લંડનમાં ભારત – બાંગ્લાદેશના મૈત્રીપૂર્ણ સંબંધોના ૫૦ વર્ષની ઉજવણી

Wednesday 15th December 2021 07:11 EST
 
 

લંડનઃ ભારત – બાંગ્લાદેશના રાજદ્વારી સંબંધોના ૫૦ વર્ષ નિમિત્તે ૬ ડિસેમ્બરે મૈત્રી દિવસ ઉજવવામાં આવ્યો હતો. તેની ઉજવણી લંડનમાં કરવામાં આવી હતી. સેન્ટ્રલ લંડનમાં ભારતીય હાઈ કમિશન અને બાંગ્લાદેશ હાઈ કમિશન દ્વારા સંયુક્તપણે સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ૬ ડિસેમ્બર ૧૯૭૧ના દિવસે ભારતે બાંગ્લાદેશને માન્યતા આપી હતી અને બાંગ્લાદેશને રાજદ્વારી માન્યતા આપનારા દેશોમાં ભારત એક હતો. માર્ચ ૨૦૨૧માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર મુલાકાત દરમિયાન બન્ને દેશો ૬ ડિસેમ્બરની ભારત – બાંગ્લાદેશ મૈત્રી દિવસની ભારત, બાંગ્લાદેશ અને દુનિયાના અન્ય દેશોમાં સંયુક્ત રીતે ઉજવણી કરવા સંમત થયા હતા. ભવ્ય સમારોહમાં ૧૯૭૧માં લીબરેશન વોરમાં પોતાના પ્રાણ ગુમાવનારા તમામ માટે એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશના સ્થાપક પિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનને શ્રદ્ધાંજલિ અર્પતા ભારતના હાઈ કમિશનર ઈસાર કુમારે જણાવ્યું હતું કે ૧૯૭૧માં બાંગ્લાદેશના લીબરેશન વોરમાં બાંગ્લાદેશને મદદ કરવા માટે ભારત ગર્વ અનુભવે છે. તેમણે હાલ ભાગીદારી સાથે સહયોગમાં થયેલી પ્રગતિ સહિત દ્વિપક્ષીય સંબંધોના ઉંડાણ અને ગતિશીલતા પર વિશેષ ભાર મૂક્યો હતો.
લીબરેશન વોરના શહીદો તથા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનને શ્રદ્ધાંજલિ પાઠવતા બાંગ્લાદેશના હાઈ કમિશનર સઈદા મુના તસનીમે લીબરેશન વોર દરમિયાન ભારત અને તેની પ્રજાએ બાંગ્લાદેશને આપેલા અમૂલ્ય સહયોગને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે એકબીજા સાથેની ૫૪ નદી, બન્ને દેશને સાંકળતો આપણા લોકો વચ્ચેનો સ્નેહ અને સમાન લાગણી અને આપણી ભૂમિ વચ્ચેની મૂલ્ય આધારિત મૈત્રી તથા બન્ને દેશોના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાને આપેલા શાંતિના સંદેશ આગામી દસકાઓમાં આપણી મિત્રતાને નવી ઉંચાઈએ લઈ જશે.
આ પ્રસંગે અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહેલા કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ યુકેના કો - ચેર ઓલિવર ડાઉડને બ્રિટિશ ભારતીયો અને બાંગ્લાદેશી કોમ્યુનિટીએ યુકેને આપેલા યોગદાનની વાત કરી હતી.  
લોર્ડ બીલીમોરિયાએ ભારતીય લશ્કરની પ્રશંસા કરતાં બાંગ્લાદેશના યુદ્ધમાં તેમના પિતા લેફ્ટનન્ટ ફરીદૂન નોશીર બીલીમોરિયાએ આપેલા યોગદાન વિશે જણાવ્યું હતું.
યુકેના મિનિસ્ટર્સ અને સાંસદો, મિશનોના વડા, શિક્ષણશાસ્ત્રીઓ, ચેમ્બર લીડર્સ, પ્રોફેશનલ્સ અને ભારત તથા બાંગ્લાદેશ ડાયસ્પોરાના અગ્રમી સભ્યો સહિત ૪૦૦ અતિથિ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભારત – બાંગ્લાદેશના ઐતિહાસિક સંબંધો અને ૧૯૭૧ના લીબરેશન વોર વિશે ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી.
જાણીતા ગાયિકા રૂના લૈલા સહિત ભારત અને બાંગ્લાદેશના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter