શ્રીયેન દેવાણીના પ્રત્યાર્પણ પાછળ £૨.૫ લાખનો ખર્ચ

Wednesday 07th January 2015 05:31 EST
 
 

કેર હોમ ટાયકૂન દેવાણીએ તેની નવવિવાહિત પત્નીની હત્યા કરાવવાનું ષડયંત્ર ઘડ્યું હોવાનો આરોપ હતો, જેની ટ્રાયલ સાઉથ આફ્રિકામાં ચલાવવાની હતી. ડેઈલી મિરરના અહેવાલ અનુસાર દેવાણીના પ્રત્યાર્પણ તરફ દોરી ગયેલી સુનાવણીઓમાં ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ દ્વારા વરિષ્ઠ વકીલોને ૮૭,૯૦૮ પાઉન્ડ અને જુનિયર વકીલોને ૪૮,૬૧૨પાઉન્ડની ચુકવણી કરાઈ હતી. દેવાણીને માનસિક આરોગ્યની સમસ્યાઓ હોવાનું નિદાન કરાયા પછી તેના સાઈકિયાટ્રિક રિપોર્ટ્સ પાછળ ૨૩,૪૬૪ પાઉન્ડનો ખર્ચ પણ કરાયો હતો. સીપીએસના સોલિસિટર્સે આ કેસ પાછળ ૪૯૬ કલાક ખર્ચ્યા હતા તેની બ્રીફ તૈયાર કરવામાં પ્રતિ કલાક આશરે ૬૯ પાઉન્ડની ચુકવણીના હિસાબે ખર્ચમાં વધુ ૩૪,૦૦૦ પાઉન્ડનો ઉમેરો થયો હતો. આ ઉપરાંત, પોલીસ, ટ્રાન્સપોર્ટ, મેડિકલ તથા અન્ય ખર્ચાને ગણીએ તો કુલ ખર્ચ અઢી લાખ પાઉન્ડ જેટલો થવા પામે છે. અહેવાલમાં જણાવાયું છે કે, હોમ ઓફિસ અને સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા પણ પ્રત્યાર્પણ પ્રક્રિયા પાછળ કરાયેલા ખર્ચનો આમાં સમાવેશ કરાયો નથી.

દક્ષિણ આફ્રિકાની કોર્ટના જજ જેનેટ ટ્રાવર્સોએ કેસ ફગાવી દેવા સાથે જણાવ્યું હતું તેમ આ કેસમાં અનેક પ્રશ્નો ઉત્તરવિહોણા જ છે. આ કેસમાં શ્રીયેન દેવાણીએ કોર્ટમાં સાક્ષી તરીકે જૂબાની આપી ન હતી અને એક નિવેદનમાં તે બાયસેક્સ્યુઅલ હોવાની કબૂલાત કરી હતી. આના પરિણામે, શ્રીયેનને લગ્નમાં રસ ન હોવાથી અનીને દૂર કરવા કાવતરું ઘડ્યું હોવાની ફરિયાદ પક્ષની દલીલો અર્થહીન બની ગઈ હતી. શ્રીયેન દેવાણીને મુક્ત કરવાના કોર્ટના નિર્ણયથી અનીના પરિવારમાં દેખીતી રીતે જ નિરાશા અને રોષ પ્રવર્તે છે. અનીના પિતા વિનોદ હિન્ડોચા અને કાકા અશોક હિન્ડોચાએ તો શ્રીયેન વિરુદ્ધ તેની સમલૈંગિકતા છુપાવી લગ્ન કરવા બદલ તેમ જ અની-શ્રીયેનના ભવ્ય લગ્ન પાછળ ખર્ચેલા 200,000 પાઉન્ડનું વળતર મેળવવા યુકેમાં કાનૂની કાર્યવાહી કરવાની સ્પષ્ટતા કરેલી જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter