૧૪.૨ મિલિયન જેટલા પેશન્ટ્સને સપ્તાહ સુધી જીપી એપોઈન્ટમેન્ટની રાહ જોવી પડે છે

Monday 06th July 2015 06:45 EDT
 
 

લંડનઃ NHSના જીપી પેશન્ટ સર્વે ફોર ઈંગ્લેન્ડના અભ્યાસના તારણો અનુસાર ગયા વર્ષે ૧૪.૨ મિલિયન પેશન્ટ્સને જીપીની મુલાકાત લેવા એક સપ્તાહ કે તેથી વધુ સમયની રાહ જોવી પડી હતી. ડોક્ટર્સની અછત અને પેશન્ટ્સની વધતી સંખ્યાના કારણે રાહ જોતાં પેશન્ટ્સની સંખ્યામાં માત્ર ચાર વર્ષમાં ૪૦ ટકાનો વધારો થયો છે. પ્રતિભાવકોમાંથી ૭૩ ટકાએ શનિવારે અને ૪૦ ટકાએ રવિવારે સ્થાનિક ડોક્ટરની સર્જરી ખુલ્લી રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. કેટલાક પેશન્ટે એપોઈન્ટમેન્ટ માટે ત્રણથી ચાર સપ્તાહ રાહ જોવી પડી હતી, જ્યારે ઘણાંને કોઈ એપોઈન્ટમેન્ટ જ અપાઈ ન હતી. પેશન્ટ્સ એસોસિયેશનના ચીફ એક્ઝીક્યુટિવ કેથેરાઈન મર્ફી કહે છે કે, ‘કોઈ પેશન્ટે જીવીને મળવા એક સપ્તાહ રાહ જોવી પડે તે અસ્વીકાર્ય છે.’

જુલાઈ ૨૦૧૪થી માર્ચ ૨૦૧૫ સુધીના NHSના જીપી પેશન્ટ સર્વેમાં ૮૫૦,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. જેમાં જાણવા મળ્યુ હતું કે ૧૧ ટકા પેશન્ટને એપોઈન્ટમેન્ટ અપાઈ જ હતી અને વધુ ૧૫ ટકાએ એટલે કે વસ્તીના ૨૬ ટકાએ સપ્તાહ અથવા તેથી વધુ સમય રાહ જોવી પડી હતી. આની સામે ૨૦૧૧માં ૧૦.૭ મિલિયન પેશન્ટ્સને એપોઈન્ટમેન્ટ માટે સપ્તાહ સુધી રાહ જોવી પડી હતી.

બીજી તરફ, દરરોજ ૬૧,૦૦૦ પેશન્ટ તેમની એપોઈન્ટમેન્ટ છતાં જીપીની મુલાકાત લેતા નથી. જીપીની એક એપોઈન્ટમેન્ટ પાછળ NHSને £૨૩નો ખર્ચ થાય છે. સમયના આ બગાડથી NHSને વાર્ષિક £૩૨૦ મિલિયનથી વધુનું નુકસાન જાય છે, જે ૧,૩૦૦ ડોક્ટરના વાર્ષિક કામગીરી જેટલું થાય છે. હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે સ્પષ્ટ કર્યું હતું કે આવા પેશન્ટ પાસેથી ચાર્જ વસૂલ કરવાના તેઓ વિરોધી નથી.

સરકાર કહે છે કે આગામી માર્ચ સુધીમાં ૧૮ મિલિયન લોકો સપ્તાહના સાતેય દિવસ ૧૨ કલાક જીપી ક્લિનિકની સુવિધા મેળવતા થઈ જશે. વડા પ્રધાન કેમરનના ચેલેન્જ ફંડમાં ૧૦ મિલિયનનું રોકાણ કરાયું છે અને ૧૮ મિલિયન પેશન્ટને આવરી લેતી ૨૫૦૦ સર્જરીઝ તેમાં સામેલ થઈ છે. સપ્તાહના સાતેય દિવસ ક્લિનિક ખુલ્લાં રાખવાની સરકારની આ યોજનામાં સામેલ ૨૫ ટકાથી વધુ સર્જરીઝે પેશન્ટ્સ આવતા ન હોવાની દલીલ સાથે વીકએન્ડ અને સાંજની વધારાની એપોઈન્ટમેન્ટ્સમાં કાપ મૂક્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter