લંડનઃ લેમ્બોર્જિની, ફેરારી અને પોર્શ જેવી સેકન્ડહેન્ડ વૈભવી કારના વેચાણમાં ખોટા વેટ ક્લેઈમ્સથી £૧.૩ મિલિયનની કમાણી કરનારા મૂળ ભારતીયો મનોજ વ્યાસ (૫૫), તેમના ભાઈ પરેશ વ્યાસ તેમજ બિઝનેસ સાથી સરજુ પોપટ (૪૮)ને સેન્ટ અલ્બાન્સ ક્રાઉન કોર્ટે જેલની સજા ફરમાવી હતી. મનોજ વ્યાસ અને સરજુ પોપટને આઠ વર્ષ સુધી ઓલટ્રેડ પેઢીના ડિરેક્ટર તરીકે કામ કરવા પર પ્રતિબંધ પણ લગાવાયો હતો. મનોજ વ્યાસને ચાર વર્ષ, પરેશ વ્યાસને પાંચ વર્ષ, જ્યારે સરજુ પોપટને સાડા પાંચ વર્ષ જેલમાં રહેવું પડશે.
વ્યાસબંધુઓએ ૨૦૦૯-૨૦૧૧ના ગાળામાં £૨૦૦,૦૦૦ સુધીની કિંમતની દરેક સેકન્ડહેન્ડ વૈભવી કાર લેમ્બોર્જિની, ફેરારી અને પોર્શના વેચાણમાં ટેક્સના નાણા પરત ક્લેઈમ કરવામાં પોપટને મદદ કરી હતી. ઓલટ્રેડના ડિરેક્ટર મનોજ વ્યાસે તેના સેલ્સ ઈનવોઈસીસમાં સંપૂર્ણ વેટનો ચાર્જ કર્યો હતો, જેના પરિણામે કાર ખરીદતી કંપની ઓલટ્રેડને પૂર્ણ રકમની ચુકવણી કરતી હતી. ખરીદનાર કંપનીને ઓલટ્રેડ તરફથી વેટ દર્શાવતા ઈનવોઈસ મળ્યાં હોવાથી તે કંપનીને ચુકવેલા વેટની રકમ HMRC પાસેથી ક્લેઈમ કરી શકતી હતી. જોકે, ઓલટ્રેડ માત્ર નફા પર જ વેટ જાહેર કરતી હોવાથી તેણે HMRCને આ વેટ વિશે જણાવ્યું ન હતું.
આ બધી વૈભવી કાર મુખ્યત્વે આ કૌભાંડમાં સમાન અને સક્રિય સાથીદાર પોપટને વેચવામાં આવતી હતી. તે પોતાને જોઈતી કારની ચોક્કસ બનાવટ, મોડેલ અને સ્પેસિફિકેશનની માહિતી વ્યાસબંધુઓને આપતો હતો. આ પછી પોપટ રાઈટ હેન્ડ કાર્સની વધારે માગ ધરાવતા મલેશિયામાં તેના સાથીને વેચતો હતો,જે આ વાહનોને નિકાસ માટે વેટમુક્ત અને બજારથી ઓછી કિંમતે વેચતો હતો. ઓલટ્રેડ દ્વારા ૧૬૦થી વધુ વાહનો વેચવામાં આવ્યાં હતાં અને તેમના ઈનવોઈસીસમાં સંપૂર્ણ વેટ ચાર્જ કરાતો હતો. તેમણે આ કૌભાંડમાં કુલ £૧,૩૧૩,૫૦૦મેળવ્યા હતા.