વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીએ બ્રિટન આવશે?

દ્વિપક્ષી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષરની તડામાર તૈયારી

Wednesday 05th October 2022 04:03 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબર મહિનાના અંત સમયમાં અર્થાત દિવાળીના સમયગાળામાં દ્વિપક્ષી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર માટે બ્રિટનની મુલાકાત લઈ શકે છે તેવી અટકળોએ સમાચાર માધ્યમોમાં જોર પકડ્યું છે. યુકે અને ભારત વચ્ચે મુક્ત વ્યાપાર વિશેની વાટાઘાટોના પાંચ રાઉન્ડ સમાપ્ત થઈ ગયા છે અને જો અહેવાલોને માનીએ તો બંને દેશની નેતાગીરી દીવાળીના 24 ઓક્ટોબરના તહેવાર પહેલા જ સર્વગ્રાહી અને સંતુલિત વેપારસંધિને મંજૂરીની મહોર મારી દેવા માગે છે.
ભારત અને યુકે દીવાળી પહેલા FTA નો નિવેડો લાવી દેવા માગે છે તેમજ ભારત અને યુકેના વડા પ્રધાનોની ઉપસ્થિતિમાં બંને દેશના ટ્રેડ મિનિસ્ટર્સ દ્વારા સંધિ પર હસ્તાક્ષર કરાવાની ધારણા છે તેમ સત્તાવાર સુત્રે જણાવ્યું છે. વડા પ્રધાન મોદીની મુલાકાત અને વ્યવસ્થા સંદર્ભે આખરી નિર્ણય ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં લઈ લેવાશે તેમ કહેવાય છે.
એમ પણ કહેવાય છે કે વડા પ્રધાન મોદીની મુલાકાત વેળાએ અગ્રણી બિઝનેસમેન્સ સાથે ખાસ બિઝનેસ રાઉન્ડ ટેબલનો સમાવેશ કરવાની પણ યોજના છે. બંને દેશ આર્થિક મુદ્દાઓ ઉપરાંત, 2021માં અંતિમ સ્વરૂપ અપાયેલા ઈન્ડિયા-યુકે 2030 રોડમેપ અનુસાર ડિફેન્સ અને સિક્યુરિટી ક્ષેત્રે ગાઢ સહકારની નવી વ્યવસ્થાની જાહેરાત કરે તેવી પણ સંભાવના છે. કોમર્સ સેક્રેટરી બીવીઆર સુબ્રમણ્યને 3 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ભારત-યુકે FTA નિશ્ચિપણે ટ્રેક પર છે. દીવાળી ડેડલાઈન ખાલી નહિ જાય. મારા શબ્દો નોંધી રાખજો.
ભૂતકાળમાં યુકેના પ્રાઈમ મિનિસ્ટર લિઝ ટ્રસે દેશના ફોરેન સેક્રેટરી તરીકે ત્રણ સત્તાવાર મુલાકાતો લીદી છે. માર્ચ મહિનાના અંતમાં ભારત મુલાકાત દરમિયાન ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર અને ટ્રસ વચ્ચે રશિયા પર આર્થિક પ્રતિબંધો સંદર્ભે ભારત અને યુકે વચ્ચે મતભેદ વિશે પણ ચર્ચા કરી હતી.
અગાઉ, યુકે સરકારે જાહેર કર્યું હતું કે ભારત અને યુકે દ્વારા 29 જુલાઈ 2022 એ ભારત-યુકે મુક્ત વેપારસંધિ (FTA) પર વાટાઘાટોના પાંચમા રાઉન્ડની સમાપ્તિ થઈ છે. વાટાઘાટકાર અધિકારીઓએ કેટલીક બેઠક નવી દિલ્હીમાં કરી છે અને મોટા ભાગની બેઠકો વર્ચ્યુઅલ મોડમાં થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter