લંડનઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના ભારતીય બેન્કોના કોન્સોર્ટિયમની અપીલને માન્ય રાખી લંડન હાઈ કોર્ટે સોમવારના ચુકાદામાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો છે. આ સાથે માલ્યાની હાલ બંધ પડેલી કિંગફિશર એરલાઈન્સ પર બેન્કોના ૯,૦૦૦ કરોડ રૂપિયા (આશરે ૧ બિલિયન પાઉન્ડ)થી વધુ લેણા સંદર્ભે સમગ્ર વિશ્વમાં તેની મિલકતોને જપ્ત કરી લોન વસૂલાતનો માર્ગ મોકળો બન્યો છે. બીજી તરફ, ભારત સરકારે માલ્યાને યુકેમાં નિરાશ્રિત તરીકે રહેવાની મંજૂરી ન અપાય તે માટે રાજકીય દબાણ વધારી દીધું છે.
લંડન હાઈ કોર્ટના ચાન્સેરી ડિવિઝન ખાતે વર્ચ્યુઅલ સુનાવણીમાં ચીફ ઈન્સોલ્વન્સીસ એન્ડ કંપનીઝ કોર્ટના જજ માઈકલ બ્રિગ્સે કહ્યું હતું કે, ‘યુકે સમય ૧૫.૪૨ વાગ્યે હું ડો. માલ્યાને નાદાર જાહેર કરું છું.’ ભારતીય બેન્કોના કોન્સોર્ટિયમે તેમની તરફેણમાં બેન્કર્પ્સી ઓર્ડર મેળવવા દલીલો કરી હતી. કોન્સોર્ટિયમ વતી કાનૂની ફર્મ TLT LLP અને બેરિસ્ટર માર્સિયા શેકેરડેમિયને કોર્ટમાં રજૂઆતો કરી હતી.
ચુકાદા વિરુદ્ધ અપીલની પણ પરવાનગી નહિ
વિજય માલ્યાના બેરિસ્ટર ફિલિપ માર્શલે ભારતીય કોર્ટ્સમાં કાનૂની પડકારો હજુ ચાલી રહ્યા છે ત્યાં સુધી નાદારીના ઓર્ડર પર મનાઈહુકમ સાથે તેને મોકુફ રાખવા વિનંતી કરી હતી પરંતુ, જજ માઈકલ બ્રિગ્સે વિનંતી ફગાવવા સાથે કહ્યું હતું કે યોગ્ય સમયમર્યાદામાં અરજદારોને તેમનું સંપૂર્ણ દેવું ચૂકવી અપાશે તે માટે ‘અપૂરતા પુરાવા’ છે. આ ઉપરાંત, નાદારીના ઓર્ડર સામે અપીલની પરવાનગી માગતી અરજી પણ કરવામાં આવી હતી. જજે અરજીને ફગાવી કહ્યું હતું કે અરજીને ‘સફળ થવા માટે કોઈ વાસ્તવિક તક નથી.’ માલ્યાના વકીલોએ દેવાંની રકમ વિવાદિત હોવા ઉપરાંત ભારતીય કોર્ટ્સમાં ચાલતી કાનૂની કાર્યવાહી યુકેમાં નાદારીનો ઓર્ડર જાહેર કરવામાં અવરોધરુપ હોવાની રજૂઆતો કરી હતી.
માલ્યાને નાદાર જાહેર કરાવવા માગતા ૧૩ અરજદારોના કોન્સોર્ટિયમમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા, કોર્પોરેશન બેન્ક, ફેડરલ બેન્ક લિમિટેડ, IDBI બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક, પંજાબ એન્ડ સિંધ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ માયસોર, UCO બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને JM ફાઈનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની પ્રા.લિ.નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, વધુ એક લેણદાર પણ કેસમાં સંકળાયેલા છે. બેન્કોના આ લેણાંમાં મૂળ રકમ અને તેના પરનું વ્યાજ તેમજ ૨૫ જૂન ૨૦૧૩થી વાર્ષિક ૧૧.૫ ટકાના દરે ચક્રવૃદ્ધિ-કમ્પાઉન્ડ વ્યાજનો સમાવેશ થાય છે. વિજય માલ્યાએ કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટ ચાર્જીસ વિરુદ્ધ ભારતીય કોર્ટ્સમાં અરજીઓ કરેલી છે.
માલ્યાને સ્વદેશ પરત લાવવાનો વિશ્વાસ
ભારતને વિશ્વાસ છે કે માલ્યાને ટૂંક સમયમાં સ્વદેશ પરત લાવી શકાશે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ દ્વારા ટુંક સમયમાં તેને લગતો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૂંગલાના દાવા મુજબ ભારત સરકારને આ મુદ્દે યુકે સત્તાવાળાઓ તરફથી સકારાત્મક ખાતરી મળી હતી.
ફક્ત માલ્યા જ નહિ, નિરવ મોદી અને ભૂમાફિયા-ગેંગસ્ટર જયેશ પટેલના પ્રત્યર્પણ અંગે પણ યુકેના સત્તાવાળાઓ સાથે ચર્ચા થઈ છે. જોકે, ૬૫ વર્ષીય વિજય માલ્યા યુકેમાં હજુ જામીન પર મુક્ત રહેશે. માલ્યાના પ્રત્યર્પણ સંબંધિત કેસમાં તેની રાજ્યાશ્રય-એસાઈલમ માટેની અરજીનો ગુપ્ત કાનૂની મુદ્દો ઉકેલવાનો બાકી છે. બીજી તરફ, માલ્યાને રક્ષણ આપવામાં યુકેને વિશેષ ફાયદો થવાનો નથી.