વિદેશમાં વસતા ભારતીયો દેશમાં પરિવારને રૂ. 10 લાખ મોકલી શકશે

Wednesday 06th July 2022 02:32 EDT
 

નવી દિલ્હી, લંડનઃ ભારત સરકારે ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (FCRA) સંબંધિત કેટલાક નિયમોમાં સુધારો કર્યો છે, જેને પગલે હવે વિદેશમાં વસતા ભારતીયો ઓથોરિટીને જાણ કર્યા વિના તેમજ કોઈપણ નિયંત્રણ વિના દેશમાં એક વર્ષમાં તેમના પરિવાર-સંબંધીઓને રૂપિયા 10 લાખ સુધીની રકમ મોકલી શકશે. અગાઉ આ મર્યાદા માત્ર 1 લાખ રૂપિયાની હતી.

ગૃહમંત્રાલયના ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) અમેન્ડમેન્ટ રુલ્સ, ૨૦૨૨ના નોટિફિકેશન મુજબ વિદેશસ્થિત ભારતીયો તંત્રને જાણ કર્યા વિના રૂ. 10 લાખથી વધુની રકમ મોકલે તો તેમણે 90 દિવસમાં સરકારને જાણ કરવાની રહેશે. અગાઉ આ સમય મર્યાદા માત્ર 30 દિવસ હતી. ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) રુલ્સ, 2011ના નિયમ 6માં એક લાખ રૂપિયાના બદલે દસ લાખ રૂપિયા અને 30 દિવસના બદલે ત્રણ મહિના શબ્દ બદલવામાં આવ્યા છે. રુલ્સ 6 સંબંધીઓને વિદેશી ધન મેળવવાની માહિતી સંબંધિત છે જેમાં પહેલા કહેવાયું હતું કે, કોઈપણ વ્યક્તિ પોતાના કોઈ સંબંધીને એક નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયા અથવા તેના જેટલું વિદેશી નાણું મોકલે તો વિદેશી યોગદાન મળ્યાના 30 દિવસમાં કેન્દ્ર સરકાર (નાણાં વિગતો)ને સૂચિત કરવાની રહેશે.

આ જ રીતે નિયમ 9માં પણ ફેરફાર કરાયો છે. તેના હેઠળ હવે વ્યક્તિઓ અથવા સંગઠનો અથવા બિનસરકારી સંસ્થા- સંગઠનોના બેન્કખાતા અંગે ગૃહમંત્રાલયને સૂચિત કરવા માટેનો સમય ૪૫ દિવસ કરી દેવાયો છે. અગાઉ આ સમયમર્યાદા 30 દિવસ હતી. નિયમ 9 નાણાં મેળવવા માટે FCRA હેઠળ ‘નોંધણી’ અથવા ‘પૂર્વ મંજૂરી’ મેળવીને અરજી કરવા સંબંધિત છે.

કેન્દ્ર સરકારે નિયમ 13માં જોગવાઈ ‘બી’ને પણ ‘છોડી દીધી’ છે, જે પોતાની વેબસાઈટ પર દર ત્રણ મહિનામાં દાતાઓની વિગતો, મેળવેલી રકમ અને તારીખ વગેરે સહિત વિદેશી નાણાંની વિગતો જણાવે છે. હવે FCRA હેઠળ વિદેશી ભંડોળ મેળવનારી વ્યક્તિએ આવક અને ખર્ચના સ્ટેટમેન્ટ સહિત વિદેશી ભંડોળ મેળવવા માટે ઉપયોગમાં લેવાયેલા ખાતાનું ઓડિટ કરાવેલું સ્ટેટમેન્ટ, રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટ તથા એપ્રિલના પહેલા દિવસથી શરૂ કરીને પ્રત્યેક નાણાકીય વર્ષ માટેની બેલેન્સ શીટ નાણાકીય વર્ષ પૂરું થવાના નવ મહિનામાં તેની સત્તાવાર વેબસાઈટ અથવા કેન્દ્ર દ્વારા નિર્દિષ્ટ ચોક્કસ વેબસાઈટ પર પૂરાં પાડવાના રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter