લંડનઃ ઈતિહાસમાં પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલનું નામ અને કામ કઠોર નિર્ણય લેનારા રાજકારણી તરીકે જાણીતું છે. ૫૭ વર્ષના લગ્નજીવન અને રાજકારણને આજીવન સમર્પિત સર ચર્ચિલ રોમાન્ટિક યુવાન હોવાની વાત કોઈ માની શકે તેમ નથી. પરંતુ ઈતિહાસકારો કહે છે કે યુવાનીમાં ચર્ચિલ નરમ દિલના રોમાન્ટિક હીરો હતા. સોનિયા પુર્નેલના પુસ્તક ‘Her own history, First Lady: the Life and Wars of Clementine Churchill’ માં ચર્ચિલને ક્લેમેન્ટાઈનની દૃષ્ટિએ મૂલવવામાં આવ્યા છે. ચર્ચિલે ખુદ પોતાની જાતને ‘કોઈ પણ અપરિણીત યુવતીની વહારે દોડી જતા શેખીખોર નાયક’ તરીકે ગણાવી છે.
ઈતિહાસકારોના મતે લિજ્જત અને ઉત્સાહ સાથે રોમાન્ટિક જીવન માણતા યુવાન ચર્ચિલને પત્ની શોધવાની જરૂર લાગી હતી. ઈતિહાસકારોના દાવા અનુસાર રંગીન યુવાનીમાં ચર્ચિલ પ્રાઈવેટ સેક્રેટરી અને મિત્ર એડી માર્શ સાથે પાર્ટીઓમાં ભાવિ ગર્લફ્રેન્ડ્સનું મૂલ્યાંકન કરતા રહેતા અને તેમના માટે વિશ્વ જીતી લેવાની ઓફર કરતા હતા. એક ઈતિહાસકારે દાવો કર્યો છે કે ચર્ચિલ કોઈ સમસ્યાને ઉકેલવા પ્રયાસ કરતા તેટલા જ ઉત્સાહથી રોમાન્ટિક લાઈફને માણતા હતા. એવો પણ દાવો કરાયો છે કે પોતાની લગ્નની પ્રથમ રાત્રિએ ચર્ચિલે માતાની સલાહ પણ માગી હતી અને સાસુ લેડી બ્લાન્કેને પત્ર લખી પ્રથમ રાત્રિ સુંદર રહ્યાનું જણાવ્યું હતું.
તેમની પત્ની ક્લેમેન્ટાઈન ચર્ચિલ વિશે પુસ્તકના સંશોધન દરમિયાન ઈતિહાસકાર લેખિકા સોનિયા પુર્નેલ દ્વારા મોડી રાત્રે સેક્રેટરીઓને ડિક્ટેશન માટે બોલાવવી અને ધૂનમાં બાથરુમમાંથી વસ્ત્રો વિના જ બહાર આવી જવા જેવી ચર્ચિલના તરંગીપણા સહિત જીવનની અજાણી વાતો બહાર આવી છે. તેમના બ્રિટનમાં પ્રસિદ્ધ અને લોકપ્રિય રાજપુરુષની રાજકીય અને લશ્કરી તાકાતના આવરણમાં તેમના પત્ની અત્યાર સુધી ભૂલાઈ ગયા હતા. જોકે, પતિ સર ચર્ચિલ પર તેમનો ભારે પ્રભાવ રહ્યો હતો.
ચર્ચિલ વિશે તેઓ સજાતીય-ગે હોવાની અફવાઓ ચાલતી હતી, જેને તાજેતરના ઈતિહાસકારોના પુસ્તકોમાં વજન અપાયું હતું. જોકે, પુર્નેલના સંશોધનમાં આ માત્ર અફવા હોવાનું સ્પષ્ટ કરાયું છે કે ચર્ચિલનું ૫૭ વર્ષ લાંબુ લગ્નજીવન કારકીર્દિલક્ષી નહિ, પરંતુ વાસ્તવિક પ્રેમ હતો. આ પુસ્તક માટે દંપતીના અંગત જીવનનું સાચુ ચિત્ર ઉપસાવવા હાલ જીવતા સ્ટાફે આપેલી માહિતી, ડાયરીઓ અને પત્રોનો ઉપયોગ કરાયો છે.
ચર્ચિલની ભાવિ ગર્લફ્રેન્ડ્સમાં પામેલા પ્લોડેન, શિપિંગ વારસદાર મ્યુરિઅલ વિલ્સન, અભિનેત્રી એથલ બેરીમોર અને મ્યુઝિક હોલની એક યુવતીનો પણ સમાવેશ થયો હતો. ક્લેમેન્ટાઈન સાથે મુલાકાત પછી ચર્ચિલે તેની બુદ્ધિપ્રતિભાને વખાણતા પ્રેમસભર પત્રો લખ્યા હતા અને ચાર મહિના પછી તેમની સાથે લગ્ન કર્યા હતા.