સોફી વોકર લંડન મેયરના ચૂંટણીજંગમાં પ્રથમ મહિલા

Tuesday 05th April 2016 14:49 EDT
 
 

લંડનઃ મે મહિનામાં લંડનના મેયરની ચૂંટણી યોજાવાની છે. લંડનમાં અત્યાર સુધી એક પણ મહિલા મેયરપદે ચૂંટાઈ નથી. તાજેતરમાં રચાયેલ વિમેન્સ ઇક્વલિટી પાર્ટીએ મેયરપદ માટે પાંચ મહિલા દાવેદારમાંથી પક્ષના સૌપ્રથમ ઉમેદવાર તરીકે સોફી વોકરને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉમેદવારી માટે સોફી ઉપરાંત, કેટ મેસી ચેસ, એલિસા લોકવુડ, જોર્જિના બેડનર અને મૂળ ભારતીય હારિણી આયંગર પણ મેદાનમાં હતાં.

બે દીકરી અને બે સાવકા દીકરાની માતા ૪૪ વર્ષીય સોફી રોઈટર્સમાં પત્રકાર રહી ચૂક્યાં છે. તેમણે વર્ષો સુધી રોઈટર્સમાં રિપોર્ટર અને ત્યારબાદ એડિટરની ફરજ બજાવી છે. પત્રકારત્વ માટે પેરિસ, વોશિંગ્ટન, લંડન, ઇરાક, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની યાત્રા કરી ચુકેલાં સોફી બ્લોગ ચલાવે છે, જેમાં માતા અને દીકરીના સંબંધોનું વર્ણન કર્યુ છે અને તેના પર એક પુસ્તક ‘ગ્રેસ અન્ડર પ્રેસર’ તૈયાર કર્યુ છે. સોફી વોકર કહે છે કે,‘અત્યારે હું અસામાન્ય પરિસ્થિતિમાં છું. વિમેન્સ ઈક્વલિટી પાર્ટીના નેતા તરીકે મેં લૈંગિક સમાનતાને વિચારમાંથી ૪૫,૦૦૦ સભ્ય અને સમર્થકોના રાજકીય આંદોલનમાં પરિવર્તિત કર્યું છે. લંડનના મેયરપદ માટે વિમેન્સ ઈક્વલિટીના સૌપ્રથમ ઉમેદવાર તરીકે મેં ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. સોફીએ કહ્યું હતું કે ‘મારાં માટે મત એ તમામ માટેનો મત હશે.’

લંડનની ૪૦ લાખ સ્ત્રીઓ યુકેની સૌથી મોટી વેતનખાઈ, સૌથી ખર્ચાળ ચાઈલ્ડકેર, સૌથી ઊંચા જાતીય હિંસા દર અને બાળગરીબીના સૌથી ઊંચા પ્રમાણ સાથે જીવે છે. તેમણે કહ્યું હતું કે, ‘લંડનના મેયર તરીકે આ મુદ્દાઓ પ્રત્યે બેદરકારી ન સેવાય તેની હું ચોકસાઈ રાખીશ. લંડનની માત્ર અડધી વસ્તી નહિ, પરંતુ તમામને લાભ મળે તેવી મારી યોજના છે.સ્ત્રીઓ સમૃદ્ધ થશે તો પુરુષો પણ સમૃદ્ધ બનશે. જો આપણે લંડનની ૪૦ લાખ સ્ત્રીઓની ગર્ભિત ક્ષમતા કામે લગાવીશું તો આપણે બધાં સારું જીવન જીવી શકીશું. વેતનખાઈ ઘટશે તો ઈકોનોમીની વૃદ્ધિ થશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter