લંડનઃ લીડ્સના મૂર એલર્ટનમાં રહેતા અને ચાર વર્ષના પુત્ર હરમનની સંભાળ રાખતા ૩૫ વર્ષીય મનમિન્દરસિંઘ સૌંધનું અચાનક જ તેમના ઘરે મોત થયું હતું. લીડ્સના શિખ સમાજમાં તેઓ ખૂબ લોકપ્રિય હતા. ચરવેલના અર્લિંગ્ટન બિઝનેસ સેન્ટરના કેપીટામાં જોબ કરતા મનમિન્દર પંજાબી ઢોલ ખૂબ સરસ વગાડતા હતા.
તેમના ૬૮ વર્ષીય પિતા અમરિકસિંઘે જણાવ્યું હતું કે તે અચાનક જ બેડરૂમમાં ફસડાઈ પડ્યો હતો. તેણે છેલ્લાં શ્વાસ મારા ખોળામાં જ લીધા હતા. તે વખતે હરમન પણ મારી સાથે હતો.પેરામેડિક્સ પણ તેને ફરી જીવિત કરી શક્યા નહોતા. તેમના ભાઈ મનજીતસિંઘે જણાવ્યું હતું કે તે ખૂબ સ્નેહાળ પિતા હતો. માતા રવિન્દર કૌરે જણાવ્યું હતું કે તેને ક્યારેય કોઈ બીમારી નહોતી. તે સંપૂર્ણ ફીટ હતો અને તેની તબિયતનું ખૂબ ધ્યાન રાખતો હતો તથા નિયમિત જીમમાં જતો હતો.
હેરહિલ્સ ખાતે રાઉન્ધે રોડ પર આવેલા ફીવર એફએમમાં મનમિન્દરસિંઘે ચાર વર્ષ સુધી વોલન્ટિયર ડીજે તરીકે કામ કર્યું હતું. તેના ડિરેક્ટર જબ્બાર કરીમે જણાવ્યું હતું કે તે ખૂબ જાણીતો પ્રેઝન્ટર હતો અને અમારા ફેમિલીનો હિસ્સો બની ગયો હતો. તેની રમૂજ કરવાની ટેવથી બધાને ખૂબ મઝા આવતી હતી.


