સ્કોટલેન્ડમાં SNP ના હાથે ચૂંટણીમાં સફાયાનો લેબર પાર્ટીને ગભરાટ

Friday 06th February 2015 09:58 EST
 
 

લંડનઃ આગામી મે મહિનાની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીનું સ્કોટલેન્ડમાં ભારે ધોવાણ થવાનું લોકમતના તારણો જણાવે છે. સ્કોટલેન્ડમાં સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટી (SNP)ના હાથે પરાજય તોળાઈ રહ્યો હોવાનું મતદાન તારણોમાં બહાર આવતા લેબર પાર્ટીમાં ગભરાટ છવાઈ ગયો છે. લેબર પાર્ટીની ૪૧ બેઠકમાંથી સ્કોટિશ નેશનાલિસ્ટ્સ ૩૫ બેઠકો આંચકી જશે તેમ લોકમત જણાવે છે. ત્રિશંકુ સરકારના સંજોગોમાં તેનો અવાજ શક્તિશાળી બની રહેશે. લોકમત અનુસાર લેબર પાર્ટી તરફથી સરેરાશ ૨૫ ટકા ઝોક SNP તરફ જશે.

લોર્ડ એશક્રોફ્ટ દ્વારા મુખ્ય સ્કોટિશ બેઠકો પર લેવાયેલા લોકમત અનુસાર SNP ભારે વિજય તરફ જઈ રહી છે. આના પરિણામે લેબર પાર્ટીએ તેના દિગ્ગજ સાંસદોને પોતાની બેઠકો બચાવવા દોડી જવા હિમાયત કરી છે. શેડો ફોરેન સેક્રેટરી ડગ્લાસ એલેકઝાન્ડર, શેડો સ્કોટિશ સેક્રેટરી માર્ગારેટ કુરાન અને સ્કોટલેન્ડમાં લેબર પાર્ટીના પૂર્વ નેતા અનાસ સરવર, ઉભરતા નેતાઓ જેમ્મા ડોયલ અને પામેલા નેશ સહિતના નોંધપાત્ર લેબર સાંસદોને પરાજય સહન કરવો પડે તેમ તારણો કહે છે. લેબર પાર્ટીએ ૨૦૧૦માં ૪૧ બેઠક મેળવી હતી, પરંતુ સ્કોટિશ પાર્ટી તેના ૨૫ ટકા જેટલા મત ખેંચી લઈ ૪૧માંથી ૩૫ બેઠકો મેળવી જશે તેમ પણ તારણો કહે છે.

જાન્યુઆરીમાં આ અભ્યાસ ૧૬ સ્કોટિશ મતક્ષેત્રોના ૧૬,૦૦૦ મતદારોમાં કરાયો હતો, જેમાં ૧૪ મતક્ષેત્ર લેબર પાર્ટી હસ્તક છે. લેબર પાર્ટી હસ્તકની આ બેઠકોમાં ૬૦ ટકા મતદારોએ મે ચૂંટણીમાં લેબર પાર્ટીને જ મત આપવા જણાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter