લંડનઃ બનાવટી ઓળખ અને ચોરાયેલી ચેકબુક્સનો ઉપયોગ કરીને કાઉન્સિલ ટેક્સના રિફન્ડ તરીકે કરદાતાઓના ૩૩ હજાર પાઉન્ડ ઓળવી જનાર વિરેન અમીનને હેરો ક્રાઉન કોર્ટે ૧૪ માસ જેલની સજા ફરમાવી છે. વિરેને છેતરપિંડીના ૨૭ ગુના કબૂલ્યા હતા. તેણે માર્ચ ૨૦૧૩થી ઓગસ્ટ ૨૦૧૪ના અરસામાં આચરેલા આ કૌભાંડમાં બાર્નેટ કાઉન્સિલ પાસેથી ૨૮ હજાર પાઉન્ડથી વધુ અને મેર્ટોન કાઉન્સિલ પાસેથી ૪ હજાર પાઉન્ડથી વધુ રકમ મેળવી હતી.
બાર્નેટ કાઉન્સિલની કોર્પોરેટ એન્ટી-ફ્રોડ ટીમ (સીએએફટી)ની વિસ્તૃત તપાસમાં હેરોના પિનેર રોડ પર રહેતા ૩૯ વર્ષના વિરેન અમીને ખોટી આઇડેન્ટીટીનો ઉપયોગ કરી પ્રોપર્ટીસ માટે નવા કાઉન્સિલ ટેક્સ એકાઉન્ટ્સ ખોલાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ પછી, તે પોસ્ટ ઓફિસોની મુલાકાત લઈને કાઉન્સિલ ટેક્સની સંપૂર્ણ ચૂકવણી કરવા માટે ચોરાયેલા ચેક્સનો ઉપયોગ કરતો હતો. થોડા સમય પછી એકાઉન્ટ્સ બંધ કરી દઇને રિફન્ડ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા માટે કાઉન્સિલને વિનંતી કરતો હતો. આમ, તે સ્થાનિક સત્તાવાળાઓ સાથે છેતરપિંડી આચરતો હતો. જોકે, રિફન્ડ્સ સિસ્ટમમાં ફેરફાર થવાના કારણે હવે આ પ્રકારની છેતરપિંડી આચરવી શક્ય રહી નથી.
સાત મહિના લાંબી તપાસમાં કોર્પોરેટ એન્ટી-ફ્રોડ ટીમના અધિકારીઓને બાર્નેટ કાઉન્સિલ સાથે ફ્રોડના ૨૦ અને મેર્ટોન કાઉન્સિલ સાથેના સાત આર્થિક વ્યવહારમાં વિરેન અમીનની સંડોવણી જોવા મળી હતી. કાઉન્સિલના ઓફિસરોએ વિરેન અમીન સાથે સંકળાયેલા બેન્ક એકાઉન્ટ્સમાં રિફન્ડ્સ જમા થવાના રેકોર્ડ્સ તેમ જ પોસ્ટ ઓફિસોના વિવિધ કાઉન્ટરો પરથી ચોરાયેલાં ચેક્સ જમા કરાવતા અમીનની ક્લોઝ્ડ સર્કીટ ટીવીની તસવીરો પણ મેળવી હતી.
વિરેન અમીનને સજા ફરમાવતા કોર્ટ રેકોર્ડર જે. સી. રુઝ - ક્યુસીએ જણાવ્યું હતું કે, ‘આ કરદાતાઓને છેતરીને મોટી રકમ પડાવવાનું ઊંડું કાવતરું છે. લાંબા સમયથી ચાલી રહેલી આ છેતરપિંડી માટે નોંધપાત્ર આયોજન જરૂરી બને છે. આવા ગંભીર અપરાધ માટે કસ્ટડીની સજા જ વાજબી ગણાય તેવું મારું માનવું છે.’
બાર્નેટ કાઉન્સિલના લીડર કાઉન્સિલર રિચાર્ડ કોર્નેલિયસે કહ્યું હતું કે, ‘આ તો કરદાતાઓની મોટી રકમ ખિસ્સાભેગી કરવાની આયોજનબદ્ધ છેતરપિંડી છે. સિસ્ટમ સાથે છેતરપિંડી કરનારા કોઈને પણ પકડી લેવાશે અને કોર્ટ દ્વારા તેનો ન્યાય તોળવામાં આવશે તેવો સ્પષ્ટ સંદેશ આ કેસ પરથી મળે છે. ઓફિસરો દ્વારા કરાયેલી લાંબી અને ઊંડાણભરી તપાસ કાઉન્સિલની કોર્પોરેટ એન્ટિ-ફ્રોડ ટીમની મહેનત અને કૌશલ્ય દર્શાવે છે.’