‘પીપલ્સ એમપી’ સર ડેવિડ એમેસની ક્રૂર હત્યા

Wednesday 20th October 2021 15:21 EDT
 
 

લંડનઃ ‘પીપલ્સ એમપી (MP)’ તરીકે જાણીતા ૬૯ વર્ષીય બ્રિટિશ કન્ઝર્વેટિવ સાંસદ સર ડેવિડ એમેસની શુક્રવાર, ૧૫ ઓક્ટોબરે ઈસેક્સમાં લેઈઘ–ઓન– સી ટાઉનમાં ૨૫ વર્ષીય સોમાલી મુસ્લિમ યુવકે ચપ્પાનાં અનેક ઘા મારીને ક્રૂર હત્યા કરી હતી. વડા પ્રધાન જ્હોન્સને સર એમેસની તેમના મતક્ષેત્રને ૩૮ વર્ષની સેવાને અંજલિ આપતા કોમન્સમાં જણાવ્યું હતું કે સાઉથએન્ડને સિટીનો દરજ્જો અપાવવાના સર એમેસના ૨૦ વર્ષના સ્વપ્નને ક્વીનને બહાલી આપી છે.
સાઉથએન્ડ વેસ્ટના સાંસદ સર ડેવિડ એમેસ બેલફેર્સ મેથડિસ્ટ ચર્ચમાં મતદારો સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આ હુમલો કરાયો હતો. પોલીસે ઘટનામાં સામેલ ૨૫ વર્ષનાં બ્રિટિશ નાગરિક અને મૂળ સોમાલી મુસ્લિમ યુવક અલી હારબી અલીની શકમંદ તરીકે ધરપકડ કરી હતી અને તેને ટેરરિઝમ એક્ટ ૨૦૦૦ના સેક્શન ૪૧ હેઠળ અટકમાં લેવાયો હતો. પાંચ વર્ષ અગાઉ લેબર સાંસદ જો કોક્સની હત્યા પછીની આ ઘટનાએ યુરોપનાં દેશોમાં ભારે હોબાળો મચાવ્યો છે. મેટ્રોપોલીટન પોલીસે હત્યાની આ ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો હતો.
હાઉસ ઓફ કોમન્સમાં ૩૮ વર્ષની સેવા
ઈસેક્સમાં ૧૯૫૨માં જન્મેલા સર એમેસ બ્રેક્ઝિટ સમર્થક હતા અને હાઉસ ઓફ કોમન્સમાં ૩૮ વર્ષની સેવા સાથે સૌથી લાંબો સમય સેવારત સાંસદોમાં એક હતા. એમેસ પહેલી વખત ૧૯૮૩માં બેસિલડોન બેઠકના સાંસદ બન્યા હતા. તેઓએ ચૂંટણી વિસ્તાર બદલ્યો અને ૧૯૯૭થી તેઓ સાઉથએન્ડ વિસ્તારમાંથી ચૂંટણી લડી અને જીતી રહ્યાં છે.

તેઓ બોરિસ જ્હોન્સનના પત્ની કેરીની સાથે કન્ઝર્વેટિવ એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશનના પેટ્રન હતા. તેઓ પોતાની પાછળ પત્ની તેમજ એક પુત્ર અને ત્રણ પુત્રીને વિલાપ કરતા મૂકી ગયા છે. સર ડેવિડે ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ઓન એન્ડોમેટ્રિઓસિસની રચના કરી હતી. તેમને ૨૦૧૫માં રાજકીય અને જાહેર ક્ષેત્રની સેવા બદલ નાઈટહૂડથી વિભૂષિત કરાયા હતા. તેઓ ઈમ્પિરિયલ સોસાયટી ઓફ નાઈટ્સ બેચલરના સભ્ય હતા. ધ ડેઈલી મેઈલ’ના રિપોર્ટ મુજબ ૬૯ વર્ષના બ્રેક્ઝિટ સમર્થક એમેસે અનેક વખત સમલૈંગિક વિવાહ અને ગર્ભપાત જેવાં મુદ્દે સાર્વજનિક રીતે વિરોધ કર્યો હતો. જેના કારણે કેટલાંક લોકો તેમનાથી ઘણાં નારાજ હતા.
ડાયસ્પોરા કોમ્યુનિટીના સંવર્ધક
સર ડેવિડ એમેસ એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર દ્વારા જૂન ૨૦૧૮માં હાઉસ ઓફ કોમન્સમાં આયોજિત સૌપ્રથમ ‘બેંગાલ્સ પ્રાઈડ એવોર્ડ્સ’ના યજમાન હતા. કોમ્યુનિટીને સલામ કરતા સર ડેવિડે ઓડિયન્સને કહ્યું હતું કે,‘ યુકેમાં બંગાળી ડાયસ્પોરા તેમજ ભારત અને બાંગલાદેશમાં બંગાળી કોમ્યુનિટીની સિદ્ધિઓને બિરદાવવાની અને ઉજવવાની આ મહાન તક છે. સમૃદ્ધ ઈતિહાસ અને વિવિધ ક્ષેત્રોમાં અગણિત સિદ્ધિઓથી બંગાળીઓને ગર્વ અનુભવવા માટે ઘણું બધું છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી આ દેશનના પુનર્નિર્માણમાં મદદ કરવા સ્થળાંતર કરી અહીં આવેલા યુવાન બંગાળીઓના અભૂતપૂર્વ યોગદાન પ્રત્યે અમે ભારે આભારની લાગણી ધરાવીએ છીએ. બંગાળી કોમ્યુનિટી હવે વિશ્વના સૌથી અગ્રેસર સાંસ્કૃતિક જૂથોમાં એક છે.
આ સમારંભમાં મેટ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર ફોર સ્પેશિયલ ઓપરેશન્સ શ્રી નીલ બાસુ QPM અને નોબેલવિજેતા અમર્ત્ય સેનને તેમની સિદ્ધિઓ અને કોમ્યુનિટીને યોગદાન બદલ એવોર્ડની નવાજેશ કરાઈ હતી.
અલી હરાબી અલી કોણ છે?
મૂળ સોમાલિયન અને બ્રિટિશ નાગરિક અલી હરાબી અલીની ચર્ચમાં જ ટેરરિઝમ એક્ટ હેઠળ ધરપકડ કરાઈ હતી અને તે તપાસમાં સહકાર આપી રહ્યો છે. તે સર ડેવિડની હત્યા કરવા જ ટ્રેનથી ૫૦ માઈલનું અંતર કાપીને આવ્યો હતો અને પોલીસને તેના ફોનમાં ઈસ્લામિસ્ટ સાહિત્ય મળી આવ્યું હતું. અલી નોર્થ લંડનમાં સેલેબ્રિટી સ્ટ્રીટ લેડી સોમરસેટ રોડ પરના ટાઉનહાઉસમાં રહે છે. તેના પિતા હરાબ અલી કુલ્લાને સોમાલિયાના પ્રાઈમ મિનિસ્ટરના પૂર્વ સલાહકાર છે. અલીના મિત્રના જણાવ્યા અનુસાર સજા કરાયેલા ઈસ્લામિસ્ટ ઉપદેશક અંજેમ ચૌધરીના ઓનલાઈન વીડિયો નિહાળીને તે ઉદ્દામવાદી બન્યો હતો.
શ્રદ્ધાંજલિઓનો અવિરત પ્રવાહ
વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ, ચાન્સેલર રિશિ સુનાક, લેબરનેતા સર કેર સ્ટાર્મર, કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલ સહિતના રાજકીય નેતાઓએ સર એમેસની કરપીણ હત્યાને વખોડી કાઢી હતી. હાઉસ ઓફ કોમન્સના સભ્યોએ ૧૮ ઓક્ટોબરે સર એમેસ માટે એક મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી તેમના માટે પ્રાર્થના કરી હતી. પાર્લામેન્ટની બહાર ધ્વજોને અર્ધી કાઠીએ ફરકાવાયા હતા તેમજ બોરિસ જ્હોન્સનના ઈન્ટરવ્યૂને રદ કરી દેવાયો હતો.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે,‘સર ડેવિડ એમેસના મૃત્યુથી આપણા બધાના હૃદયને ભારે આઘાત અને શોક લાગ્યા છે. તેઓ રાજકારણમાં સૌથી માયાળુ, સૌથી સારા અને સૌથી સદગૃહસ્થ વ્યક્તિઓમાં એક હતા.’
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે,‘ ડેવિડે સાઉથએન્ડના લોકોની અપાર ઉત્સાહ, શક્તિ અને પ્રામાણિકતા સાથે સેવા કરી હતી. તેઓ પોતાના મતક્ષ્ત્રમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમની હત્યાના આઘાતને શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. આ લોકશાહી પરનો અર્થહીન હુમલો છે. આપણા દેશના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સુરક્ષા બાબતે યોગ્ય સવાલો ઉઠાવાઈ રહ્યા છે અને હું આ બાબતે યોગ્ય અપડેટ આપીશ.’ આ પછી હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે તમામ સાંસદોની સુરક્ષા તત્કાળ વધારાઈ રહી છે અને તેમને મતક્ષેત્રની બેઠકોમાં સુરક્ષા પૂરી પડાશે.
લોર્ડ રેમી રેન્જર CBEએ ટ્વિટમાં જણાવ્યું હતું કે,‘સર ડેવિડના આત્માને સ્વર્ગમાં શાંતિ મળજો. તમે પ્રેરણાસભર વારસો છોડી ગયા છો. તમારા પરિવાર, મિત્રો, મતદારો અને દેશને તમારી ભારે ખોટ સાલશે.’
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાએ સર ડેવિડને શ્રદ્ધાંજલિ અર્પતી ટ્વિટમાં લખ્યું હતું કે,‘અમે ભારે ગમગીન છીએ. અમે મિત્ર અને સાથી ગુમાવ્યા છે. સર ડેવિડ એમેસ તેમના મતક્ષેત્રના પ્રતિબદ્ધ હિમાયતી હતા, સન્માનિત પાર્લામેન્ટેરિયન હતા. અમારા વિચાર અને પ્રાર્થના તેમના પરિવારની સાથે છે. સર ડેવિડને શાંતિ પ્રાપ્ત થાય.’
લંડનના મેયર સાદિક ખાને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે,‘આ અકલ્પનીય દુઃખના સમયે મારા વિચારો સર ડેવિડ એમેસના પરિવાર, મિત્રો અને સ્ટાફની સાથે છે. સર ડેવિડ હોંશિયાર, માયાળુ, સમર્પિત જાહેર સેવક હોવા સાથે સમગ્ર રાજકીય ક્ષેત્રમાં લોકપ્રિય અને સન્માનીય હતા.’ લોર્ડ તારિક અહમદ ઓફ વિમ્બલ્ડન, સાંસદો પ્રીત કોર ગિલ, ઝારાહ સુલતાના, અફસાના બેગમે પણ સર ડેવિડને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
બ્રિટનમાં રાજકારણીઓ પર હુમલા
બ્રિટનમાં રાજકારણીઓ પર ભાગ્યે જ હુમલા થતા હોય છે. જોકે, સર એમેસ યુકેમાં હત્યા કરાયેલા નવમા અને બીજા વિશ્વ યુદ્ધ પછી છઠ્ઠા સાંસદ છે. ઉલ્લેખનીય છે કે સર ડેવિડે આ ઘટનાના થોડા મહિના અગાઉ જ બ્રિટનને ઘેરી વળેલા નાઈફ ક્રાઈમનું નિરાકરણ લાવવા જ્હોન્સનને અપીલ કરી હતી પરંતુ, તેઓ જ નાઈફ ક્રાઈમનો શિકાર બન્યા છે. અગાઉ, ૨૦૧૦માં લેબર પાર્ટીના સાંસદ સ્ટીફન ટિમ્સ પર પણ આ રીતે હુમલો થયો હતો. આ પછી, જૂન ૨૦૧૬માં લેબર પાર્ટીના જો કોક્સ પર તેમના નોર્ધર્ન ઈંગ્લેન્ડ મતવિસ્તારમાં ફાયરિંગ કરી હત્યા કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter