નવી દિલ્હીઃ ગાંધી પરિવારના યુવા સભ્ય પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં આગમનથી કોંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ પ્રવર્તી રહ્યો છે ત્યારે બીજી તરફ ગાંધી પરિવારમાં જમાઇ રોબર્ટ વાડરા સામે મની લોન્ડરીંગ કેસમાં ઘનિષ્ઠ તપાસ શરૂ થતાં ચિંતાનું મોજું ફરી વળ્યું હોય તો નવાઇ નહીં.
મની લોન્ડરીંગ કેસમાં રોબર્ટ વાડરા સામે કાનૂની કાર્યવાહીનો સકંજો દિન-પ્રતિદિન મજબૂત બની રહ્યો છે. કેસની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસ સંદર્ભે એક જ સપ્તાહમાં સતત ત્રણ દિવસ કલાકો સુધી તેમની પૂછપરછ કરી છે. જેમાં તેમની લંડન સ્થિત બેનામી પ્રોપર્ટીનો મુદ્દો કેન્દ્રસ્થાને હતો.
અહેવાલ અનુસાર, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડરા લંડનમાં અલગ અલગ સ્થળે કુલ ૧૧૦ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ ધરાવે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસે વાડરાના સિક્રેટ ઈ-મેલ છે જેમાં લંડનની સંપત્તિ અંગે ઉલ્લેખ હોવાનું માનવામાં આવે છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના ઉચ્ચ અધિકારીઓએ પહેલાં તબક્કામાં છઠ્ઠી ફેબ્રુઆરીએ વાડરાને પૂછપરછ માટે જામનગર હાઉસ સ્થિત વડા મથકે બોલાવ્યા હતા. કલાકો સુધી લાંબી પૂછપરછ કરવામાં આવ્યા પછી બીજા દિવસે બે તબક્કામાં ૬ કલાક અનેકવિધ સવાલો પૂછવામાં આવ્યા હતા.
આ પછી પણ ઈડીને સંતોષજનક માહિતી ન મળતાં ત્રીજા દિવસે શુક્રવારે તેમને ફરી બોલાવવામાં આવ્યા હતા અને ત્રણેક કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે વાડરાની ૧૬ ફેબ્રુઆરી સુધી ધરપકડ નહીં કરવા આદેશ આપ્યો છે.
પહેલા તબક્કાની પૂછપરછ દરમિયાન રોબર્ટ વાડરાએ સંજય ભંડારી અને તેમના પિતરાઈ શિખર ચઢ્ઢા સાથે કોઈ પણ વેપારી સંબંધનો ઇનકાર કર્યો હતો. વાડરાએ જણાવ્યું હતું કે, મનોજ અરોરા મારો કર્મચારી હોવાના કારણે તેને ઓળખું છું પરંતુ મેં અરોરાને કોઈ ઇ-મેઈલ મોકલ્યા નથી. હું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લંડનમાં કોઈ સંપત્તિની માલિકી ધરાવતો નથી. ઇડીના જોઈન્ટ ડિરેક્ટર, ડેપ્યુટી ડિરેક્ટર સહિતના પાંચ ઉચ્ચ અધિકારીઓની ટીમે રોબર્ટ વાડરાની પૂછપરછ કરી હતી.
વાડરાએ ઈડી દ્વારા કરવામાં આવેલો મની લોન્ડરીંગનો કેસ રાજકીય ઇરાદાપ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો હતો. આને કારણે સરકાર, કોંગ્રેસ તેમજ વિપક્ષો વચ્ચે નવો વિવાદ સર્જાયો છે અને સામસામે આક્ષેપબાજી થઇ રહી છે.
શું છે વાડરા પર આરોપ?
• ૧.૯ મિલિયન પાઉન્ડમાં લંડનના ૧૨ બ્રાયન્સ્ટોન સ્કવેર ખાતે આવેલી સંપત્તિ ખરીદી • લંડનમાં ૬ એપાર્ટમેન્ટ સહિત વધુ સંપત્તિ રોબર્ટ વાડરાની માલિકીના.• લંડનમાં પાંચ મિલિયન પાઉન્ડ અને ચાર મિલિયન પાઉન્ડના બે મકાન રોબર્ટ વાડરાની માલિકીના.
શું છે મની લોન્ડરીંગ કેસ?
રોબર્ટ વાડરા પર લંડનના ૧૨ બ્રાયન્સ્ટોન સ્કવેર ખાતે ૧૯ લાખ પાઉન્ડમાં સંપત્તિ ખરીદવાનો આરોપ છે. ઈડીના જણાવ્યા અનુસાર અમે ભાગેડુ હથિયારના વેપારી સંજય ભંડારી સામે ઇન્કમટેક્સ એક્ટના ઉલ્લંઘન માટે તપાસ કરી રહ્યાં હતાં. તપાસમાં મનોજ અરોરાની ભૂમિકા સામે આવી હતી. જેના આધારે મની લોન્ડરીંગનો કેસ દાખલ કરાયો છે.
આરોપ છે કે લંડન સ્થિત આ સંપત્તિને સંજય ભંડારીએ ખરીદી હતી અને ૨૦૧૦માં એટલી જ રકમમાં આ સંપત્તિને સંજય ભંડારીએ ખરીદી હતી. અને ૨૦૧૦માં એટલી જ રકમમાં આ સંપત્તિ વેચી દીધી હતી. આ સંપત્તિની મરામત અને સજાવટ પાછળ ૬૫,૯૦૦ પાઉન્ડનો ખર્ચ કરાયો હતો. તેમ છતાં રોબર્ટ વાડરાને અગાઉની કિંમતે જ સંપત્તિ વેચવામાં આવી હતી.
ઈ-મેલ નક્કર પુરાવો?
વાડરાએ લંડનની મિલકત અંગે કોઈ કબુલાત નહીં કરતાં તપાસનીશ અધિકારીઓએ ગુરુવાર - ૭ ફેબ્રુઆરીએ શસ્ત્રસોદાગર સંજય ભંડારીના સગા સુમિત ચઢ્ઢાએ સંજય ભંડારી અને વાડરાને માર્ક કરીને મોકલેલા ઈ-મેલને નક્કર પુરાવા તરીકે ગણ્યા હતા અને તેના આધારે અનેક સવાલો પૂછયા હતા.
વાડરાએ આ ઈ-મેલના રિપ્લાય સુમિત ચઢ્ઢા અને સંજય ભંડારીને કર્યા હોવાના પુરાવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસે હોવાનું મનાય છે.
ઇડીનું માનવું છે કે મની લોન્ડરિંગ દ્વારા બ્લેક મનીનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવા કરવામાં આવ્યો છે. જોકે વાડરાએ આવા કોઈ ઈ-મેલ કર્યાનો ઇનકાર કર્યો હતો. ભંડારીના પિતરાઈ શિખર ચઢ્ઢા સાથે વ્યાવસાયિક સંબંધો હોવાનો પણ તેમણે ઇનકાર કર્યો હતો.
‘લંડનમાં સંપત્તિ નથી’
ઈડીએ વાડરા સામે લંડનમાં બેનામી સંપતિ હોવાના આરોપો લગાવ્યા હતા, પરંતુ વાડરાએ તેનો ઇનકાર કર્યો છે. તેનો દાવો છે કે પોતે સંજય ભંડારીને ઓળખતા નથી.
સંજય ભંડારી કે સુમિત ચઢ્ઢા સાથે તેમને કોઈ વેપારી સંબંધો ન હોવાનો દાવો કર્યો હતો. જોકે મનોજ અરોરા ભૂતકાળમાં તેમનો કર્મચારી હોવાથી તેને ઓળખતા હોવાનો એકરાર કર્યો હતો. વાડરાનાં નિવેદનને મની લોન્ડરિંગ કાયદા હેઠળ નોંધવામાં આવ્યું હતું.
પ્રિયંકાનો સંદેશઃ હું પરિવારની સાથે...
મની લોન્ડરીંગ કેસમાં પૂછપરછ માટે પતિ રોબર્ટ વાડરાને બુધવારે - છઠ્ઠી ફેબ્રુઆરીએ ઇડીની કચેરી સુધી મૂકવા જઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાજકીય વિરોધીઓને સ્પષ્ટ સંદેશ પાઠવી દીધો હતો કે, હું મારા પરિવારની સાથે ઊભી છું.
છઠ્ઠી ફેબ્રુઆરીએ કોંગ્રેસ કાર્યાલયે પહોંચેલા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, હું મારા પરિવારની સાથે ઊભી છું. દુનિયા જાણે છે કે શું ચાલી રહ્યું છે. પતિ રોબર્ટ વાડરાને ઇડીની કચેરીએ મૂકીને કોંગ્રેસ મુખ્ય મથકે પહોંચેલા પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ પૂર્વના કોંગ્રેસ મહાસચિવ તરીકેની કામગીરી શરૂ કરી દીધી હતી.
ભાજપના રાહુલ ગાંધીને ૪ સવાલ
એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટે લંડનમાં બેનામી સંપત્તિ મામલે રોબર્ટ વાડરાની પૂછપરછ શરૂ કર્યા બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ચાર જાહેર સવાલ પૂછ્યા હતા.
• સિન્ટેક ઇન્ટરનેશનલ કંપની કોની છે? વાડરાનો તેની સાથે શું સંબંધ છે?
• શું રોબર્ટ વાડરા સી. સી. થમ્પીને ઓળખે છે?
• ૨૦૦૯માં પેટ્રોલિયમ સોદાની કટકી કોના બેંક ખાતામાં ગઈ હતી?
• લંડનમાં રોબર્ટ વાડરાની કેટલી સંપત્તિ છે?


