લંડનઃ લંડનના મેયર સાદિક ખાને હેરો-ઓન-ધ-હિલ સ્ટેશન પર પગથિયા ચડીને જવાને બદલે વૈકલ્પિક સુવિધાથી સહેલાઈથી પહોંચી શકાય તે માટેની ‘સ્ટેપ ફ્રી’ યોજનાની જાહેરાત કરી હતી. લંડનના મેયરે કરેલી જાહેરાતને આવકારવા અને હેરો-ઓન-ધ-હિલ સ્ટેશન માટે પગથિયા વિના પહોંચી શકાય તેવા રસ્તાની માગના અભિયાનની સફળતાની ઉજવણી કરવા માટે લંડનની બ્રેન્ટ અને હેરો એસેમ્બલીના મેમ્બર નવિનભાઈ શાહ અને સ્થાનિક જૂથોના સભ્યો હેરો-ઓન-ધ-હિલ સ્ટેશન ખાતે એકઠા થયા હતા.
આ અભિયાનનું નેતૃત્વ નવિનભાઈ શાહ અને હેરો એસોસિએશન ઓફ ડિસેબલ પીપલ, હેરો મેનકેપ અને એજ યુકે હેરો જેવા ગ્રૂપ્સે સંભાળ્યું હતું. લેબર પાર્ટીના નવિનભાઈ શાહે જણાવ્યું હતું કે,‘ હેરો-ઓન-ધ-હિલ સ્ટેશને પહોંચવા માટે પગથિયા વિનાના રસ્તાની મેયર ખાને કરેલી જાહેરાતને હું આવકારું છું. હું આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે સ્થાનિક રહીશોના ગ્રૂપ અને હેરો એસોસિએશન ઓફ ડિસેબલ્ડ પીપલ અને હેરો મેનકેપ જેવી સંસ્થાઓ સાથે છેલ્લા ૧૦ વર્ષથી ઝુંબેશ ચલાવી રહ્યો છું.’
તેમણે ઉમેર્યું હતું કે,‘ પૂર્વ મેયર બોરિસ જ્હોન્સને ફંડિંગ બંધ કરી દીધું હતું અને આ સ્ટેશન પર સરળતાથી પહોંચવા માટેના કામને અટકાવી દીધું હતું. તેઓ વિકલાંગ, વૃદ્ધો અને બગીસ સાથે પેરન્ટ્સ માટે સ્ટેશને પહોંચવાની અપૂરતી સુવિધા વિશે વધતી ચિંતાનો યોગ્ય પ્રતિભાવ આપવામાં નિષ્ફળ ગયા હતા. ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા સુધારવા માટે ઝડપી કાર્યવાહી કરવા બદલ હું સાત મહિના અગાઉ જ સિટી હોલમાં આવેલા મેયર ખાન અને ડેપ્યુટી મેયર ફોર ટ્રાન્સપોર્ટ વાલ શોક્રોસનો આભાર માનું છું.’