને સંબોધન કર્યું હતું જેમાં અમેરિકાના વિવિધ વિસ્તારોમાંથી ૭૦ ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વિજયભાઇએ યુકેમાં તેની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન પણ સ્થાનિક અગ્રણીઅોની મુલાકાત લઇ વ્યાપક ચર્ચાઅો કરી હતી અને સ્થાનિક સરકાર તેમજ સ્થાનિક રાજકારણીઅો સાથે ઘરોબો સઘન બનાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત ઇન્ડો યુકે રીલેશન મજબૂત બનાવવા અને સામાજીક સંપર્ક સઘન બને તે માટે વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવા ચર્ચા વિચારણા કરી હતી. આ ઉપરાંત મોદીજીના 'મેક ઇન ઇન્ડિયા' કેમ્પેઇનને વિદેશ અને ખાસ કરીને યુકેમાંથી વધુ મદદ મળી રહે તે આશયે સહયોગ આપવા સૌને અપીલ કરી હતી.

તેમના પત્ની શિક્ષીકા તરીકે અમદાવાદમાં સેવા આપતા હતા અને હવે તેઅો સપરિવાર દિલ્હી જનાર છે. શ્રી વિજયભાઇની સાથે અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપીના પ્રમુખ શ્રી લાલુભાઇ પારેખ, સેક્રેટરી શ્રી અમીત તિવારી તેમજ સામાજીક કાર્યકર અને એચએચએસના અગ્રણી ડો. અનંદ આર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter