શાન્તા ફાઉન્ડેશન યુ.કે. દ્વારા શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં રૂા. ૧૮ કરોડના ખર્ચે તૈયાર થનાર ક્રિટીકલ કેર સેન્ટરનો શિલાન્યાસ

Monday 06th March 2017 13:29 EST
 
ભૂમિપૂજન કરી રહેલાં સ્મિતાબેન તથા વિજયભાઇ પટેલ
 

કરમસદઃ કરમસદમાં આવેલી શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર સેન્ટરનું ભૂમિપૂજન ૧૪ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. વિસ્તરણ યોજનાના ભાગરૂપે ક્રિટીકલ કેર સેન્ટરના નવા બિલ્ડિંગમાં શરૂઆતમાં ૧૧૨ આઈસીયુની સગવડ હશે અને ત્યારબાદ ૩૪ પથારીની સગવડનો ઉમેરો કરવામાં આવશે. આ વિસ્તરણની સગવડથી શ્રીકૃષ્ણ હોસ્પિટલ ગુજરાતમાં સૌથી વધુ આઈસીયુ બેડ ધરાવતી હોસ્પિટલ બનશે.

આ યોજનાનો અંદાજિત ખર્ચ રૂ. ૧૮ કરોડ છે. દાતાઓના દાનથી આ ખર્ચને પહોંચી વળવામાં આવશે. આ સેન્ટરના નિર્માણ માટે શાંતા ફાઉન્ડેશન યુ.કે. દ્વારા રૂ. ૮ કરોડ ફાળવવામાં આવ્યા છે. લંડનના દાતાઓમાં શુબીરભાઈ પટેલ તથા વિપીનભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. શાંતા ફાઉન્ડેશનના કો-ચેરમેન વિજયભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતિ સ્મિતા પટેલે આ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું.

આ પ્રસંગે ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન ડો. અમૃતા પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ અતુલભાઈ પટેલ, માનદ્ મંત્રી જાગૃત ભટ્ટ, ગવર્નિંગ કાઉન્સિલ - ગવર્નિંગ બોડીના સભ્યો, સવિતાબહેન અને હીરુભાઈ પટેલ મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના સભ્યો મફતભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, શાંતિભાઈ પટેલ, અમિતભાઈ પટેલ તથા અનુપમ મિશનના પૂ. જશભાઈ સાહેબ હાજર રહ્યા હતા.

આ સેન્ટર ગંભીર સારવાર અર્થે આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ પૂરવાર થશે. હાલમાં હોસ્પિટલમાં ૪૫ આઈસીયુની સગવડ છે. આ તમામ આઈસીયુ દર્દીઓની ભરાયેલા રહે છે જેથી ગંભીર સારવાર અર્થે આવતા દર્દીઓને જરૂરિયાતના અભાવે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આ નવું બિલ્ડિંગ સારવાર અર્થે આવતા દર્દીઓને જરૂરી સારવાર પૂરી પાડવા માટે સજ્જ હશે અને ખાસ કરીને જરૂરિયાતમંદ અને નબળા વર્ગમાંથી આવતા લોકોને જરૂરી સગવડ સાથે સારવાર પૂરી પાડી શકાશે. વિજયભાઇએ જણાવ્યું કે, “જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા ગરીબ દર્દીઅોને અપૂરતા બેડ્સને કારણે જલ્દી ડિસચાર્જ કરવા પડે છે જેના પરિણામે એવા કેસ બગડી જાય છે. અા વિકટ પરિસ્થિતિનો તાગ મેળવ્યા પછી અમે શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ૧૧૦ બેડનું અદ્યતન સવલતવાળું "શાન્તા ફાઉન્ડેશન ક્રિટીકલ કેર હોસ્પિટલ"નું નિર્માણકાર્ય હાથ ધર્યું છે.'

આ નવીન પહેલ ગુજરાત સરકાર સાથે વાયબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૧૭ દરમિયાન કરેલા રૂ. ૫૦ કરોડના એમઓયુના ભાગરૂપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter