વેસ્ટ લંડનમાં ૨૭ માળનું એપાર્ટમેન્ટ આગમાં ખાકઃ અનેકના મૃત્યુની આશંકા

Wednesday 14th June 2017 05:42 EDT
 
 

લંડનઃ વેસ્ટ લંડનમાં લાટમિર રોડ પર આવેલા એક રેસિડેન્સિયલ એપાર્ટમેન્ટમાં વિકરાળ આગ ફાટી નીકળતાં લગભગ બધું જ ખાક થઇ ગયું છે. ૨૭ માળની આ ઇમારતમાં આગ લાગી ત્યારે તેમાં લગભગ ૬૦૦ લોકો હાજર હોવાનું પ્રાથમિક અનુમાન છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મોટા ભાગના લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, પરંતુ કેટલાક લોકો આ દુર્ઘટનામાં માર્યા ગયા હોવાની આશંકા છે. લગભગ ૩૦ લોકોને આસપાસની પાંચ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હોવાના અહેવાલ છે.
આ ઇમારત જૂની છે અને ગયા વર્ષે જ તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. તે સમયે રહેવાસીઓ એપાર્ટમેન્ટની ફાયર સેફ્ટી સિસ્ટમ અંગે ફરિયાદ કરી હતી. ગ્રેનફેલ ટાવર નામની ૨૭ માળની આ ઇમારતમાં કુલ ૧૨૦ ફ્લેટ હતા. મેટ્રોપોલિટન પોલીસે અસરગ્રસ્તોના પરિવારજનો માટે ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરી છે.

સ્થાનિક સમય પ્રમાણે, મંગળવારે મોડી રાત્રે લગભગ સવા વાગ્યે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ૪૦ ફાયર ફાયટર્સ સહિત ૨૦૦ ફાયર બ્રિગેડ જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. લંડન ફાયર બ્રિગેડ સર્વિસના જણાવ્યા અનુસાર લગભગ ૩૦ લોકોને જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાને નજરે નિહાળનારાઓએ જણાવ્યા પ્રમાણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કેટલાક લોકો એપાર્ટમેન્ટની બારીમાંથી પણ બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોવા મળતા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, ઇમારતમાંથી પડતું મૂકનારાઓની ચીસો તેમણે સાંભળી હતી. લંડનના મેયર સાજીદ ખાને ગ્રેનફેલ ટાવરમાં ફાટી નીકળેલી આગને મોટી દુર્ઘટના ગણાવી હતી.
આગ ફાટી નીકળવાની દુર્ઘટનાને કલાકો વીતી જવા છતાં હજુ પણ ૨૭ માળના ટાવરના કેટલાય ફ્લોર પર આગને અંકુશમાં લઇ શકાઇ નથી. આથી ઇમારત તૂટી પડવાનો ખતરો સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે હાઇડ્રોલિક ફાયર ફાયટર્સ માત્ર દસ માળ સુધી જ પાણીનો મારો ચલાવી શકવા સક્ષમ હોવાથી વધુ ઊંચાઇ પરના મજલામાં આગ બૂઝાવવાનું મુશ્કેલ થઇ પડ્યું છે.
અમેઝિંગ સ્પેસીસના પ્રેઝન્ટર જ્યોર્જ ક્લાર્કે રેડિયો ફાઇવ લાઇવને જણાવ્યા અનુસાર, ‘હું ઇમારથી ૧૦૦ મીટર દૂર છું, પરંતુ પૂરેપૂરો રાખથી ઢંકાઇ ગયો છું.’ વિકરાળ અગનજ્વાળાઓ લપકારા મારી રહી હતી ત્યારે તો તેને કેટલાય માઇલ દૂરથી પણ જોઇ શકાતી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter