હવે કુલડીઓમાં તાજી હવાનું વેચાણ

Tuesday 18th August 2015 07:51 EDT
 
 

લંડનઃ એમ કહેવાય છે કે સાચું માર્કેટિંગ તો ટ્રુંડ્ર પ્રદેશમાં આઈસ્ક્રીમ અને ટાલિયાને કાંસકો વેચવામાં છે. ઘણાં વીરલાઓએ ચંદ્ર અને મંગળ પર જમીનના પ્લોટ્સનું વેચાણ કર્યું છે અને તેને ખરીદનારા સાહસિકો પણ છે. આવા જ એક નુસખામાં એક નોવેલ્ટીઝ કંપનીએ ‘શ્રોપશાયરની તાજી હવા’નું વેચાણ શરૂ કર્યું છે અને તેના દાવા અનુસાર સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

ફન ફેવર્સ નોવેલ્ટીઝ કંપનીની માલિકણ રાચેલ મૂરક્રોફ્ટ દાવો કરે છે કે તેના બ્રિજનોર્થ ગાર્ડનની પછીતે ‘શ્રોપશાયરની તાજી હવા’ કુલડીઓમાં ભરવામાં આવે છે અને ગરમી દ્વારા તેને સીલ કરવામાં આવે છે. આ કુલડીઓ એક પાઉન્ડના ભાવે ઈબે પર વેચવામાં આવે છે. વતનની બહાર રહેતાં લોકોને વતનની યાદ મળતી રહે તે માટે સ્વાભાવિકપણે કુલડીઓમાં ભરેલી તાજી હવાથી શ્રોપશાયરનો અનુભવ માણી શકશે.

આવા જ એક કિસ્સામાં ચાઈનીઝ આર્ટિસ્ટ લિઆંગ કેગાંગે એપ્રિલ ૨૦૧૪માં ફ્રેન્ચ પર્વતીય હવા ભરેલી બરણીનું વેચાણ ૫,૨૫૦ યુઆન (£૪૯૪)માં કર્યું હતું. તે પ્રોવેન્સના બિઝનેસ પ્રવાસે ગયો ત્યારે પર્વતીય હવા બરણીઓમાં ભરી હતી. જોકે તેનો મૂળ ઈરાદો તો બેઈજિંગમાં હવાની ગુણવત્તા અંગે કટાક્ષનો હતો. એક ચાઈનીઝ બિઝનેસમેને વાયુ પ્રદુષણ સ્તર વધી ગયું ત્યારે ચોખ્ખી હવા ભરેલા લાખો કેન્સ વેચીને કમાણી કરી લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter