૨૦ વર્ષીય વિદ્યાર્થિની માહિરી બ્લેક સૌથી યુવાન સાંસદ

Tuesday 12th May 2015 14:33 EDT
 
 

લંડનઃ SNPની ૨૦ વર્ષીય વિદ્યાર્થિની ઉમેદવાર માહિરી બ્લેક ૧૬૬૭ પછી દેશની સૌથી યુવાન સાંસદ બનવાનું બહુમાન મેળવી ગઈ છે. મિસ બ્લેકે પેઈસ્લી એન્ડ રેન્ફ્રયુશાયર સાઉથ બેઠક પરથી લેબર પાર્ટીના માંધાતા અને પૂર્વ શેડો ફોરેન સેક્રેટરી ડગ્લાસ એલેકઝાન્ડરને પરાજિત કર્યા છે. ફૂટબોલ અને મ્યુઝિકની શોખીન માહિરી બ્લેક ગ્લાસગો યુનિવર્સિટીમાં ‘પોલિટિક્સ એનેડ પબ્લિક પોલિસી’ના ફાઈનલ વર્ષની સ્ટુડન્ટ છે.

આલ્કોહોલ પ્રતિ પ્રેમ અને અપશબ્દોના ઉપયોગની આદતના લીધે સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકાઓ પણ થઈ છે. SNPની ઉમેદવાર માહિરી બ્લેકને ૨૩,૫૪૮ મત અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટરને ૧૭,૮૫૪ મત મળ્યા હતા. બ્લેક જ્યારે ઘૂંટણિયે ચાલતી હતી ત્યારે એલેકઝાન્ડર પહેલી વખત આ બેઠક પરથી વિજેતા થયા હતા. માહિરીનું ચૂંટણીપ્રચાર અભિયાન નિવૃત્ત શિક્ષક પિતા એલને સંભાળ્યું હતું. સ્કોટલેન્ડની આઝાદીના જનમતમાં પણ તેણે જોરશોરથી ભાગ લીધો હતો. તેણે આઝાદીનો વિરોધ કરનારા નેતાઓને સ્વાર્થી કહ્યાં હતાં.

મિસ બ્લેક ૧૪ વર્ષની વયથી ટ્વીટર એકાઉન્ટ ચલાવે છે. ચૂંટણી જીત્યાં પછી માહિરીએ કહ્યું હતું તે અમે માત્ર સ્કોટલેન્ડ નહિ, સમગ્ર યુકેમાં સુધારો લાવવાની કોશિશ કરીશું. ૨૦૦૬માં ચૂંટણી લડવા માટે લઘુતમ વય ૨૧થી ઘટાડીને ૧૮ વર્ષની કરવામાં આવી હતી. આ પહેલા ૧૬૬૭માં ૧૩ વર્ષીય ક્રિસ્ટોફર મોન્ક, સેકન્ડ ડ્યૂક ઓફ એલ્બેમાર્લે સૌથી યુવાન વયે સાંસદ બન્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter