લંડનઃ કિડબ્રુક વિસ્તારમાં થોમસ ટેલિસ સ્કૂલના અંગ્રેજી ભાષાના શિક્ષકે શેક્સપિયરની ટ્રેજેડી મેકબેથ વિશે ભણાવતી વખતે કિશોર વયના ૬૦થી વધુ વિદ્યાર્થીને હોમવર્ક તરીકે સ્યૂસાઇડ નોટ લખી લાવવા જણાવતાં યુકેમાં મોટો વિવાદ સર્જાયો છે. વિવાદના પગલે શાળાએ તત્કાળ માફી માગવી પડી છે.
શિક્ષકે મેકબેથ પોતાનો જીવ લે છે તે સીન સમજાવ્યા બાદ વિદ્યાર્થીઓને તેમના પ્રિયજનને આખરી નોંધ લખવાનું હોમવર્ક આપ્યું હતું. જો કે, આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓનાં માતા-પિતાઓમાં ભારે રોષ ફેલાયો હતો. તેમણે આ નિર્ણયને ઘૃણાજનક અને અસંવેદનશીલ ગણાવી થોમસ ટેલિસ સ્કૂલની સંવેદનશીલતાના અભાવને વખોડ્યો હતો. શાળાની હેડમિસ્ટ્રેસ કેરોલિન રોબર્ટે માતા-પિતાઓ સાથે બેઠક યોજી શાળા વતી માફી માગી હતી.

