વિશ્વના ૧૦૦ તવંગરની યાદીમાં ચાર ભારતીય

Saturday 07th February 2015 06:22 EST
 
 

લંડનઃ વિશ્વના ૧૦૦ મહાધનાઢ્યોની યાદીમાં ભારતના ચાર ધનકુબેર મુકેશ અંબાણી, દીલિપ સંઘવી, પલોનજી મિસ્ત્રી અને પરિવાર તેમ જ અઝીમ પ્રેમજીએ સ્થાન હાંસલ કર્યું છે. આ યાદીમાં સૌપ્રથમ વખત બ્રિટન અને રશિયાની સરખામણીએ ભારતીય બિલિયોનેર્સની સંખ્યા વધુ છે.

ચીનસ્થિત હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૧૫ અનુસાર સમગ્ર વિશ્વમાં ૨૦૮૯ બિલિયોનેર્સની વિક્રમી સંખ્યામાં $૮૫ બિલિયનની સંપત્તિ સાથે બિલ ગેટ્સ પ્રથમ અને $૮૩ બિલિયનની સંપત્તિ સાથે મેક્સિકન ટાયકૂન કાર્લોસ સ્લિમ દ્વિતીય ક્રમે છે, જ્યારે વોરેન બફેટ $૭૬ બિલિયનની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝૂકેરબર્ગ પ્રથમ વખત ટોપ-૧૦ની યાદીમાં દાખલ થયા છે.

ટોપ ૧૦૦ ગ્લોબલ રિચ લિસ્ટમાં રિલાયન્સના વડા મુકેશ અંબાણી $૨૦ બિલિયનની સંપત્તિ સાથે ૪૧મા ક્રમે, સન ફાર્માના દીલીપ સંઘવી $૧૭ બિલિયનની સંપત્તિ સાથે ૫૩મા ક્રમે, તાતા સન્સના પલોનજી મિસ્ત્રી અને પરિવાર $૧૬ બિલિયનની સંપત્તિ સાથે ૬૦મા ક્રમે તેમ જ વિપ્રોના અઝીમ પ્રેમજી $૧૪ બિલિયનની સંપત્તિ સાથે ૭૪મા ક્રમે છે. ભારતીય મહાકુબેરોની સંયુક્ત સંપત્તિ $૨૬૬ બિલિયન છે.

ભારત ૯૭ બિલિયોનેર્સ સાથે હરણફાળ ભરી રશિયા (૯૩) અને યુકે (૯૦)ને પાછળ રાખી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું છે. જોકે, પ્રથમ સ્થાને યુએસ (૫૩૭) અને દ્વિતીય સ્થાને ચીન (૪૩૦) છે. ભારતીય ધનકુબેરોની સંખ્યામાં ૨૭નો વધારો થયો છે, જ્યારે સમગ્ર વિશ્વમાં ૨૨૨ બિલિયોનેર્સ વધ્યા છે. ૪૦ ધનકુબેરની વય ૪૦ વર્ષથી નીચેની છે, જેમાં ૨૫ ટકા મહિલા છે. સૌથી વધુ-૨૯૭ બિલિયોનેર્સ ટેકનોલોજી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ૨૩ અને ૧૪ બિલિયોનેર્સ અનુક્રમે મેન્યુફેક્ચરિંગ અને ફાર્મા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ૨૨ અબજપતિએ સ્વમહેનતથી જ્યારે ૧૮ અબજપતિએ વારસામાં સંપત્તિ મેળવી છે

સુપર-રિચની પસંદગીના સિટી તરીકે ૯૧ બિલિયોનેર્સ સાથે ન્યૂ યોર્ક પ્રથમ ક્રમે યથાવત છે, જ્યારે લંડન ૪૯ બિલિયોનેર્સ સાથે પાંચમા ક્રમે છે. એશિયાના છ શહેરોએ પણ પ્રથમ ૧૦માં સ્થાન હાંસલ કર્યું છે, જેમાં મુંબઈ, હોંગ કોંગ, બેઈજિંગ, શેન્ઝેન, તાઈપેઈ અને શાંગહાઈનો સમાવેશ થાય છે. મોટા ભાગના ભારતીય બિલિયોનેર્સ મુંબઈમાં વસે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter