લંડનઃ સ્ટોનબ્રીજની જમીનની માલિકીના દાવા સાથે બન્ને પક્ષકારો વચ્ચે હાઈ કોર્ટમાં બ્રીજ પાર્ક માટે કાનૂની લડાઈ શરૂ થઈ છે. માઈકલ ગ્રીન QCએ ૨૨ જુલાઈએ હાથ ધરેલી સુનાવણીમાં બ્રેન્ટ કાઉન્સિલના વકીલો તથા પ્રતિવાદીઓ લિયોનાર્ડ જહોન્સન અને સ્ટોનબ્રીજ કોમ્યુનિટી ટ્રસ્ટ (SCT)એ ટેક્નિકલ સમસ્યા વચ્ચે ‘રિમોટ હિયરિંગ’માં ભાગ લીધો હતો. બ્રીજ પાર્ક કોમ્યુનિટી લેઝર સેન્ટરના વેચાણના મુદ્દે ૨૦૧૭થી હાર્લ્સડન પીપલ્સ કોમ્યુનિટી સેન્ટર (HPCC)ના સ્થાપક જહોન્સનના નેતૃત્વ હેઠળ કોમ્યુનિટીની બ્રેન્ટ કાઉન્સિલ સાથે કાનૂની લડાઈ ચાલી રહી છે.
૧૯૮૨માં લંડન ટ્રાન્સપોર્ટની માલિકીનો ઉપયોગમાં ન લેવાતો બસ ડેપો ખરીદીને કાઉન્સિલ અને કોમ્યુનિટી વચ્ચે ‘ભાગીદારી’ થઈ હતી. હવે કાઉન્સિલ પોતાનો જ્યારે, SCT પોતાનો સંપૂર્ણ હક્ક - દાવો હોવાની દલીલ કરે છે.
ડેપોની ખરીદીની બાબતે બ્રેન્ટના કાઉન્સેલ કેથરિન હોલાન્ડ QC ની રજૂઆતના પ્રતિભાવમાં જજ ગ્રીને જણાવ્યું હતું કે આ HPCC નો પ્રોજેક્ટ હતો તે બાબતે કોઈ શંકા નથી. હોલાન્ડે જણાવ્યું હતું કે કોમ્યુનિટીની સહકારી સંસ્થા કાર્યરત થવાની હતી અને પોતાની ભૂમિકા ભજવવાની હતી તેમાં કોઈ શક નથી. પરંતુ, તેમણે ઉમેર્યું હતું કે તેનું સંપાદન બ્રેન્ટ દ્વારા થવાનું હતું અને બ્રેન્ટને સંપૂર્ણ સ્વતંત્રતા હતી અને તે સમયે વૈકલ્પિક ઉપયોગો અને નિકાલની વિચારણા ચાલતી હતી.
પ્રતિવાદી પક્ષના બેરિસ્ટર સ્ટીફન કોટલે દલીલ કરી હતી કે HPCCને ચેરિટેબલ સંસ્થા ગણવી જોઈએ અને જમીનના ટ્રાન્સફર અને વેચાણ પર પ્રતિબંધ યથાવત રાખવો જોઈએ. તેમણે કહ્યું કે ૧૯૮૧માં બ્રિક્સટન અને ટોક્સટેથને ભોગ બનાવનારા રમખાણોને ટાળવા માટે કોમ્યુનિટી આ બિલ્ડિંગ ખરીદવા માગતી હતી. તેમણે ઉમેર્યું કે બ્રેન્ટ કાઉન્સિલે બિલ્ડિંગ ખરીદ્યું પરંતુ, તેનું ફંડિંગ ગ્રેટર લંડન કાઉન્સિલ (GLC) અને ચેરિટેબલ સ્રોતો સહિતના સ્રોતો પાસેથી આવ્યું હતું.
બ્રેન્ટના ભૂતપૂર્વ વડા થોમસ બ્રાયસને જણાવ્યું કે ૧૯૮૧માં નાણાંકીય પરિસ્થિતિ તંગ હતી. કાઉન્સિલે પ્રોજેક્ટ ચલાવવા માટે GLC અને અન્યો પાસેથી નાણાં લીધા હતા. તેમાં ભાગીદારીનો હેતુ હતો. અમે એકલા તે પ્રોજેક્ટ કરી ન શક્યા હોત.