લંડનઃ લોકો ટીવીને ભલે ઇડિયટ બોક્સ ગણાવતા હોય, પરંતુ નોર્થ યોર્કશાયરમાં રહેતા ૧૦ વર્ષના રવિ માટે તો ટીવી તારણહારણ બન્યું છે એમ કહીએ તો ખોટું નથી. રવિ સૈનીની જિંદગી એક ટીવી ડોક્યુમેન્ટરીના કારણે બચી ગઇ છે.
સમુદ્રમાં તરી રહેલા રવિને ઊંચી ઊંચી લહેરો અડધો કિમી દૂર સુધી ખેંચી ગઇ હતી, પરંતુ રવિએ જરા પણ ડરી જવાના બદલે તરવાનું ચાલુ રાખ્યું. રવિએ બીબીસીની સમુદ્ર આધારિત ટીવી ડોક્યુમેન્ટરી ‘સેવિંગ લાઇવ્સ એટ સી’ અનેક વખત જોઇ હતી. જેમાં આ પ્રકારની પરિસ્થિતિમાં કઇ રીતે તરતું રહી શકાય તેની ટેક્નિક શીખવાડાઇ હતી. રવિ ‘ફ્લોટ ટુ લિવ’ ટેક્નિકની મદદથી લગભગ એક કલાક સુધી તરતો રહ્યો. જેમાં મગજને શાંત રાખીને પીઠના સહારે ઊંધા પડી સ્ટારફિશની જેમ તરતા રહેવા પ્રયાસ કરવાનો હોય છે.
એક કલાક પછી જ્યારે લાઇફગાર્ડર્સ તેના સુધી પહોંચ્યા તો તેઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. લહેરો સામે ઝઝૂમતા ઝઝૂમતા રવિ સારી રીતે તરી રહ્યો હતો અને મદદ માગી રહ્યો હતો.
ભારતવંશી રવિ ઇંગ્લેન્ડના લીડ્સમાં શેફ પિતા નાથુ રામ, માતા પુષ્પાદેવી અને નવ વર્ષની બહેન મુસ્કાન સાથે રહે છે. નાથુ રામે જણાવ્યું હતું કે ૩૧મી જુલાઇના રોજ તેઓ પરિવાર સાથે યોર્કશાયરના સ્કારબરો બીચ પર ફરવા ગયા હતા. સમુદ્રમાં તરતા - તરતા રવિ લહેરોમાં ફસાઇ ગયો હતો અને તણાવા લાગ્યો હતો. અમે રવિને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ ઊંચી લહેરોમાં આગળ વધી શક્યા નહીં. જોત-જોતામાં તો રવિ અમારી આંખોથી દૂર થઇ ગયો.
પિતાને લાગ્યું કે, તેઓ પોતાની નજર સામે પુત્રને મરતો જોઇ રહ્યા છે. જોકે ખરેખર એવું નહોતું. રવિ તેની સૂઝ-સમજદારીના કારણે જિંદગી બચાવવામાં સફળ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોર્કશાયરના રોયલ નેશનલ લાઇફબોટ ઇન્સ્ટિટ્યુશને રવિની બહાદુરીને બિરદાવતાં સન્માન કર્યું હતું.